Saturday, 16 May 2015

અફવા ઉપર બે શબ્દ

ખોટી અફવાઓ અસ્થાયી વાદળો જેવી હોય છે. તેના તરફ કોઈ પ્રતિકાર ન આપો તો તે આપોઆપ જ વેર-વિખેર થઇ જશે.
આશ્રમમાં મારો સમય સામાન્ય રીતે અત્યંત વ્યસ્ત હોય છે. રોજ, હું ઘણાં બધાં લોકોને વ્યક્તિગત રીતે મળતો હોવ છું. તે દિવસે પણ, દરરોજની જેમ, સવારથી બપોર સુધીનાં સમયમાં ચાલીસ એક વ્યક્તિગત મુલાકાતો ગોઠવેલી હતી. મારા માટે સમયની કટોકટી હતી અને માટે અમે દરેક વ્યક્તિને ફક્ત પાંચ મિનીટનો સમય ફાળવતાં હતા.

એક માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો, “સ્વામી તે લોકો તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે.”
“બરાબર છે,” મેં કહ્યું. “મને કોઈ વાંધો નથી.”
મારે એના પોતાના પ્રશ્ન ઉપર સમય વિતાવવો હતો નહિ કે અન્ય લોકો મારા વિશે શું કહે છે એ સાંભળવામાં.
“ના, સ્વામી,” તેને પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, “તેઓ તમારા વિશે ખરાબ બોલે છે.”
“તેઓ આકાશ તરફ જોઇને જ થુંકે છે. થુકવા દો.”
મને લાગ્યું કે આ શબ્દો આ પ્રકરણને બંધ કરી દેશે અને અમે કોઈ બીજા મહત્વના મુદ્દા ઉપર ધ્યાન આપી શકીશું. પરંતુ આ સદ્દગૃહસ્થ તો પોતે નિર્ધાર કરીને જ બેઠાં હતા.

“તેઓ તો એમ પણ કહે છે કે –”
“ઉભા રહો!” મેં તેમને અટકી જવાની સંજ્ઞા આપતા મારો હાથ ઉંચો કર્યો. “મારે નથી સાંભળવું. હું અફવાઓ ઉપર મારી કોઈ ટીકા આપતો નથી.”

તે પોતે નિરાશ થઇ ગયા કે મેં તેમને તેમનું વાક્ય પણ પૂરું ન કરવા દીધું.
“આપણી પાસે સમય ઓછો છે,” મેં ચાલુ રાખ્યું. “જો તમારે કોઈ સવાલ ન હોય તો તમે કદાચ કોઈ ગીત ગાઈ શકો છો. જે બાબત આપણા અંકુશ બહારની છે તેના ઉપર આપણે આપણું લોહી નથી ઉકાળવું.”

તે બાકીની બે મિનીટ સુધી ચુપ જ રહ્યાં અને પછી ઉભાં થઇને જતાં રહ્યાં, થોડાક નિરાશ થઇને. મને એમના માટે દુઃખ થયું અને મારા માટે પણ, કે અમે પાંચ મિનીટનો સમય બગાડી નાંખ્યો. આ રીતે જીવન પણ કોઈ વખત ચાલી જતું હોય છે, મેં વિચાર્યું. આપણે અફવાઓ વિશે વાતો કરવી હોય છે, આપણે આપણો મુદ્દો કહેવો હોય છે પરંતુ જીવન એ સાંભળવા માટે તૈયાર નથી હોતું કારણકે તેને તે વાત અપ્રાસંગિક લાગતી હોય છે. આપણે ત્યાં બેઠાં બેઠાં વિચાર કરીએ છીએ અને અસંતુષ્ટ થઇ જતાં હોઈએ છીએ, અને આપણને તેના વિશે ખબર પણ પડે તે પહેલા આપણો સમય પૂરો થઇ જતો હોય છે.

જો તમે તમારા મન તરફ ધ્યાન આપો તો, તમને જણાશે કે મોટાભાગનાં સમયે તમારા વિચારોમાં બીજા લોકો જ હોય છે. એક અનિયંત્રિત મન તમને બીજા લોકો માટે વિચારવા માટેની ફરજ પાડે છે. અને તે પણ કોઈ દયા કે કાળજીનાં લીધે થઇને નહિ પરંતુ, મોટાભાગે તો એ અંદરથી આવતું એક દબાણ હોય છે અને તેનું આકર્ષણ પણ. અને એમાં પણ સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે મન હંમેશાં નકારાત્મક વસ્તુઓ વિશે જ વિચારતું રહેતું હોય છે. જરૂરી નથી કે તે ખરાબ હોય, ફક્ત નકારાત્મક હોય છે. એ વિચારતું હોય છે અમુક લોકો કેમ તમારા વિશે અમુક ચોક્કસ પ્રકારનું વિચારે છે, કે પછી તેઓ કેમ તમારી સારી બાજુને જોઈ શકતાં નથી, કે પછી તેઓ તમારી પીઠ પાછળ કેમ તમારા વિશે ખરાબ બોલતા રહેતા હોય છે, વિગેરે.

આ બાબત સાથે કામ લેવા માટેની મારી પાસે એક સરળ ફિલસુફી છે. આ રહી તે: પ્રથમ તો, અભિપ્રાય એક અંગત વસ્તુ છે. તે તમારા ઘરની દીવાલ ઉપર એક ચિત્ર ટાંગવાં જેવી વાત છે. તમને જે ગમે તે તમે લટકાવી શકો છો. એજ રીતે, તેમનું મન એ તેમનું ઘર હોય છે અને તેમના અભિપ્રાયો એ તેમને પસંદ કરેલા ચિત્રો, કે જેને પોતાનાં મનનાં ઘરની દીવાલ ઉપર લટકાવવાના હોય છે. તેમના ઘરની દીવાલ ઉપર કયું ચિત્ર શોભા આપશે તે તેમને જોવાનું છે અને તેને લઈને હું પરેશાન નથી રહેતો કેમ કે એ તેમનું ઘર હોય છે. બીજું કે, તેઓ મારા વિશે તમને શું કહે છે તે માહિતી તમારા માટે હોય છે નહિ કે મારા માટે. જો એ મારા માટે હશે, તો પછી તેમને જ સીધા મને તે બાબત કહેવા દો.

હું એ જ બાબતો ઉપર મારી પ્રતિક્રિયા આપતો હોવ છું કે જે મને મારા પ્રત્યુત્તરની અપેક્ષા સાથે સીધી જ કહેવામાં આવી હોય. એક સિદ્ધાંત તરીકે, હું ફક્ત પ્રશ્નોનો ઉત્તર આપું છું કોઈ નિવેદનો કે અભિપ્રાયો ઉપર હું મારી કોઈ ટીપ્પણી નથી આપતો હોતો. મોટાભાગની અફવાઓ ખોટા નિવેદનો માત્ર જ હોય છે. અને બાકીના સમયે, હું કોઈ પણ પ્રકારનાં કથનોને ફક્ત અવગણતો હોવ છું અને કોઈ પ્રતિકાર નથી આપતો. નિયમિત પણે હજારો લોકો સાથે કામ લેવામાં મારા મનની શાંતિનું મૂળ આ છે. અને આ જ મારા આજના આ લેખનો સાર પણ: કોને, શું અને કેવી રીતે પ્રત્યુત્તર આપવો.

મેં એક વખત ઘણાં લોકોનાં ગુણ દર્શાવતું એક વાકય વાંચ્યું હતું. કે “મહાન લોકોનું મન વિચારો ઉપર ચર્ચા કરે છે; એક સરેરાશ લોકોનું મન પ્રસંગોની ચર્ચા કરે છે; અને નાના માણસોનું મન લોકો વિશે ચર્ચા કરે છે.” ઘણાં બધાં લોકો છેલ્લી કક્ષામાં જ આવતાં હોય છે: તેઓ ફક્ત બીજા લોકોનાં વિશે જ ચર્ચા કર્યે રાખતાં હોય છે. તેમને પોતાના ભવિષ્ય માટે કે પોતાના જીવન માટે કોઈ સવાલ નથી હોતો, તેમની પાસે કોઈ મહાન વિચાર નથી હોતો કે જેનું ફરી આગળ અન્વેષણ કરી શકાય, કે કોઈ એવી અંતર્દ્રષ્ટિ નથી હોતી કે જેને બીજા સાથે વહેચી શકાય. એના બદલે તેઓ તો ફક્ત અન્ય લોકોને તેમના પોતાના વિશે કે બીજા લોકો વિશે શું કહેવાનું છે ફક્ત તેની સાથે જ લેવાદેવાં હોય છે.

જે લોકો પોતાના માર્ગે ચાલતાં રહેતાં હોય છે, જે પોતાની જાતને સફળતા માટે ઘડતાં રહેતાં હોય છે તેમની પાસે જો કે બીજા લોકોનાં મત માટે ચિંતા કરવાનો સમય જ બહુ ઓછો હોય છે. એ તો ફક્ત એક નવરું મન કે વ્યર્થ મન હોય છે કે જે અફવાઓ (ખોટી કે સાચી)થી પરેશાન રહેતું હોય છે. જો તમે મારો વિશ્વાસ કરતાં હોવ તો કહું કે: તમે ગમે તેટલાં મહાન કેમ ન હોય, તમે દરેકજણને ખુશ નથી રાખી શકતાં હોતા. જયારે પણ કોઈ તમારો સંપર્ક કોઈએ તેમને તમારા વિશે શું કહ્યું છે તે કહેવા માટે કરે, ત્યારે તેમને ત્યાં જ અટકાવી દો.

જો તમે તેમને અટકાવી ન શકો તેમ ન હોવ તો તમારી જાતને એ યાદ અપાવો કે આ “ સરકારી સમાચાર” તમારા માટે નથી કેમ કે જો તેમ હોત તો તે તમને સીધા જ કહેવામાં આવ્યા હોત. વધુમાં, આપણે તે વાત કયા સંદર્ભમાં કરવામાં આવી હશે તે પણ નથી જાણતા હોતા. એટલાં માટે, આવી માહિતી પ્રત્યે કોઈ પણ પ્રતિક્રિયા આપવી એ કોઈ પણ સમજણ કે તર્કને ચુનોતી આપવાં જેવું હોય છે.
આપણા મોટાભાગનાં લાગણીઓનાં પોટલાં કહી-સાંભળેલી વાતોને લીધે હોય છે અથવા તો કોઈ પણ જાતનાં સંદર્ભ વિનાનાં સંદેશાઓને આપણે સાચા છે કે ખોટા તેની જરા પણ તપાસ કર્યા વગર સ્વીકારી લેતા હોઈએ છીએ તેના કારણે હોય છે. વધુમાં, બહુ ઓછા લોકો એવા હોય છે કે જે કઈ જાણવા માટે કે સત્ય શોધવા માટે થઇને તમારી સાથે કોઈ વાત વહેચતા હોય. મોટાભાગનાં લોકોએ પોતાનું મન બનાવી જ લીધું હોય છે. તેમને બદલાવાનો પ્રયાસ કરવાનો પણ કોઈ અર્થ નથી હોતો.

એક દરબારી વાળંદ રાજાની દાઢી બનાવતો હોય છે અને તે એક વાત કરે છે, “મહારાજાની દાઢી હવે સફેદ થવા માંડી છે.”
રાજા તો આ સાંભળીને એકદમ રાતાપીળા થઇ ગયા અને તેમને આ વાળંદને બે વર્ષ માટે જેલમાં પૂરી દેવાનો હુકમ કર્યો.
“શું તમને મારી દાઢીમાં કોઈ સફેદ વાળ દેખાય છે?” રાજાએ એક દરબારીને પૂછ્યું.
“બસ બિલકુલ એક પણ નહિ,” દરબારીએ ખચકાતાં મને જવાબ આપ્યો.
“ બસ બિલકુલ એક પણ નહિ એમ કહીને તમે કહેવાં શું માંગો છો!” રાજા ચિલ્લાયો અને
તેને પણ ત્રણ વર્ષ માટે જેલનાં સળિયા પાછળ ધકેલી દેવાનો હુકમ કર્યો. રાજમહેલમાં હાજર દરેકજણ ભયભીત થઇ ગયાં.

હજી પૂરું નહોતું થયું, રાજા ત્રીજા એક દરબારી તરફ ફર્યો અને એનો એ જ સવાલ કર્યો.
“દેખાય છે સફેદ?” પેલો દરબારી વિસ્મયપૂર્વક બોલ્યો. “બિલકુલ નહિ, મહારાજ, જરા પણ નહિ. તમારી કાળી દાઢી તો કાળી રાત્રી કરતાં પણ કાળી છે.”
“જુઠ્ઠા!” રાજા બરાડ્યો.
“ આ માણસનાં બરડા ઉપર દસ કોરડા ફટકારો,” રાજાએ હુકમ કર્યો, “અને ચાર વર્ષ માટે જેલમાં પૂરી દો.”
અંતે, રાજા છે તે નસરુદ્દીન તરફ ફરતાં બોલે છે, “મુલ્લા, મારી દાઢીનો રંગ કેવો છે?”
“નામદાર,” મુલ્લાએ જવાબ આપતા કહ્યું, “હું રંગઅંધતાથી નથી પીડાતો, અને તમારા સવાલનો જવાબ પણ આપું શકું તેમ નથી.”

તમે કેટલો સાચો કે બુદ્ધિમાન જવાબ આપો છો તેનો કોઈ અર્થ નથી હોતો, જયારે સામે વાળી વ્યક્તિએ પોતાનું મન બનાવી જ લીધું હોય છે, ત્યારે તેમનો મત બદલવાનો પ્રયાસ કરવાનો કોઈ અર્થ જ નથી હોતો. તેમને તેમનો મત ધારણ કરવા દો કારણકે અન્ય લોકો તમે તમારા વિશે શું માનો છો તેના માટે તેઓ પોતે શું વિચારે છે તે બાબત ઉપર તમારી આંતરિક શક્તિ આધારિત નથી હોતી.

જો તમે જે કરી રહ્યાં હોવ તેમાં તમે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતાં હોવ, જ્યાં સુધી તમે પોતાની જાત પ્રત્યે અને તમારા હેતુ પ્રત્યે ખરા હોવ, ત્યાં સુધી અફવાઓ કે અભિપ્રાયો તમને સહેજ પણ હલાવી નહિ શકે. વધુમાં, મોટાભાગનાં લોકો પોતે જે કઈ પણ સારું કે ખરાબ કહેતાં હોય તેમનો મતલબ પણ એવો જ હોય એ જરૂરી નથી. પ્રત્યેકજણ પાસે એક વાતોડિયું મન હોય છે અને મોટાભાગે મનની આ ચટરપટર શબ્દો રૂપે બહાર આવી જતી હોય છે કોઈપણ જાતનાં ઈરાદા કે અર્થ વગર. એક નાનકડું બાળક પોતાનાં રમકડા સાથે રમતી વખતે કેવી રીતે વાતો કરતુ હોય છે તેમ.

દાખલા તરીકે તમે એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન ઉપર રાહ જોતાં ઉભા હોવ છો ત્યારે, તમારી આસપાસ લોકો સતત વાતો કરતાં રહેતાં હોય છે. તમે તેને એક ઘોંઘાટ ગણીને અવગણો છો. બસ એવી જ રીતે, જયારે લોકો તમને અફવાનો શિકાર બનાવે ત્યારે તેને તમારા પોતાના મનની શાંતિ માટે થઇને જતું કરો. તમારી જાતને એ યાદ અપાવતાં રહો કે જે કોઈ પણ ચોક્કસ માહિતી વિશે જો તમને સીધા જ જણાવવામાં આવ્યું ન હોય તો, એ તમારા માટે નથી હોતી. તમારા વિશેની કશીક વાત એ જરૂરી નથી તમારા માટેની જ હોય.

જયારે તમે સંગીત વગાડી શકો તેમ હોવ ત્યારે ઘોંઘાટમાંથી અર્થ કાઢવાની તકલીફ જાતને શા માટે આપવી?

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share