Saturday, 30 May 2015

મોચી, કુતરો અને ઈશ્વર

આ એક સુંદર વાર્તા છે, કે જે આધ્યાત્મિકતાનાં ખરા હેતુ – દરેકમાં દિવ્યતાને જોવી – ની એક હળવી યાદ પણ અપાવી જાય છે.
 
એકજણ કે જે મારા બ્લોગને અને પ્રવચનોને શરૂઆતથી અનુસરતાં આવ્યા છે તેઓ મને હમણાં મળવા આવ્યા હતા. તેમણે એક હૃદય દ્રવિત કરી નાંખે એવી વાર્તા કહી. આ રહ્યો તેનો સીધો સુર.

“સ્વામી,” તેમણે કહ્યું, “ સવારમાં સ્નાન કર્યા પછી પ્રથમ કામ હું ભગવાનનાં પૂજાલયમાં દીવો પ્રગટાવવાનું કરું છું અને મારી પ્રાર્થના કરું છું. દીવો અને અગરબત્તીની સાથે, હું તાજા ફૂલો પણ ચડાવું છું. મારા ઘર આગળ એક વાડ કરેલી જગ્યા છે જ્યાં હું આ ફૂલો ખુબ જ કાળજી અને પ્રેમપૂર્વક ઉગાડું છું કારણકે તે પ્રભુને ચડાવવાનાં હોય છે. હું તેને રોજ સવારે અને સાંજે પાણી પીવડાવું છું.”

“તમે તો હમણાં પર્વતો પર રહીને પાછા આવ્યા છો, જયારે અહી જમીન પર તો અત્યંત ગરમી પડી હતી.” તેણે બોલવાનું ચાલુ રાખતા કહ્યું. “ઉત્તર ભારતમાં અત્યંત ગરમીનું મોજું છવાઈ ગયેલ હોવાથી મોટાભાગનાં લોકો જેટલું બને તેટલું પોતાનાં ઘરોની અંદર જ રહેતાં હતા. અરે ગાયો અને કુતરાઓ પણ દિવસ દરમ્યાન છાંયડો શોધવા માટે દોડતા હતાં. અને સૂર્યોદય પછી ગરમીનો પારો તરત ચડવા માંડતો હતો. અરે જો સવારનાં સાત વાગે પણ તમે ઘરની બહાર પગ મુકો તો તરત પરસેવે રેબઝેબ થઇ જાવ.”

“એ દિવસે રવિવારનો હતો અને માટે અને હું આગલી રાતનાં વીજળી કાપને કારણે ભાગ્યે જ સુઈ શક્યો હતો માટે સવારે થોડો મોડો ઉઠ્યો હતો. લગભગ ૯ વાગ્યાની આસપાસ, હું મારી પૂજા માટે ફૂલ લેવા બહાર ગયો. મારી નારાજગી સાથે મેં જોયું કે એક રખડતો કુતરો મારી વાડમાં ગમે તેમ રસ્તો કરીને ઘુસી ગયો હતો અને ઘાસમાં ખાડો કરીને બેઠો હતો. થોડા ફૂલોને પણ નુકશાન થયું હતું.

“પોતાની જીભ બહાર લટકાવીને , તે માટીની ઠંડકમાં આરામથી બેઠો હતો. હું મારા ઘાસની હાલત જોઈને દુઃખી અને ગુસ્સે થઇ ગયો હતો. વધુમાં, મને થયું કે હવે હું મારા ભગવાનને તાજા ફૂલો કેવી રીતે ચડાવીશ. કુતરો ગમે ત્યાં કોઈ ખૂણે કદાચ પેશાબ પણ કરી ગયો હોય મને શું ખબર પડવાની. હું ખુબ જ ગુસ્સે થયો અને હતું એટલું જોર કરીને પેલા કુતરાને હડધૂત કર્યો અને કુતરો ઉભો થઇને દોડીને જતો રહ્યો.

“મેં ઉતાવળે પ્રાર્થના પતાવી, કેમ કે હું બિલકુલ ધ્યાન આપી શકતો નહોતો, અને પછીનાં કલાકમાં મેં મારા વાડાનું ઘાસ સરખું કર્યું. મારું ચિત્ત આખો દિવસ ખરાબ રહ્યું. બપોરે મોડા, મારે એક મોચી પાસે મારા બુટ સરખા કરવા જવાનું થયું. તે મોચી એક મોટા રસ્તાનાં ફૂટપાથ આગળ બેઠો હતો. એક જૂની, થીગડા મારેલી છત્રી એક જૂની લાકડી સાથે બાંધેલી હતી કે જે તેની બેઠકને અડેલીને ગોઠવેલી હતી. એક ગંદી અને નાની પેટી કે જે એકદમ જુના જમાનાની લાગતી હતી તેમાં આટલા વર્ષોથી અનેક સાધનોના લીધે કાપા પડ્યા હતા.

“ત્યાં એક આરી અને બીજા સાધનો, એક ધાર કાઢવાનો લીસો પથ્થર બાજુમાં પડેલા હતા. તેની બાજુમાં માટીના એક વાડકામાં પાણી હતું. જ્યાં પોતે પોતાની છરી ડુબાડેલી રાખતો હતો અને પથ્થર પર ઘસીને તેની ધાર કાઢતો હતો. હું મારા બાઈક પર બેઠો હતો અને ગરમીથી  થોડો બેચેન હતો જયારે આ મોચી તો શાંતિથી અને ધીમે ધીમે પોતાનું કામ કર્યે જતો હતો. તેને તો આ ગરમી કે ઘોંઘાટની જાણે કે કોઈ અસર જ નહોતી.

“તે પોતાની છરી પાણીમાં ડૂબાડવા જ જતો હતો કે ક્યાંકથી એક રખડતું કુતરું આવ્યું અને પેલા માટીના વાડકામાંથી પાણી પીવા માંડ્યું. મોચી કામ કરતો અટકી ગયો અને સ્મિત કરવા લાગ્યો. એક ક્ષણ હું એ કુતરાને જોતો હતો અને બીજી ક્ષણે તે મોચીને. મોચી કુતરાને જોઈ રહ્યો હતો એક અદુન્વયી શાંતિ અને સંતોષ તેને ચહેરા ઉપર હતો. તરત પાણી તો ખતમ થઇ ગયું અને કુતરો હવે તે માટીનાં વાડકાને ચાટવા લાગ્યો.

“એક પણ શબ્દ બોલ્યા વગર, પેલા મોચીએ પોતાના થેલામાંથી એક પ્લાસ્ટિકની જૂની બોટલ બહાર કાઢી અને પેલા વાડકામાં થોડું પાણી રેડ્યું. કુતરો પાછો પાણી પીવા લાગ્યો. મોચીએ પણ બોટલમાંથી થોડા ઘૂંટડા પાણી પીધું અને બોટલ પાછી થેલામાં મૂકી દીધી. ગરમીનો પારો જોતાં એ પાણી પણ કદાચ ઉકળી નહિ તો ગરમ તો થઇ જ ગયું હશે.

“થોડું વધુ પાણી પીધા પછી પેલા કુતરાએ મોચી સામે જોયું અને પોતાની પૂછડી પટપટાવી અને બાજુમાં જ બેસી ગયું. મોચી તેની સામે પોતાની નાની ચમકીલી અને દયાળુ આંખે જોઈ રહ્યો. પથ્થરની ફૂટપાથ કુતરા માટે જો કે બહુ વધારે ગરમ હતી. તે ઉભો થયો, પાછું થોડું પાણી પીધું અને, પાછી પૂછડી પટપટાવી અને શાંતિથી ત્યાંથી ચાલી ગયો. અને મોચીએ પાછી પોતાની છરી પેલાં એજ વાડકામાં બોળી અને પોતાનાં ધંધામાં લાગી ગયો.

“હું તમને કહી પણ નથી શકતો સ્વામી,” તેણે બોલવાનું ચાલુ રાખતા કહ્યું, “કે મને આ જોઈને મારા માટે કેટલી શરમ થઇ. એક હું હતો, કે જે આટલો ભણેલો ગણેલો હતો અને તમારા પ્રવચનો આટલા વર્ષોથી સાંભળતો આવ્યો છું અને તમારા લેખો પણ વાંચતો આવ્યો છું અને છતાં હું તે કુતરામાં કે જેણે મારું ઘાસ ખોદી નાંખ્યું હતું તેમાં કોઈ ઈશ્વરનાં દર્શન નહોતો કરી શક્યો. ઉલટાનું એક પાગલ માણસની જેમ મેં તેને ભગાડી મુક્યો. હું ખુબ જ અસ્વસ્થ થઇ ગયો હતો. અને અહી આ એક અભણ મોચી હતો કે જેણે કદાચ કોઈ ગ્રંથ નહિ વાંચ્યો હોય, કે કોઈ પૂજા ઘરમાં પ્રાર્થના પણ નહિ કરી હોય, તેમ છતાં તે ક્યાય વધુ આધ્યાત્મિક હતો જ્યાં પહોંચવાની હું કદાચ આશા જ રાખી શકું.

“હું તમને એમ કહેતા ઘણી વખત સાંભળું છું કે દરેકમાં ઈશ્વર જોવા જોઈએ અને દરેકને એકસમાન નજરે જોવા જોઈએ, પરંતુ જયારે મને એવું કરવાની તક મળતી હોય છે ત્યારે તેવું કરવામાં હું ખુબ જ ખરાબ રીતે નિષ્ફળ થાવ છું. બીજી બાજુ, એક મોચી કે જે તમારા શબ્દોને જીવી રહ્યો છે, તે ગ્રંથોના શિક્ષણને જ વળગી રહ્યો છે. મને ખુબ જ ગ્લાની અને દુઃખ થાય છે, સ્વામી.”
“ચિંતા ન કરો,” મેં કહ્યું. “ઓછા નામે તમે એક જીવનપર્યંત ચાલે તેવો પાઠ તો શીખ્યા.”
“ના સ્વામી,” તે રડી પડ્યા. “મહેરબાની કરીને મને કહો કે હું કઈ રીતે પશ્ચાતાપ કરું.”
“તમારી જાગૃતતા જ તમારો પશ્ચાતાપ છે.”
“તો પણ, સ્વામી,” તેને આગ્રહ ચાલુ રાખ્યો. “હું શું કરું તે કહો.”
“સારું તો પછી,” મેં કહ્યું. “તમારા ઘરની બહાર એક પાણીનો વાડકો રાખજો જેમાંથી કુતરા અને પંખીઓ પાણી પી શકે. અને ત્રણેક રોટલી બાજુમાં રાખજો. દરરોજ. જ્યાં સુધી તમે એ કરી શકો ત્યાં સુધી.”

તેમની આ વાતે મને સંત રવિદાસની યાદ અપાવી, જે પણ એક મોચી હતા, કે જેમણે એક પ્રખ્યાત પંક્તિ કહી છે. “મન ચંગા તે કથૌતી વિચ ગંગા.” (જો તમારું હૃદય ઉમદા હોય તો તમારા વાસણમાંનું પાણી પણ ગંગાના નીર જેટલું પવિત્ર છે.) યોગિક અને ભક્તિમય લાગણીમાં, ગુરુ ગ્રંથ સાહિબમાં કહે છે”

तोही मोही मोही तोही अंतरु कैसा ॥
कनक कटिक जल तरंग जैसा ॥
जउ पै हम न पाप करंता अहे अनंता ॥
पतित पावन नामु कैसे हुंता ॥ (गुरुग्रन्थ साहिब पृष्ठ - ९३) 
तुम चंदन हम इरंड बापुरे संगि तुमारे बासा ॥
नीच रूख ते ऊच भए है गंध सुगंध निवासा ॥ (गुरुग्रन्थ साहिब पृष्ठ - ४८६)

તું તે હું અને હું તે તું – આપણા બે વચ્ચે શું અંતર?
આપણે તો જેમ સોનું અને કંગન, જેમ પાણી અને મોજા હોય છે તેવા છીએ.
જો મેં કોઈ પાપ કર્યું જ ન હોત તો હે અનંત ભગવાન તમને પાપીઓના તારણહારનું નામ કેવી રીતે મળત?

તમે ચંદન અને અમે એરંડો, તમારી નજીક રહેવાથી જ એક સામાન્ય ઝાડમાંથી હું પૂજનીય વૃક્ષ બની ગયો છું અને મારી એક સામાન્ય ગંધ એક સુગંધ બની ગઈ છે કે જે હવે મારી અંદર કાયમ વસી ગઈ છે.

જયારે તમે ભગવાનને ઓળખી લો છો ત્યારે તમે કુદરતી રીતે જ નમ્ર બની જાવ છો. અભિમાન અને અહંકાર દિવસના અજવાળામાં જેમ ચોર ભાગી જાય તેમ તમને છોડીને જતા રહે છે. તમે સારાઈનું એક પ્રતિક બની જાવ છો, તમે તમારા શબ્દો ખુબ કાળજીપૂર્વક પસંદ કરો છો. તમે તમારા કર્મો પ્રત્યે પણ ખુબ જ સતર્ક બની જાવ છો. અને આ બધું એકદમ સહજતાથી થવા માંડે છે, કારણકે તમે તે એક જ દિવ્યતાને તમામ ઠેકાણે જોતાં થઇ જાવ છો.

આપણે ગમે તેટલા શિક્ષિત કે ધાર્મિક થઇ જઈએ, જ્યાં સુધી આપણે બીજાનું દર્દ જાતે નથી અનુભવતા, ત્યાં સુધી આપણે બધા એકસમાન જ છીએ – આત્મકેન્દ્રી અને આત્મલક્ષી. અને જયારે સત્યનો ઉદય થાય છે ત્યારે પણ તમને એનું જ ભાન થાય છે કે આપણે બધા એકસમાન છીએ – સાશ્વત અને દિવ્ય. ફક્ત એક દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સાક્ષાત્કાર પહેલા, તમે શરીર જુવો છો, તફાવતો અને બાહ્ય દેખાવ જુવો છો. પરંતુ સાક્ષાત્કાર પછી તમે આત્મા જુવો છો, સમાનતા અને આંતરિક સાર તત્વને જુવો છો.

તમને કૂતરામાં, ફૂલોમાં, કીડીમાં અને દરેકજણમાં ઈશ્વરનાં દર્શન થાય છે. દર સમયે, કારણકે, એ જ તો એક માત્ર સત્ય છે.

શાંતિ.
સ્વામી

Saturday, 23 May 2015

જયારે તેઓ તમને દુઃખ પહોંચાડે

માનવીય લાગણીઓનાં અનેક રંગો અને ધોધ જીવન સરિતાને ફક્ત શ્વાસ અદ્ધર થઇ જાય તેટલી વધું સુંદર અને ભૂરી બનાવતી હોય છે.
કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું કે શા માટે આપણને આપણી જ પ્રિય વ્યક્તિઓ સૌથી વધુ દુઃખ પહોંચાડતી હોય છે? જો કે તમે મને પૂછો તો હું કહીશ કે આ કોઈ સવાલ નથી પણ એક વિધાન વાક્ય છે, કારણકે તમારી સૌથી પ્રિય વ્યક્તિઓ જ તમને સૌથી વધુ દુઃખ પહોંચાડતી હોય છે. જે તમને ઓળખતા જ નથી હોતા તે કદાચ તમને પીડા આપી શકે પરંતુ તમને લાગણીનાં સ્તરે દુઃખ નથી પહોંચાડી શકતાં. તૂટી ગયેલાં સંબંધોમાં, એક ક્ષણ એવી આવતી હોય છે કે જયારે બે વ્યક્તિઓ હવે તે સંબંધની પરવા નથી કરતા હોતા. તેઓ થાકી ગયા હોય છે. બીજી વ્યક્તિને છોડી દેવામાં હવે તેઓ એકબીજા માટે તટસ્થતા અનુભવતા થઇ ગયા હોય છે. આ તટસ્થતામાં, તેઓ જાણે કે એકબીજા માટે અજાણ્યા હોય તેવું અનુભવે છે. હવે તે દુઃખ પણ નથી આપતું હોતું કારણકે અજાણ્યા લોકો દુઃખ નથી આપી શકતાં હોતા.

આટલું કહ્યા પછી, એક સંબધ છે તે તટસ્થતાનાં વળાંક ઉપર પહોંચતા પહેલા ઘણાં બધા ઘા સહન કરતો હોય છે, અને હવે નુકશાન છે તે પાછું ભરપાઈ થઇ શકે તેમ નથી હોતું. જયારે પણ તમને દુઃખ થયું હોય ત્યારે તમારા અસ્તિત્વનો એક નાનો ભાગ તૂટી જતો હોય છે. તમે તમારી જાતમાં એક સાંધો લગાવી દો છો, તમે આ પરિસ્થિતિ ઉપર વિજય મેળવી લેવાની કે સામે વાળી વ્યક્તિ બદલાઈ જશે એવી અપેક્ષા રાખો છો, પણ તમને જેટલા વધુ ઘા પડતા જાય છે તેમ તેટલા વધુ તમે તૂટતાં જાવ છો. જેમ કે સખત ભીડી રાખેલી મુઠ્ઠીમાંથી સરી જતી રેતી, જેટલું વધારે જોર તમે તમારી જાતને પકડી રાખવામાં લગાવો તેટલી જ ઝડપથી તમે તમારી જાતને ગુમાવવા માંડો છો. અને એક દિવસે તમે તે વ્યક્તિ માટે દરેક પ્રકારની લાગણીથી ખાલી થઇ જાવ છો. તે દિવસે તમે તેમના માટે અને કેટલાંક અંશે તમારા પોતાનાં માટે પણ એક અજાણી વ્યક્તિ બની જાવ છો.

તમે અરીસામાં તમારી તરફ જુવો છો ત્યારે તમારી જૂની અને ખુશ રહેતી જાત હવે ક્યાંય જોવા નથી મળતી હોતી. તમે એ જ જુનું શરીર અરીસામાં જોતાં હોવ છો પરંતુ તમે હતા એવા ને એવા ભીતરથી અનુભવતા નથી હોતા. આ એક દુઃખભરી અવસ્થા છે કારણકે તમે તમને જ ખોઈ બેઠાં હોવ છો અને જ્યાં સુધી તમને પ્રેમની એક દીવાદાંડી, લાગણીનું એક મોજું જોવા ન મળે ત્યાં સુધી તમારી જીવનનૈયા આમથી તેમ ઉછળતી જ રહેવાની. આ એક નવી પ્રકારની લાગણીઓ હોય છે, દુઃખ, અતડાપણું અને નિરાશા આ બધી અજાણી લાગણીઓ હોય છે. તમને એવું લાગવાં માંડે છે કે તમે મેળામાં ખોવાઈ ગયેલા એક બાળક છો, ટોળામાં એકલાં અટુલા, એક અજાણી વ્યક્તિ જેવા. એક અજાણી વ્યક્તિ માટે તમે કેમ કરીને કોઈ ઊંડી લાગણીને અનુભવી શકો? તમે ન જ અનુભવી શકો. અને, માફી એ દુઃખની જેમ એક ઊંડી લાગણી છે. તમે ફક્ત એ તમારા માટે જ અનુભવતા હોવ છો.

રાબી કેગન કે જે Chofetz Chaim (તેમને લખેલું હિબ્રુ પુસ્તક જેનો અર્થ થાય છે "જીવન પ્રેમી")નામથી પણ ઓળખાતા હતા, તેઓ એક દિવસ ટ્રેનમાં જતા હતા અને એક ધાર્મિક પુસ્તકનાં ઊંડા વાંચનમાં ખોવાયેલા હતા. ત્રણ યહુદીઓ તેમની સામે બેઠાં હતા અને તેઓએ રાબીને પત્તા રમવા માટે આમંત્રણ આપ્યું કારણકે તમને એક ચોથી વ્યક્તિની જરૂર હતી. રાબીએ ના પાડતા કહ્યું કે પત્તા રમવા કરતાં પોતે વાંચન વધુ પસંદ કરશે. પેલા ત્રણ પ્રવાસીઓને કોઈ જ જાતની ખબર નહોતી કે એક અજાણી વ્યક્તિ જેની સાથે પોતે વાત કરી રહ્યા છે તે પ્રખ્યાત રાબી કેગન ખુદ પોતે જ છે. તેઓએ તો બે થી ત્રણ વાર કોશિશ કરી જોઈ અને અંતે પોતે હતાશ થઇને ગુસ્સે થઇ ગયાં. તેમાંના એકે તો રાબીના ચહેરા ઉપર જ પ્રહાર કરી દીધો અને બાકીના બે તે જોઈને આનંદ ઉઠાવવા લાગ્યા. રાબીએ પોતાનો રૂમાલ કાઢીને ઘા ઉપર મુકવા ગયા ત્યાં સુધીમાંથી લોહી નીકળીને પુસ્તક ઉપર પડ્યું.

થોડા કલાકો પછી, ટ્રેન એક સ્ટેશન ઉપર આવીને ઉભી રહી. ત્યાં આગળ અસંખ્ય લોકો આ સંતનાં સ્વાગત માટે ઉભા હતા. પોતે ચહેરા ઉપર એક ઊંડા ઘાને લઇને ઉતર્યા અને તેમના ભક્તોએ એ જાણવાની માંગ કરી કે કોણે તેમને ક્ષતિ પહોંચાડી. રાબીએ તો સવાલને ઉડાવી દઈને ચાલવા માંડ્યા. પેલા ત્રણ ગુનેગારો તો ત્યાં જ ગ્લાનીથી સ્તબ્ધ થઇને ચોટી ગયાં કે પોતે જેને એક વૃદ્ધ ગરીબ માણસ સમજીને પિટાઈ કરી હતી તે તો ખુદ રાબી પોતે હતા.

તેઓ બીજા દિવસે તેમની માફી માંગવા માટે મળવા ગયા દુઃખ અને શરમથી, તેઓએ તેમની માફીની ભીખ માંગી. જો કે રાબીએ તો તેમને માફીની ભેટ આપવાની ઘસીને ના પાડી દીધી. રાબીનો પુત્ર, કે જેણે આ બધું જોયું હતું, તેને તો એકદમ નવાઈ લાગી. આખરે માફી આપવી એ તો એક સંતનું કામ છે. પેલા લોકોએ ફરી ફરીને માફી માંગી પરંતુ રાબીએ તો તેમને ના જ પાડી. તેઓ ભારે હૈયે ત્યાંથી વિદાય થયા.

"પિતાજી," રાબીના પુત્રે કહ્યું, "મને મારા આ શબ્દો માટે માફ કરજો પરંતુ મને લાગે છે કે તમારું વર્તન થોડું ક્રૂર હતું. તમે એક આધ્યાત્મિક મૂર્તિ છો, આખો સમાજ તમને માને છે. તમે તેઓને કેમ માફ ન કર્યા?"
"તું સાચું કહે છે બેટા," રાબીએ કહ્યું. "તેમને માફી ન આપવી એ મારા હોવાપણાથી વિપરીત વાત છે, પરંતુ સત્ય તો એ છે કે તેમને માફ કરવાની શક્તિ મારી પાસે હતી જ નહિ.
"ચોક્કસ, હું રાબી કેગન, જીવન પ્રેમી, તેમને માફ કરું છું," તેમને આગળ બોલતા કહ્યું, "પરંતુ મારી માફીનો કોઈ અર્થ નથી. જે માણસની પિટાઈ તેમને કરી હતી તે તો તેમના માટે એક સરળ, અજાણ્યો, ગરીબ વ્યક્તિ હતો કે જેના માટે કોઈ સદ્દભાવના ધરાવતું કોઈ ટોળું રાહ જોતું સ્ટેશન ઉપર નહોતું ઉભું. એ માણસ પોતે આ ઘટનાનો પીડિત હતો અને ફક્ત તે જ તેમને માફ કરી શકે તેમ છે. તેમને જવા દે અને તે વ્યક્તિને શોધવા દે. હું તેમને  તેમની ગ્લાનીમાંથી મુક્તિ આપી શકવા માટે અસમર્થ છું."

થોડા મહિનાઓ પહેલા જ મેં માફી ઉપર એક લેખ લખ્યો હતો કે માફી એક ખુબ જ અઘરી લાગણી છે. અને તે એટલા માટે કે તમે કોઈ અજાણી વ્યક્તિ તરીકે કોઈને માફ કરી શકતાં નથી, તમે એક નવી વ્યક્તિ તરીકે તેમને માફી આપી શકતાં હોતા નથી. માફ કરવા માટે તમારે ઘાને ફરીથી ખોદવો પડશે, તમારે ફરીથી તે જુના વ્યક્તિ બનવું પડશે. ઊંઘતી લાગણીઓનાં અંગારને ફરીથી સળગાવવો પડતો હોય છે કેમ કે યાદોનો પવન ખોટી વિશ્વાસની રાખને ઉડાવી દેતો હોય છે. લાગણીઓ કે જે તમને લાગતું હોય છે કે ક્યારનીય જતી રહી છે તે ફરીથી પ્રજ્વલિત થતી હોય છે, પરંતુ તમારી નવી જાતને તેને સાથે કામ લેવામાં ડર લાગતો હોય છે. તમારે ફરીથી દુઃખી નથી થવું હોવું.

માફીમાં જો કે તમારે ફરીથી એક વાર દુઃખી થવા માટે તૈયાર થવાનું છે, એક અંતિમ વાર, ફરી માત્ર એકવાર અને બસ પછી પૂરું. તમારા ઘાની રૂઝ માટે કરવું પડતું છેલ્લું ડ્રેસિંગ. તેમાં તમારે તમારી નવી જાતને અને તમારી તટસ્થતાને એક કોર મૂકીને તમારી જાતને ફરીથી જૂની સંવેદનશીલતા, અસલામતી અને અચોક્કસતા પ્રત્યે ઉઘાડી કરવી પડતી હોય છે. તમારે ત્યાગી દીધેલાં અને ફાટી ગયેલા જૂતામાં ફરી પગ નાંખવાનો છે અને ફરીથી તેનાથી પરિચિત થવાનું છે. તમને જેને દુઃખ પહોંચાડ્યું  છે તેનાં પ્રત્યે તમારે ફરીથી પરિચિત થવાનું છે, તમારે ફરી એક વાર તે વ્યક્તિને અનુભવવાની છે કારણકે અજાણ્યા કોઈને દુઃખ નથી આપી શકતાં કે માફી પણ નથી આપી શકતાં.

મુલ્લા નસરુદ્દીન પોતાની પત્ની સાથે છેતરપીંડી કરી રહ્યા હતા અને તેને ખબર પડી ગયી. તેને ખુબ દુઃખ થયું અને તેમના પ્રત્યે ગુસ્સે પણ ભરાઈ. આંસુ સાથે અને ગુસ્સામાં તે પોતાના ઘરનાં મુખ્ય ઓરડામાં લટકાવેલા લગ્નના ચિત્રને બદલવા જઈ રહી હતી, ત્યાં જ મુલ્લાએ તેની માફી માંગી અને તેને મુલ્લાને માફ કરી દીધા અને તેઓ પાછા હતા તેવા ને તેવા થઇ ગયા.

હવે પછીનાં બે દસકા સુધી, જોકે, તે વારે વારે, મુલ્લાએ તેની સાથે કેવું કર્યું હતું તેની યાદ અપાવતી રહેતી.
મુલ્લાથી હવે સહન ન થતા, એક દિવસ કહ્યું, "તું શા માટે એ વાતને વારંવાર તાજી કરતી રહે છે? મને તો એમ હતું કે તું માફ કરો ને ભૂલી જાવનાં સિધ્ધાંતમાં માને છે."
"હા તે એમ જ છે," પત્નીએ જવાબ આપતા કહ્યું. "પણ હું નથી ઇચ્છતી કે તમે તે ભૂલી જાવ કે મેં તમને માફ કર્યા અને ભૂલી ગઈ છું."

વાસ્તવમાં, તમે તમારા પોતાના લોકોને નથી ભૂલી શકતાં. તમે ફક્ત અજાણ્યા લોકોને ભૂલી જાવ છો. માફી આપવા માટે જો કે, તમારે ફરી એક વાર તેમને પોતાના બનાવવા પડશે. અને જયારે તમે તેમ કરો છો ત્યારે તમારી તટસ્થતા પ્રેમ અને બીજી લાગણીઓ માટે રસ્તો કરી આપતી હોય છે. અને આ લાગણીઓ તમને ફરીથી દુઃખી થવા માટે તૈયાર કરતી હોય છે. આ એક ચક્ર સમાન છે. તમે પ્રેમ કરો, દુઃખી થાવ, તમે પાછા બોલતા થાવ કે પાછા અનુકુળ થાવ, ફરી પ્રેમ કરતા થાવ અને ફરી પાછા દુઃખી થાવ. આ એકદમ અનિવાર્ય છે. માટે જ લોકો પોતાનું આખું જીવન એક પીડાદાઈ સંબધમાં વિતાવી દેતા હોય છે જયારે તેમને આગળ વધી જવા માટેની તક મળતી હોય તો પણ.

સંબધમાં દુઃખી થવાનું ટાળવા માટેનો એકમાત્ર રસ્તો છે સામે વાળી વ્યક્તિનો સંપૂર્ણ સ્વીકાર, અને તે, હું કહીશ કે, બિલકુલ ભાગ્યેજ થતો હોય છે. જો તમે તટસ્થ થઇ જાવ, તો સંબધ છે તે નજદીકી વાળો નહિ બની રહે, અને જો તમે નજીક રહો, તો પછી દુઃખી થવાની બાબત એકદમ ચોક્કસ થઇ જવાની.

ગાંઠો વાળું આ જીવન મસ્તીખોર પણ એટલું જ છે કદાચ. જો તમે વધુ કાળજી રાખનારા બનો, તો તમે વધુ સંવેદનશીલ પણ બની જશો. અને જેટલા વધુ સંવેદનશીલ તેટલા જ વધુ તમે દુઃખી પણ થતાં રહેશો. તમને દુઃખ થાય છે કેમ કે તમે એક માનવ છો અને તેઓ તમને દુઃખ પહોંચાડે છે કેમ કે તેઓ પણ એક માનવ જ છે. જો તેમની સારી બાજુ તેમની ખરાબ બાજુથી વધી જાય, તો તમે અંતર્મુખી બની જાવ જેથી તમે ઓછા કમજોર બની રહેશો. જો તેમની ખરાબ બાજુ સારી બાજુથી વધી જાય તો તમે તેમને માફ કરો અને આગળ વધી જાવ.

તમારા પોતાના વ્યક્તિઓ તમને દુઃખ પહોંચાડશે, કારણકે પ્રેમ એવી વાત નથી કે જેમાં કોઈ દિવસ તમને દુઃખ ન થાય. એના બદલે, પ્રેમનો અર્થ તો એ છે કે જયારે કોઈ તમને દુઃખ પહોંચાડતું હોય ત્યારે પણ તમે તેનામાં રહેલી સારી બાજુ તરફ જોવાનું બંધ ન કરો.

કોઈ વખત ઝરમર થાય અને કોઈ વખત ભારે વર્ષા. કોઈ વાર બરફ પડે તો કોઈ વાર પુર આવે. અંતે તો આ બધું પાણી જ છે. તેને વહી જવા દેવાનું શીખો.

જો તમે તેને ભરી રાખશો, તો જીવન છે તે એક સ્થિર હોજ જેવું થઇ જશે - સમયની સાથે ગંદુ પણ થઇ જશે. જો તમે વહેતું રાખશો તો તે સુંદર, સ્વચ્છ અને સૌમ્ય નદીની જેમ વહેતું રહેશે. તેને વહેવા દો.

શાંતિ.
સ્વામી


Saturday, 16 May 2015

અફવા ઉપર બે શબ્દ

ખોટી અફવાઓ અસ્થાયી વાદળો જેવી હોય છે. તેના તરફ કોઈ પ્રતિકાર ન આપો તો તે આપોઆપ જ વેર-વિખેર થઇ જશે.
આશ્રમમાં મારો સમય સામાન્ય રીતે અત્યંત વ્યસ્ત હોય છે. રોજ, હું ઘણાં બધાં લોકોને વ્યક્તિગત રીતે મળતો હોવ છું. તે દિવસે પણ, દરરોજની જેમ, સવારથી બપોર સુધીનાં સમયમાં ચાલીસ એક વ્યક્તિગત મુલાકાતો ગોઠવેલી હતી. મારા માટે સમયની કટોકટી હતી અને માટે અમે દરેક વ્યક્તિને ફક્ત પાંચ મિનીટનો સમય ફાળવતાં હતા.

એક માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો, “સ્વામી તે લોકો તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે.”
“બરાબર છે,” મેં કહ્યું. “મને કોઈ વાંધો નથી.”
મારે એના પોતાના પ્રશ્ન ઉપર સમય વિતાવવો હતો નહિ કે અન્ય લોકો મારા વિશે શું કહે છે એ સાંભળવામાં.
“ના, સ્વામી,” તેને પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, “તેઓ તમારા વિશે ખરાબ બોલે છે.”
“તેઓ આકાશ તરફ જોઇને જ થુંકે છે. થુકવા દો.”
મને લાગ્યું કે આ શબ્દો આ પ્રકરણને બંધ કરી દેશે અને અમે કોઈ બીજા મહત્વના મુદ્દા ઉપર ધ્યાન આપી શકીશું. પરંતુ આ સદ્દગૃહસ્થ તો પોતે નિર્ધાર કરીને જ બેઠાં હતા.

“તેઓ તો એમ પણ કહે છે કે –”
“ઉભા રહો!” મેં તેમને અટકી જવાની સંજ્ઞા આપતા મારો હાથ ઉંચો કર્યો. “મારે નથી સાંભળવું. હું અફવાઓ ઉપર મારી કોઈ ટીકા આપતો નથી.”

તે પોતે નિરાશ થઇ ગયા કે મેં તેમને તેમનું વાક્ય પણ પૂરું ન કરવા દીધું.
“આપણી પાસે સમય ઓછો છે,” મેં ચાલુ રાખ્યું. “જો તમારે કોઈ સવાલ ન હોય તો તમે કદાચ કોઈ ગીત ગાઈ શકો છો. જે બાબત આપણા અંકુશ બહારની છે તેના ઉપર આપણે આપણું લોહી નથી ઉકાળવું.”

તે બાકીની બે મિનીટ સુધી ચુપ જ રહ્યાં અને પછી ઉભાં થઇને જતાં રહ્યાં, થોડાક નિરાશ થઇને. મને એમના માટે દુઃખ થયું અને મારા માટે પણ, કે અમે પાંચ મિનીટનો સમય બગાડી નાંખ્યો. આ રીતે જીવન પણ કોઈ વખત ચાલી જતું હોય છે, મેં વિચાર્યું. આપણે અફવાઓ વિશે વાતો કરવી હોય છે, આપણે આપણો મુદ્દો કહેવો હોય છે પરંતુ જીવન એ સાંભળવા માટે તૈયાર નથી હોતું કારણકે તેને તે વાત અપ્રાસંગિક લાગતી હોય છે. આપણે ત્યાં બેઠાં બેઠાં વિચાર કરીએ છીએ અને અસંતુષ્ટ થઇ જતાં હોઈએ છીએ, અને આપણને તેના વિશે ખબર પણ પડે તે પહેલા આપણો સમય પૂરો થઇ જતો હોય છે.

જો તમે તમારા મન તરફ ધ્યાન આપો તો, તમને જણાશે કે મોટાભાગનાં સમયે તમારા વિચારોમાં બીજા લોકો જ હોય છે. એક અનિયંત્રિત મન તમને બીજા લોકો માટે વિચારવા માટેની ફરજ પાડે છે. અને તે પણ કોઈ દયા કે કાળજીનાં લીધે થઇને નહિ પરંતુ, મોટાભાગે તો એ અંદરથી આવતું એક દબાણ હોય છે અને તેનું આકર્ષણ પણ. અને એમાં પણ સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે મન હંમેશાં નકારાત્મક વસ્તુઓ વિશે જ વિચારતું રહેતું હોય છે. જરૂરી નથી કે તે ખરાબ હોય, ફક્ત નકારાત્મક હોય છે. એ વિચારતું હોય છે અમુક લોકો કેમ તમારા વિશે અમુક ચોક્કસ પ્રકારનું વિચારે છે, કે પછી તેઓ કેમ તમારી સારી બાજુને જોઈ શકતાં નથી, કે પછી તેઓ તમારી પીઠ પાછળ કેમ તમારા વિશે ખરાબ બોલતા રહેતા હોય છે, વિગેરે.

આ બાબત સાથે કામ લેવા માટેની મારી પાસે એક સરળ ફિલસુફી છે. આ રહી તે: પ્રથમ તો, અભિપ્રાય એક અંગત વસ્તુ છે. તે તમારા ઘરની દીવાલ ઉપર એક ચિત્ર ટાંગવાં જેવી વાત છે. તમને જે ગમે તે તમે લટકાવી શકો છો. એજ રીતે, તેમનું મન એ તેમનું ઘર હોય છે અને તેમના અભિપ્રાયો એ તેમને પસંદ કરેલા ચિત્રો, કે જેને પોતાનાં મનનાં ઘરની દીવાલ ઉપર લટકાવવાના હોય છે. તેમના ઘરની દીવાલ ઉપર કયું ચિત્ર શોભા આપશે તે તેમને જોવાનું છે અને તેને લઈને હું પરેશાન નથી રહેતો કેમ કે એ તેમનું ઘર હોય છે. બીજું કે, તેઓ મારા વિશે તમને શું કહે છે તે માહિતી તમારા માટે હોય છે નહિ કે મારા માટે. જો એ મારા માટે હશે, તો પછી તેમને જ સીધા મને તે બાબત કહેવા દો.

હું એ જ બાબતો ઉપર મારી પ્રતિક્રિયા આપતો હોવ છું કે જે મને મારા પ્રત્યુત્તરની અપેક્ષા સાથે સીધી જ કહેવામાં આવી હોય. એક સિદ્ધાંત તરીકે, હું ફક્ત પ્રશ્નોનો ઉત્તર આપું છું કોઈ નિવેદનો કે અભિપ્રાયો ઉપર હું મારી કોઈ ટીપ્પણી નથી આપતો હોતો. મોટાભાગની અફવાઓ ખોટા નિવેદનો માત્ર જ હોય છે. અને બાકીના સમયે, હું કોઈ પણ પ્રકારનાં કથનોને ફક્ત અવગણતો હોવ છું અને કોઈ પ્રતિકાર નથી આપતો. નિયમિત પણે હજારો લોકો સાથે કામ લેવામાં મારા મનની શાંતિનું મૂળ આ છે. અને આ જ મારા આજના આ લેખનો સાર પણ: કોને, શું અને કેવી રીતે પ્રત્યુત્તર આપવો.

મેં એક વખત ઘણાં લોકોનાં ગુણ દર્શાવતું એક વાકય વાંચ્યું હતું. કે “મહાન લોકોનું મન વિચારો ઉપર ચર્ચા કરે છે; એક સરેરાશ લોકોનું મન પ્રસંગોની ચર્ચા કરે છે; અને નાના માણસોનું મન લોકો વિશે ચર્ચા કરે છે.” ઘણાં બધાં લોકો છેલ્લી કક્ષામાં જ આવતાં હોય છે: તેઓ ફક્ત બીજા લોકોનાં વિશે જ ચર્ચા કર્યે રાખતાં હોય છે. તેમને પોતાના ભવિષ્ય માટે કે પોતાના જીવન માટે કોઈ સવાલ નથી હોતો, તેમની પાસે કોઈ મહાન વિચાર નથી હોતો કે જેનું ફરી આગળ અન્વેષણ કરી શકાય, કે કોઈ એવી અંતર્દ્રષ્ટિ નથી હોતી કે જેને બીજા સાથે વહેચી શકાય. એના બદલે તેઓ તો ફક્ત અન્ય લોકોને તેમના પોતાના વિશે કે બીજા લોકો વિશે શું કહેવાનું છે ફક્ત તેની સાથે જ લેવાદેવાં હોય છે.

જે લોકો પોતાના માર્ગે ચાલતાં રહેતાં હોય છે, જે પોતાની જાતને સફળતા માટે ઘડતાં રહેતાં હોય છે તેમની પાસે જો કે બીજા લોકોનાં મત માટે ચિંતા કરવાનો સમય જ બહુ ઓછો હોય છે. એ તો ફક્ત એક નવરું મન કે વ્યર્થ મન હોય છે કે જે અફવાઓ (ખોટી કે સાચી)થી પરેશાન રહેતું હોય છે. જો તમે મારો વિશ્વાસ કરતાં હોવ તો કહું કે: તમે ગમે તેટલાં મહાન કેમ ન હોય, તમે દરેકજણને ખુશ નથી રાખી શકતાં હોતા. જયારે પણ કોઈ તમારો સંપર્ક કોઈએ તેમને તમારા વિશે શું કહ્યું છે તે કહેવા માટે કરે, ત્યારે તેમને ત્યાં જ અટકાવી દો.

જો તમે તેમને અટકાવી ન શકો તેમ ન હોવ તો તમારી જાતને એ યાદ અપાવો કે આ “ સરકારી સમાચાર” તમારા માટે નથી કેમ કે જો તેમ હોત તો તે તમને સીધા જ કહેવામાં આવ્યા હોત. વધુમાં, આપણે તે વાત કયા સંદર્ભમાં કરવામાં આવી હશે તે પણ નથી જાણતા હોતા. એટલાં માટે, આવી માહિતી પ્રત્યે કોઈ પણ પ્રતિક્રિયા આપવી એ કોઈ પણ સમજણ કે તર્કને ચુનોતી આપવાં જેવું હોય છે.
આપણા મોટાભાગનાં લાગણીઓનાં પોટલાં કહી-સાંભળેલી વાતોને લીધે હોય છે અથવા તો કોઈ પણ જાતનાં સંદર્ભ વિનાનાં સંદેશાઓને આપણે સાચા છે કે ખોટા તેની જરા પણ તપાસ કર્યા વગર સ્વીકારી લેતા હોઈએ છીએ તેના કારણે હોય છે. વધુમાં, બહુ ઓછા લોકો એવા હોય છે કે જે કઈ જાણવા માટે કે સત્ય શોધવા માટે થઇને તમારી સાથે કોઈ વાત વહેચતા હોય. મોટાભાગનાં લોકોએ પોતાનું મન બનાવી જ લીધું હોય છે. તેમને બદલાવાનો પ્રયાસ કરવાનો પણ કોઈ અર્થ નથી હોતો.

એક દરબારી વાળંદ રાજાની દાઢી બનાવતો હોય છે અને તે એક વાત કરે છે, “મહારાજાની દાઢી હવે સફેદ થવા માંડી છે.”
રાજા તો આ સાંભળીને એકદમ રાતાપીળા થઇ ગયા અને તેમને આ વાળંદને બે વર્ષ માટે જેલમાં પૂરી દેવાનો હુકમ કર્યો.
“શું તમને મારી દાઢીમાં કોઈ સફેદ વાળ દેખાય છે?” રાજાએ એક દરબારીને પૂછ્યું.
“બસ બિલકુલ એક પણ નહિ,” દરબારીએ ખચકાતાં મને જવાબ આપ્યો.
“ બસ બિલકુલ એક પણ નહિ એમ કહીને તમે કહેવાં શું માંગો છો!” રાજા ચિલ્લાયો અને
તેને પણ ત્રણ વર્ષ માટે જેલનાં સળિયા પાછળ ધકેલી દેવાનો હુકમ કર્યો. રાજમહેલમાં હાજર દરેકજણ ભયભીત થઇ ગયાં.

હજી પૂરું નહોતું થયું, રાજા ત્રીજા એક દરબારી તરફ ફર્યો અને એનો એ જ સવાલ કર્યો.
“દેખાય છે સફેદ?” પેલો દરબારી વિસ્મયપૂર્વક બોલ્યો. “બિલકુલ નહિ, મહારાજ, જરા પણ નહિ. તમારી કાળી દાઢી તો કાળી રાત્રી કરતાં પણ કાળી છે.”
“જુઠ્ઠા!” રાજા બરાડ્યો.
“ આ માણસનાં બરડા ઉપર દસ કોરડા ફટકારો,” રાજાએ હુકમ કર્યો, “અને ચાર વર્ષ માટે જેલમાં પૂરી દો.”
અંતે, રાજા છે તે નસરુદ્દીન તરફ ફરતાં બોલે છે, “મુલ્લા, મારી દાઢીનો રંગ કેવો છે?”
“નામદાર,” મુલ્લાએ જવાબ આપતા કહ્યું, “હું રંગઅંધતાથી નથી પીડાતો, અને તમારા સવાલનો જવાબ પણ આપું શકું તેમ નથી.”

તમે કેટલો સાચો કે બુદ્ધિમાન જવાબ આપો છો તેનો કોઈ અર્થ નથી હોતો, જયારે સામે વાળી વ્યક્તિએ પોતાનું મન બનાવી જ લીધું હોય છે, ત્યારે તેમનો મત બદલવાનો પ્રયાસ કરવાનો કોઈ અર્થ જ નથી હોતો. તેમને તેમનો મત ધારણ કરવા દો કારણકે અન્ય લોકો તમે તમારા વિશે શું માનો છો તેના માટે તેઓ પોતે શું વિચારે છે તે બાબત ઉપર તમારી આંતરિક શક્તિ આધારિત નથી હોતી.

જો તમે જે કરી રહ્યાં હોવ તેમાં તમે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતાં હોવ, જ્યાં સુધી તમે પોતાની જાત પ્રત્યે અને તમારા હેતુ પ્રત્યે ખરા હોવ, ત્યાં સુધી અફવાઓ કે અભિપ્રાયો તમને સહેજ પણ હલાવી નહિ શકે. વધુમાં, મોટાભાગનાં લોકો પોતે જે કઈ પણ સારું કે ખરાબ કહેતાં હોય તેમનો મતલબ પણ એવો જ હોય એ જરૂરી નથી. પ્રત્યેકજણ પાસે એક વાતોડિયું મન હોય છે અને મોટાભાગે મનની આ ચટરપટર શબ્દો રૂપે બહાર આવી જતી હોય છે કોઈપણ જાતનાં ઈરાદા કે અર્થ વગર. એક નાનકડું બાળક પોતાનાં રમકડા સાથે રમતી વખતે કેવી રીતે વાતો કરતુ હોય છે તેમ.

દાખલા તરીકે તમે એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન ઉપર રાહ જોતાં ઉભા હોવ છો ત્યારે, તમારી આસપાસ લોકો સતત વાતો કરતાં રહેતાં હોય છે. તમે તેને એક ઘોંઘાટ ગણીને અવગણો છો. બસ એવી જ રીતે, જયારે લોકો તમને અફવાનો શિકાર બનાવે ત્યારે તેને તમારા પોતાના મનની શાંતિ માટે થઇને જતું કરો. તમારી જાતને એ યાદ અપાવતાં રહો કે જે કોઈ પણ ચોક્કસ માહિતી વિશે જો તમને સીધા જ જણાવવામાં આવ્યું ન હોય તો, એ તમારા માટે નથી હોતી. તમારા વિશેની કશીક વાત એ જરૂરી નથી તમારા માટેની જ હોય.

જયારે તમે સંગીત વગાડી શકો તેમ હોવ ત્યારે ઘોંઘાટમાંથી અર્થ કાઢવાની તકલીફ જાતને શા માટે આપવી?

શાંતિ.
સ્વામી

Saturday, 9 May 2015

સૌથી મોટામાં મોટી કલા

તમારા સુખનો માર્ગ કદાચ ઘણાં બધાં રંગોથી પ્રભાવિત હોઈ શકે છે, પણ અંતે તો તે માર્ગ તમે જાતે જ કંડારતા હોવ છો.
તમને ખબર છે પ્રભુત્વ મેળવવા જેવી એક સૌથી મોટામાં મોટી કલા કઈ છે? એવી કલા કે જેની કોઈ અવળી બાજુ નથી, કે જે તમને એક વધુ સારા વ્યક્તિ બનાવતી હોય અને આ દુનિયાને એક વધારે સારું સ્થળ. ચોક્કસપણે તે કોઈ સૌથી વધારે જ્ઞાન કે સંપત્તિ મેળવવા વિશેની નથી. તે તમારા ખરા સ્વભાવને ઓળખી કાઢવા વિશેની પણ નથી. તમે વિચારશો કે તો પછી એ શું હોઈ શકે છે? ચાલો પ્રથમ હું તમને એક વાર્તા કહું.

એક ગામડાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો તે હંમેશાં ચીડાયેલો અને ગુસ્સે ભરાયેલો રહેતો હતો. સમાજમાં કોઈપણ તેની સાથે કશું મગજમારી કરવા માંગતું નહોતું કારણકે તે હંમેશાં બસ ફરિયાદો જ કર્યા કરતો હતો. એવું કહેવાતું કે કોઈપણ વ્યક્તિ કે કોઇપણ વસ્તુ તેને ખુશ કરી શકે તેમ નહોતું. અને દુઃખ એક અનિચ્છનીય અત્તર જેવું છે – અરે સમૂહમાં જો કોઈ એક વ્યક્તિ પણ તેને લગાડે તો તમને પણ તેની વાસ આવવા માંડે. તેને ઘસી નાંખવાની કોશિશ કરો તો તમે પણ એ જ દુર્ગંધ મારતા થઇ જાવ. માટે, તે ઘરડો માણસ જાણે કે તેનો ત્યાગ ન કરી દેવાયો હોય તેવો હતો.

આ બધું એક દિવસે બદલાઈ ગયું જયારે ગ્રામજનોએ તેને એક સવારે એક ઉજળા સ્મિત સાથે ટહેલતો જોયો. આ એકદમ માન્યામાં ન આવે એવું હતું. તે બીજા લોકોનું અભિવાદન કરતો હતો, લોકો સાથે આનંદથી વાતો કરતો જતો હતો અને ઘઉંના ખેતરમાંથી પસાર થતા તે સોનેરી ઘઉંના ડુંડા ઉપર હાથ ફેરવતો ચાલતો જતો હતો. એના વિશેની તમામ બાબતો જુદી લાગતી હતી. થોડાક વધારે દિવસો પસાર થઇ ગયા અને તેની ખુશી ન તો વિલીન થઇ કે ન તો સહેજ પણ કરમાઈ.

“તમને શું થયું છે?” ગ્રામજનોએ એક દિવસે પૂછ્યું. “અમે તમને આટલા ખુશ પહેલા ક્યારેય નથી જોયા?
“હું એંસી વર્ષનો થયો છું,” તેને જવાબ આપ્યો. “હું મારા સમગ્ર જીવન દરમ્યાન સુખની પાછળ દોડતો રહ્યો. તેમ કરવાથી હું ક્યાય પહોંચી ન શક્યો. મેં મોટા મોટા ખેતરો ખરીદ્યા, પૈસા બચાવ્યા. હું સુખને સંપત્તિમાં, કુટુંબમાં, મિત્રોમાં, સત્તામાં શોધતો રહ્યો. પણ સુખ મને હંમેશાં છેતરતું જ રહ્યું.
“એક દિવસે મેં સુખને એક આકર્ષક મિત્ર તરીકે વિચાર્યું. અને મને ભાન થયું કે જો મારે મિત્રતામાં તેની પાછળ પાછળ દોડવું પડે તો તેની કશી કિંમત નથી. મારે મારી જાતની લાયકાત એટલી રાખવી જોઈએ કે કાં તો સુખ મને શોધતું મારી પાછળ આવે અને કાં તો હું તેના વગર જ જીવવાનું શીખી લઉં. માટે, મેં મારા મનમાં નક્કી કરી લીધું કે જીવન મારા માટે જે કઈ પણ લઈને આવે મારે બસ તેનાથી જ ખુશ રહેવું. જે ક્ષણે મેં એવું નક્કી કર્યું તે જ ક્ષણથી ખુશી મારી પાછળ લપાતી આવે છે. આ હવે એક એવી લાગણી છે કે જે મને હવે ક્યારેય છોડીને જતી નથી.”

વાર્તામાં કઈ બહુ મોટી પંડિતાઈ કદાચ ન લાગે, છતાં તેનો સંદેશ ગહન છે.

એક ભૂખ્યું કુતરું જેમ ખોરાકની ગંધ પાછળ દોડે તેમ આપણે સાશ્વતપણે સુખ પાછળ દોડતા રહીએ છીએ. આપણને એવું લાગે છે કે સુખ એ કોઈ હાંસિલ કરી લેવાની વસ્તુ છે કે જેના આપણે માલિક બની શકીએ અને આપણી જોડે તેને સલામત રીતે રાખી શકીએ. જો કે તે અર્થહીન કવાયત છે, જેમ કે દૂધમાં માખણ જોવાની કોશિશ કરવી. આ વાત મને આજના વિષય તરફ લઇ જાય છે. સૌથી મોટી શીખવા જેવી કોઈ કલા હોય તો તે છે આપણે આપણી જાતે ખુશ રહેતા શીખવું. જો બધા સમય માટે તે શક્ય ન હોય તો મોટાભાગના સમય માટે તો ખરું જ.

તમે કદાચ કહેશો કે અમુક વ્યક્તિ સાથે રહેવાથી મને સુખ અનુભવાય છે, કે પછી અમુકજણને પ્રેમ કરવાથી અને બદલામાં તેનો પ્રેમ મેળવવાંમાં મને સુખ અનુભવાય છે. તમે કદાચ એવું પણ કહી શકો કે સફળતાથી મને આનંદ મળે છે. પરંતુ, ક્યાં સુધી અને કઈ શરતો એ? હું જયારે સુખને એક કલા તરીકે જોવાની વાત કરી રહ્યો હોવ ત્યારે હું તેને દાખલા તરીકે એક વ્યાયામશાળા તરીકે જોઉં છું અને નહિ કે એક ફૂટબોલની રમત તરીકે. બીજા કોઈ તમારા તરફ દડો પસાર નહિ કરે કે તમને સ્કોર કરવાની તક નહિ આપે.

જીવનના મેદાનમાં તમે એક વ્યાયામવીર છો. ત્યાં કદાચ કોઈ નિર્ણાયકોની ટુંકડી બેઠી પણ હશે કે જે તમારી ચાલની ટીકા પણ કરશે, ત્યાં કદાચ પ્રેક્ષકો પણ બેઠાં હશે કે જે તમને પ્રોત્સાહિત કરતા હશે, પરંતુ, અંતે તો તમારી સફળતા તમારી ચાલની અદા અને સ્ફૂર્તિ ઉપર જ નિર્ભર કરે છે. તમે વ્યાયામની કલાનો કેટલી વાર અભ્યાસ કરીને તેનાં ઉપર પ્રભુત્વ મેળવેલુ છે તેનાં ઉપર નિર્ભર કરે છે. તમારા દેખાવની ગુણવત્તા માટે ફક્ત તમે એક જ જવાબદાર હોવ છો. એરીસ્ટોટલની Nicomachean Ethics નામનાં પુસ્તકમાં એક પ્રખ્યાત વાક્યને થોડા ફેરફાર સાથે કહેવું હોય તો:

આપણે જે કઈ પણ શીખીએ છીએ, તે ખરેખર આપણે તે કરીને શીખીએ છીએ; લોકો બાંધકામ કરીને ઈજનેર બન્યા છે, વાજા વગાડવા વાળાં વાજું વગાડીને તે શીખ્યાં છે. તે જ રીતે, ન્યાયોચિત કાર્યો કરીને આપણે ન્યાયી બન્યાં છીએ. સ્વયં-સંચાલિત કાર્યો કરીને આપણે સ્વયં-સંચાલન શીખ્યા છીએ; અને બહાદુર કાર્યો કરીને જ આપણે બહાદુર બન્યાં છીએ.

જો કોઈ એક કલા ઉપર તમારે પ્રભુત્વ મેળવવાનું હોય તો તે કલા તમારે પોતાની જાતને ખુશ કેમ રાખવી તે છે. પછી ભલેને તમારી આજુબાજુ ગમે તે કેમ ન ચાલતું હોય. સંતોષ એ સુખની જનની છે. પરંતુ, તમે જો ગમે તે કારણોસર સંતોષ ન અનુભવી શકતાં હોવ તો તમારી જાતને કોઈ હેતુ કે કારણ માટે સમર્પિત કરી દો કે જે તમને એક પરિપૂર્ણતાનો અહેસાસ આપે. જો તમારી પાસે કોઈ હેતુ ન હોય તો એકાદો શોધી કાઢો. તેનાં માટે ગમે તે પ્રયત્ન કરવો પડે તે પૂર્ણત: ઉચિત છે. મારો વિશ્વાસ રાખો. અંતે તો સુખ એ કોઈ આશીર્વાદ નથી, એક કલા છે. એવી કલા કે જે આપણે લઇને નથી જન્મ્યા, તે તો આપણે અહી શીખતાં હોઈએ છીએ.

ઓસ્કાર વાઈલ્ડે એક વખત કહ્યું હતું, “અમુક લોકો જ્યાં જાય ત્યાં ખુશીઓ ફેલાવે છે; અને અમુક જયારે જાય ત્યારે.” તમે એમાંના કયા છો? હું તમારી લોકો ઉપર શું અસર થાય છે તેની વાત નથી કરી રહ્યો. તમે કદાચ બીજા કોઈના જીવનમાં આનંદ લાવી શકતાં હોવ અને ન પણ લાવી શકતાં હોવ, કારણકે તેમનું સુખ અને ખુશી તમે શું અર્પણ કરી શકો છો તેના કરતા તેમની પોતાની પ્રાથમિકતાઓ ઉપર વધુ આધારિત હોય છે. હું અહી ખુશીને તમારા વ્યક્તિગત સંદર્ભમાં કહી રહ્યો છું. તમારી પોતાની તમારા પોતાના ઉપર શું અસર થઇ રહી છે તેનો સંકેત કરી રહ્યો છું. તમે તમારા પોતાના સંગાથમાં ખુશ છો?

આપણે આપણા વિચારોનાં દોરા લઇને જીવનની ગૂંથણી કરતા બેઠાં છીએ. આમ કરવામાં, આપણામાંના અમુકજણ, હકીકતમાં તો મોટાભાગનાં લોકો, તેને ખુબ જ જટિલ રીતે ગૂંચવી નાંખતા હોય છે. આપણી ભાત બિનજરૂરી રીતે પેચીદી બની જાય છે અને આપણું ગુંથણકામ આપણને જ થકવી નાખે છે. આપણે જેટલી સાદી ભાતની કદર કરતા થઈશું આપણું જીવન તેટલું જ સરળ બનતું જશે. ગહન સુખ સાદી આકૃતિઓમાં રહેલું હોય છે.

તમે શું ગુંથી રહ્યા છો? તમારી ઈચ્છા હોય તો તેનાં પ્રત્યે ધ્યાન આપજો.

શાંતિ.
સ્વામી

Share