શ્રદ્ધા એ અંધકારની તમારી એકાકી
ક્ષણોમાં રહેલો પ્રકાશ છે, તે તમારી શાંતિ અને તાકાતનો સહારો છે.
|
થોડા સમય પહેલાં મેં શ્રદ્ધા ઉપર મારા વિચારો લખેલા હતાં અને મેં હંમેશા એવી માન્યતા રાખી છે કે શ્રદ્ધામાં તર્ક કે કારણ માટે કોઈ સ્થાન નથી. જો તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય તો તમારે એ વાતનો પણ સ્વીકાર કરવો જ જોઈએ કે તમે તમારી શ્રદ્ધાનું રક્ષણ કોઈ વૈજ્ઞાનિક પુરાવા સાથે કરવા માટે અહી નથી. જે કોઈ પણ તમારી માન્યતા સાથે સહમત નથી હોતું તેને પણ તેનાં પોતાનાં મત રાખવા માટેનો સમાન અધિકાર છે. જો તમે શ્રદ્ધા રાખવાથી શાંતિ અને આનંદનો અનુભવ કરી રહ્યા હોય, જો તમે કોઈ સારું કર્મ કરવા માટે પ્રેરિત થતાં હોય, તો પછી તમે તમારી જે પણ શ્રદ્ધા છે, તેને પકડી રાખો, તેનો ત્યાગ કરવાનું કોઈ કારણ નથી.
હું તમને મારો પોતાનો અંગત મત કહું. હું ઈશ્વરમાં માનું છું. તેને બીજા શબ્દોમાં કહું તો: હું ઈશ્વરને ઓળખું છું. મેં નિરાકારનો અસંખ્ય વખત અનુભવ કર્યો છે અને હું તમારામાં ભગવાનને જોઉં છું. હું ફક્ત બોલવા ખાતર નથી બોલતો, હું ખરેખર જોઉં છું. કોઈ એક રાબીએ આઇન્સ્ટાઇનને પત્ર લખીને પૂછ્યું કે શું તે ઈશ્વરમાં માને છે. આઇન્સ્ટાઇને જવાબમાં ટેલીગ્રામ મોકલ્યો કે “હું સ્પિનોઝાના ભગવાનમાં માનું છું કે જે સ્વયંને જેનું અસ્તિત્વ છે તેમાં રહેલી સુસંગતતામાં વ્યક્ત કરે છે, નહિ કે એ ઈશ્વરમાં કે જેને ફક્ત માણસોનાં નસીબ અને કર્મો સાથે જ લેવાદેવા છે.” જો તમે બરૂચ સ્પિનોઝા (૧૬૩૨ – ૧૬૭૭)થી માહિતગાર ન હોવ તો તે એક ડચ તત્વચિંતક હતો. (હા ત્યાં ફક્ત હોશિયાર એન્જીનીયર જ નહિ પરંતુ તત્વચિંતકો પણ છે). તે એક અપરંપરાગત અને મુક્ત વિચારક હતો, તે સમયમાં તેનાં મંતવ્યો ક્રાંતિકારી હતાં. તેની ફિલસુફી વિચાર કરતાં કરી દે તેવી હતી, અરે વેદાંતિક પણ હતી. વાંચો તેનાં વિષે જો તમારે જાણવું હોય તો. તો આમાં શ્રદ્ધાને લાગતું વળગતું હોય એવું શું છે?
મારા માટે, શ્રદ્ધા એ એક ભાવના છે, એક લાગણી છે. જેવી રીતે તમે પ્રેમમાં પડો છો અને તમે પ્રેમમાં સમર્પણ કરી દો છો અને તમે જેને પ્રેમ કરતાં હોય તેનાં માટે ગમે તે કરી શકવા માટે તૈયાર હોવ છો, તેવી જ રીતનું શ્રદ્ધાનું પણ હોય છે. શ્રદ્ધા એ પ્રેમ છે. જયારે તમને શ્રદ્ધા હોય છે, ત્યારે તમે ભવિષ્યની ચિંતા છોડી દો છો, તમે તમારી ભૂતકાળની ગ્લાનીને પણ ત્યજી દો છો, કારણકે તમે દિવ્યતાની મરજીને સમર્પણ કરી ચુક્યા હોવ છો. તમે બસ સારું અને કર્મશીલ જીવન જીવવા માટે કટિબદ્ધ હોવ છો. પરંતુ, સાથે સાથે તમે આ વિશાળ યોજનાનાં વિશાળ પરિમાણમાં રહેલાં મોટા બળથી પણ પરિચિત હોવ છો. અને તે આ રમતમાં તમને ઘણું બધું સારું આપશે કે જેનાંથી આ જીવન-રમતને તમે સારી રીતે રમી શકો.
તે તમને સર્વશ્રેષ્ઠ બનવાં માટે અને સેવા કરવા માટે જરૂરી એવી સખત મહેનત કરવા માટેનાં હિંમત, ઉત્સાહ અને ઉર્જા પુરા પાડે છે. જીવન સુંદર લાગે છે અને ત્યારે દરેક વસ્તુ અમુલ્ય લાગતી હોય છે, કારણકે ખરેખર તેવું જ હોય છે. અરે આપણું દુઃખ પણ અમુલ્ય છે. તે તમને તાકાત આપે છે, તમને તેનાં ઉપર ચિંતન કરવાની ફરજ પાડે છે. તે અમુલ્ય છે કેમ કે હવે તમે જીવનની વધુ કદર કરતાં થાવ છો, તે તમને તમારાથી-તમારી ખરી જાતની નજીક લાવે છે. મને જપજી સાહેબ નામનાં ગુરુ નાનકે રચેલા એક જ્ઞાનમય અને સુંદર ગ્રંથની ગહન પંક્તિઓની યાદ આવી ગઈ. શીખ ધર્મમાં પ્રથમ દસ જ્ઞાની ગુરુઓ થઇ ગયા અને અગિયારમાં ગુરુ તે આ ગ્રંથને જ માનવામાં આવે છે જેમાં તમને આ શ્લોકો જોવા મળશે.
नानक पातिसाही पातिसाहु ॥આ સંદેશને તમારી અંદર ડૂબવા દો. તો, આ રીતે હું શ્રદ્ધાને અને ઈશ્વરને જોઉં છું. દરેક વસ્તુ, ખરેખર દરેક વસ્તુ અનમોલ છે. આ સર્જનમાં રહેલ પ્રત્યેકજણની સેવા કરવી તે ઈશ્વરની સેવા કરવા જેવું છે. નિ:સ્વાર્થ સેવાથી મોટો કોઈ ધર્મ નથી.
अमुल गुण अमुल वापार ॥
अमुल वापारीए अमुल भंडार ॥
अमुल आविह अमुल लै जाहि ॥
अमुल भाइ अमुला समाहि ॥
अमुलु धरमु अमुलु दीबाणु ॥
अमुलु तुलु अमुलु परवाणु ॥
अमुलु बखसीस अमुलु नीसाणु ॥
अमुलु करमु अमुलु फुरमाणु ॥
अमुलो अमुलु आखिआ न जाइ ॥
आखि आखि रहे लिव लाइ ॥
હે નાનક, તે રાજાઓ નો પણ રાજા છે.
તેનાં ગુણ અને લેણદેણ અનમોલ,
અનમોલ છે તેનો વેપાર અને અનમોલ તેનો ખજાનો.
તેની નજીક જનાર અને તેમાંથી લેનાર પણ અનમોલ.
અનમોલ તેનો પ્યાર અને અનમોલ તેનું શરણું.
અનમોલ તેનો કાયદો અને અનમોલ તેનો ન્યાય,
અનમોલ તેનું વજન અને અનમોલ તેનું પરિમાણ.
અનમોલ તેનાં આશિષ અને અનમોલ તેનાં પદચિન્હ
અનમોલ તેની દયા અને અનમોલ તેનો આદેશ.
અનમોલ, ઓ અનમોલ તું અવર્ણનીય!
તેનું જ રટણ કરો અને તેનાં જ પ્રેમમાં ડૂબેલાં રહો.
(શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, મેહલ ૧. ૪.૨૫-૨૬)
એક માણસને ઈન્ટરવ્યું માટે મોડું થઇ રહ્યું હતું અને તેને પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરવા માટેની જગ્યા નહોતી મળી રહી અને તે ગોળ-ગોળ ફરી રહ્યો હતો.
“હે ભગવાન!” તેને કહ્યું, “તું મને ગાડી પાર્ક કરવાની એક જગ્યા શોધી આપ, હું મારી આખી જિંદગી સુધી તારો આભાર માનતો રહીશ.”
અને ચમત્કારિક રીતે, એક જગ્યા તેને દેખાઈ તેની બિલકુલ સામે જ.
“ભગવાન તું તકલીફ ન લઈશ, મને એક જગ્યા મળી ગઈ છે!”
શ્રદ્ધા એ કોઈ ચીજ નથી કે જે તમને ૨૪/૭ ખુલ્લી રહેતી કરીયાણાની દુકાનમાંથી મળી રહે. તે તો એક હંસ છે કે જે શુદ્ધ જળમાં તરે છે. તેને ખબર હોય છે કે ફક્ત શુદ્ધતાને, મોતીને કેમ પકડવા. જયારે તમારી શ્રદ્ધા સાચી હોય છે, જયારે તે શુદ્ધ હોય છે અને લેણ-દેણ પર આધારિત નથી હોતી, ત્યારે તમે કુદરતનું એક પ્રભાવશાળી સાધન બનો છો. દિવ્યતા ત્યારે તમારી અંદર શક્તિ અને જવાબદારી બન્નેને વહેવડાવે છે, કેમ કે તે બન્ને એકબીજાનો હાથ પકડીને જ ચાલતાં હોય છે.
ભગવાન પાસે તુચ્છ વસ્તુઓની માંગ કરીને તમારી જાતને મર્યાદિત ન બનાવી દો. કુદરતની વિશાળતા ઉપર વિશ્વાસ રાખો. શ્રદ્ધાનો અર્થ એ નથી કે તમારા બધા જ સ્વપ્નો સાચા પડી જાય, તેનો અર્થ તો ફક્ત એ છે કે તમે તમને પ્રાપ્ત થયેલ દરેક વસ્તુને એક આશીર્વાદ તરીકે જુઓ, ઈશ્વરના આશીર્વાદ. ફક્ત તમારા કર્મ ઉપર જ ધ્યાન આપો, અને વધુ વાર લાગે તે પહેલાં જ તમે માપી પણ ન શકાય તેટલી પરિપૂર્ણતાને તમારી અંદર અનુભવશો.
તમને ખબર છે ને કે જન્મદિવસની ઉજવણીમાં તમને કેવી રીતે બધી ભેટો મળતી હોય છે. તમને એ બધી તો નથી ગમતી હોતી. કોઈ વખત તો બે સરખી ભેટો પણ થઇ જાય છે. કેટલીક તમને ખરેખર ગમી જતી હોય છે, કે તમારે તે કાયમ રાખવી હોય છે, પરંતુ અંતે તો તે બગડી કે તૂટી જતી હોય છે કે પછી તમે તેનાંથી ઉપર ઉઠી જાવ છો. આવી જ રીતનું જીવનનું પણ હોય છે. તે પણ એક ઉજવણી જ છે. થોડી ભેટો તમને ગમે, થોડી નહિ, થોડી તમને વારંવાર મળતી રહેવાની, પણ એકેય કાયમ નથી ચાલવાની. એ ચાલી શકે જ નહિ. કશું પણ કાયમ ચાલતું રહેવા માટે બન્યું નથી.
આ દુનિયાના આ અનિત્ય સ્વભાવને સ્વીકારો, અને તેની સાશ્વત અસ્થાયીતા તે આંતરિક શાંતિનો એક ચોક્કસ માર્ગ છે. કાં તો સંપૂર્ણ સમર્પણમાં જીવો અને કાં તો સંપૂર્ણ અનુશાસનમાં રહો. જો તમારી નૈયાનો કોઈ આધાર કે માર્ગદર્શન કરાવનાર નહિ હોય તો તે ફક્ત તણાતી જ રહેવાની. તે વિચારોની, ઇચ્છાઓની, અને લાગણીઓની દિશામાં બસ તણાતી જ રહેવાની. આજે અહી, કાલે ત્યાં.
વ્યક્તિગત બુદ્ધી કરતાં બ્રહ્માંડીય અલૌકિક પ્રબુદ્ધી એ અનંતગણી સુક્ષ્મ, તીવ્ર, સુયોજિત અને નિ:સ્વાર્થ છે. જો તમે તમારી નાવને ચલાવી-ચલાવીને થાકી ગયા હોય તો તેને કોઈ સહારો આપી દો. શ્રદ્ધા રાખો.
શાંતિ.
સ્વામી
No comments:
Post a Comment