Saturday, 30 May 2015

મોચી, કુતરો અને ઈશ્વર

આ એક સુંદર વાર્તા છે, કે જે આધ્યાત્મિકતાનાં ખરા હેતુ – દરેકમાં દિવ્યતાને જોવી – ની એક હળવી યાદ પણ અપાવી જાય છે.
 
એકજણ કે જે મારા બ્લોગને અને પ્રવચનોને શરૂઆતથી અનુસરતાં આવ્યા છે તેઓ મને હમણાં મળવા આવ્યા હતા. તેમણે એક હૃદય દ્રવિત કરી નાંખે એવી વાર્તા કહી. આ રહ્યો તેનો સીધો સુર.

“સ્વામી,” તેમણે કહ્યું, “ સવારમાં સ્નાન કર્યા પછી પ્રથમ કામ હું ભગવાનનાં પૂજાલયમાં દીવો પ્રગટાવવાનું કરું છું અને મારી પ્રાર્થના કરું છું. દીવો અને અગરબત્તીની સાથે, હું તાજા ફૂલો પણ ચડાવું છું. મારા ઘર આગળ એક વાડ કરેલી જગ્યા છે જ્યાં હું આ ફૂલો ખુબ જ કાળજી અને પ્રેમપૂર્વક ઉગાડું છું કારણકે તે પ્રભુને ચડાવવાનાં હોય છે. હું તેને રોજ સવારે અને સાંજે પાણી પીવડાવું છું.”

“તમે તો હમણાં પર્વતો પર રહીને પાછા આવ્યા છો, જયારે અહી જમીન પર તો અત્યંત ગરમી પડી હતી.” તેણે બોલવાનું ચાલુ રાખતા કહ્યું. “ઉત્તર ભારતમાં અત્યંત ગરમીનું મોજું છવાઈ ગયેલ હોવાથી મોટાભાગનાં લોકો જેટલું બને તેટલું પોતાનાં ઘરોની અંદર જ રહેતાં હતા. અરે ગાયો અને કુતરાઓ પણ દિવસ દરમ્યાન છાંયડો શોધવા માટે દોડતા હતાં. અને સૂર્યોદય પછી ગરમીનો પારો તરત ચડવા માંડતો હતો. અરે જો સવારનાં સાત વાગે પણ તમે ઘરની બહાર પગ મુકો તો તરત પરસેવે રેબઝેબ થઇ જાવ.”

“એ દિવસે રવિવારનો હતો અને માટે અને હું આગલી રાતનાં વીજળી કાપને કારણે ભાગ્યે જ સુઈ શક્યો હતો માટે સવારે થોડો મોડો ઉઠ્યો હતો. લગભગ ૯ વાગ્યાની આસપાસ, હું મારી પૂજા માટે ફૂલ લેવા બહાર ગયો. મારી નારાજગી સાથે મેં જોયું કે એક રખડતો કુતરો મારી વાડમાં ગમે તેમ રસ્તો કરીને ઘુસી ગયો હતો અને ઘાસમાં ખાડો કરીને બેઠો હતો. થોડા ફૂલોને પણ નુકશાન થયું હતું.

“પોતાની જીભ બહાર લટકાવીને , તે માટીની ઠંડકમાં આરામથી બેઠો હતો. હું મારા ઘાસની હાલત જોઈને દુઃખી અને ગુસ્સે થઇ ગયો હતો. વધુમાં, મને થયું કે હવે હું મારા ભગવાનને તાજા ફૂલો કેવી રીતે ચડાવીશ. કુતરો ગમે ત્યાં કોઈ ખૂણે કદાચ પેશાબ પણ કરી ગયો હોય મને શું ખબર પડવાની. હું ખુબ જ ગુસ્સે થયો અને હતું એટલું જોર કરીને પેલા કુતરાને હડધૂત કર્યો અને કુતરો ઉભો થઇને દોડીને જતો રહ્યો.

“મેં ઉતાવળે પ્રાર્થના પતાવી, કેમ કે હું બિલકુલ ધ્યાન આપી શકતો નહોતો, અને પછીનાં કલાકમાં મેં મારા વાડાનું ઘાસ સરખું કર્યું. મારું ચિત્ત આખો દિવસ ખરાબ રહ્યું. બપોરે મોડા, મારે એક મોચી પાસે મારા બુટ સરખા કરવા જવાનું થયું. તે મોચી એક મોટા રસ્તાનાં ફૂટપાથ આગળ બેઠો હતો. એક જૂની, થીગડા મારેલી છત્રી એક જૂની લાકડી સાથે બાંધેલી હતી કે જે તેની બેઠકને અડેલીને ગોઠવેલી હતી. એક ગંદી અને નાની પેટી કે જે એકદમ જુના જમાનાની લાગતી હતી તેમાં આટલા વર્ષોથી અનેક સાધનોના લીધે કાપા પડ્યા હતા.

“ત્યાં એક આરી અને બીજા સાધનો, એક ધાર કાઢવાનો લીસો પથ્થર બાજુમાં પડેલા હતા. તેની બાજુમાં માટીના એક વાડકામાં પાણી હતું. જ્યાં પોતે પોતાની છરી ડુબાડેલી રાખતો હતો અને પથ્થર પર ઘસીને તેની ધાર કાઢતો હતો. હું મારા બાઈક પર બેઠો હતો અને ગરમીથી  થોડો બેચેન હતો જયારે આ મોચી તો શાંતિથી અને ધીમે ધીમે પોતાનું કામ કર્યે જતો હતો. તેને તો આ ગરમી કે ઘોંઘાટની જાણે કે કોઈ અસર જ નહોતી.

“તે પોતાની છરી પાણીમાં ડૂબાડવા જ જતો હતો કે ક્યાંકથી એક રખડતું કુતરું આવ્યું અને પેલા માટીના વાડકામાંથી પાણી પીવા માંડ્યું. મોચી કામ કરતો અટકી ગયો અને સ્મિત કરવા લાગ્યો. એક ક્ષણ હું એ કુતરાને જોતો હતો અને બીજી ક્ષણે તે મોચીને. મોચી કુતરાને જોઈ રહ્યો હતો એક અદુન્વયી શાંતિ અને સંતોષ તેને ચહેરા ઉપર હતો. તરત પાણી તો ખતમ થઇ ગયું અને કુતરો હવે તે માટીનાં વાડકાને ચાટવા લાગ્યો.

“એક પણ શબ્દ બોલ્યા વગર, પેલા મોચીએ પોતાના થેલામાંથી એક પ્લાસ્ટિકની જૂની બોટલ બહાર કાઢી અને પેલા વાડકામાં થોડું પાણી રેડ્યું. કુતરો પાછો પાણી પીવા લાગ્યો. મોચીએ પણ બોટલમાંથી થોડા ઘૂંટડા પાણી પીધું અને બોટલ પાછી થેલામાં મૂકી દીધી. ગરમીનો પારો જોતાં એ પાણી પણ કદાચ ઉકળી નહિ તો ગરમ તો થઇ જ ગયું હશે.

“થોડું વધુ પાણી પીધા પછી પેલા કુતરાએ મોચી સામે જોયું અને પોતાની પૂછડી પટપટાવી અને બાજુમાં જ બેસી ગયું. મોચી તેની સામે પોતાની નાની ચમકીલી અને દયાળુ આંખે જોઈ રહ્યો. પથ્થરની ફૂટપાથ કુતરા માટે જો કે બહુ વધારે ગરમ હતી. તે ઉભો થયો, પાછું થોડું પાણી પીધું અને, પાછી પૂછડી પટપટાવી અને શાંતિથી ત્યાંથી ચાલી ગયો. અને મોચીએ પાછી પોતાની છરી પેલાં એજ વાડકામાં બોળી અને પોતાનાં ધંધામાં લાગી ગયો.

“હું તમને કહી પણ નથી શકતો સ્વામી,” તેણે બોલવાનું ચાલુ રાખતા કહ્યું, “કે મને આ જોઈને મારા માટે કેટલી શરમ થઇ. એક હું હતો, કે જે આટલો ભણેલો ગણેલો હતો અને તમારા પ્રવચનો આટલા વર્ષોથી સાંભળતો આવ્યો છું અને તમારા લેખો પણ વાંચતો આવ્યો છું અને છતાં હું તે કુતરામાં કે જેણે મારું ઘાસ ખોદી નાંખ્યું હતું તેમાં કોઈ ઈશ્વરનાં દર્શન નહોતો કરી શક્યો. ઉલટાનું એક પાગલ માણસની જેમ મેં તેને ભગાડી મુક્યો. હું ખુબ જ અસ્વસ્થ થઇ ગયો હતો. અને અહી આ એક અભણ મોચી હતો કે જેણે કદાચ કોઈ ગ્રંથ નહિ વાંચ્યો હોય, કે કોઈ પૂજા ઘરમાં પ્રાર્થના પણ નહિ કરી હોય, તેમ છતાં તે ક્યાય વધુ આધ્યાત્મિક હતો જ્યાં પહોંચવાની હું કદાચ આશા જ રાખી શકું.

“હું તમને એમ કહેતા ઘણી વખત સાંભળું છું કે દરેકમાં ઈશ્વર જોવા જોઈએ અને દરેકને એકસમાન નજરે જોવા જોઈએ, પરંતુ જયારે મને એવું કરવાની તક મળતી હોય છે ત્યારે તેવું કરવામાં હું ખુબ જ ખરાબ રીતે નિષ્ફળ થાવ છું. બીજી બાજુ, એક મોચી કે જે તમારા શબ્દોને જીવી રહ્યો છે, તે ગ્રંથોના શિક્ષણને જ વળગી રહ્યો છે. મને ખુબ જ ગ્લાની અને દુઃખ થાય છે, સ્વામી.”
“ચિંતા ન કરો,” મેં કહ્યું. “ઓછા નામે તમે એક જીવનપર્યંત ચાલે તેવો પાઠ તો શીખ્યા.”
“ના સ્વામી,” તે રડી પડ્યા. “મહેરબાની કરીને મને કહો કે હું કઈ રીતે પશ્ચાતાપ કરું.”
“તમારી જાગૃતતા જ તમારો પશ્ચાતાપ છે.”
“તો પણ, સ્વામી,” તેને આગ્રહ ચાલુ રાખ્યો. “હું શું કરું તે કહો.”
“સારું તો પછી,” મેં કહ્યું. “તમારા ઘરની બહાર એક પાણીનો વાડકો રાખજો જેમાંથી કુતરા અને પંખીઓ પાણી પી શકે. અને ત્રણેક રોટલી બાજુમાં રાખજો. દરરોજ. જ્યાં સુધી તમે એ કરી શકો ત્યાં સુધી.”

તેમની આ વાતે મને સંત રવિદાસની યાદ અપાવી, જે પણ એક મોચી હતા, કે જેમણે એક પ્રખ્યાત પંક્તિ કહી છે. “મન ચંગા તે કથૌતી વિચ ગંગા.” (જો તમારું હૃદય ઉમદા હોય તો તમારા વાસણમાંનું પાણી પણ ગંગાના નીર જેટલું પવિત્ર છે.) યોગિક અને ભક્તિમય લાગણીમાં, ગુરુ ગ્રંથ સાહિબમાં કહે છે”

तोही मोही मोही तोही अंतरु कैसा ॥
कनक कटिक जल तरंग जैसा ॥
जउ पै हम न पाप करंता अहे अनंता ॥
पतित पावन नामु कैसे हुंता ॥ (गुरुग्रन्थ साहिब पृष्ठ - ९३) 
तुम चंदन हम इरंड बापुरे संगि तुमारे बासा ॥
नीच रूख ते ऊच भए है गंध सुगंध निवासा ॥ (गुरुग्रन्थ साहिब पृष्ठ - ४८६)

તું તે હું અને હું તે તું – આપણા બે વચ્ચે શું અંતર?
આપણે તો જેમ સોનું અને કંગન, જેમ પાણી અને મોજા હોય છે તેવા છીએ.
જો મેં કોઈ પાપ કર્યું જ ન હોત તો હે અનંત ભગવાન તમને પાપીઓના તારણહારનું નામ કેવી રીતે મળત?

તમે ચંદન અને અમે એરંડો, તમારી નજીક રહેવાથી જ એક સામાન્ય ઝાડમાંથી હું પૂજનીય વૃક્ષ બની ગયો છું અને મારી એક સામાન્ય ગંધ એક સુગંધ બની ગઈ છે કે જે હવે મારી અંદર કાયમ વસી ગઈ છે.

જયારે તમે ભગવાનને ઓળખી લો છો ત્યારે તમે કુદરતી રીતે જ નમ્ર બની જાવ છો. અભિમાન અને અહંકાર દિવસના અજવાળામાં જેમ ચોર ભાગી જાય તેમ તમને છોડીને જતા રહે છે. તમે સારાઈનું એક પ્રતિક બની જાવ છો, તમે તમારા શબ્દો ખુબ કાળજીપૂર્વક પસંદ કરો છો. તમે તમારા કર્મો પ્રત્યે પણ ખુબ જ સતર્ક બની જાવ છો. અને આ બધું એકદમ સહજતાથી થવા માંડે છે, કારણકે તમે તે એક જ દિવ્યતાને તમામ ઠેકાણે જોતાં થઇ જાવ છો.

આપણે ગમે તેટલા શિક્ષિત કે ધાર્મિક થઇ જઈએ, જ્યાં સુધી આપણે બીજાનું દર્દ જાતે નથી અનુભવતા, ત્યાં સુધી આપણે બધા એકસમાન જ છીએ – આત્મકેન્દ્રી અને આત્મલક્ષી. અને જયારે સત્યનો ઉદય થાય છે ત્યારે પણ તમને એનું જ ભાન થાય છે કે આપણે બધા એકસમાન છીએ – સાશ્વત અને દિવ્ય. ફક્ત એક દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સાક્ષાત્કાર પહેલા, તમે શરીર જુવો છો, તફાવતો અને બાહ્ય દેખાવ જુવો છો. પરંતુ સાક્ષાત્કાર પછી તમે આત્મા જુવો છો, સમાનતા અને આંતરિક સાર તત્વને જુવો છો.

તમને કૂતરામાં, ફૂલોમાં, કીડીમાં અને દરેકજણમાં ઈશ્વરનાં દર્શન થાય છે. દર સમયે, કારણકે, એ જ તો એક માત્ર સત્ય છે.

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share