Saturday, 9 May 2015

સૌથી મોટામાં મોટી કલા

તમારા સુખનો માર્ગ કદાચ ઘણાં બધાં રંગોથી પ્રભાવિત હોઈ શકે છે, પણ અંતે તો તે માર્ગ તમે જાતે જ કંડારતા હોવ છો.
તમને ખબર છે પ્રભુત્વ મેળવવા જેવી એક સૌથી મોટામાં મોટી કલા કઈ છે? એવી કલા કે જેની કોઈ અવળી બાજુ નથી, કે જે તમને એક વધુ સારા વ્યક્તિ બનાવતી હોય અને આ દુનિયાને એક વધારે સારું સ્થળ. ચોક્કસપણે તે કોઈ સૌથી વધારે જ્ઞાન કે સંપત્તિ મેળવવા વિશેની નથી. તે તમારા ખરા સ્વભાવને ઓળખી કાઢવા વિશેની પણ નથી. તમે વિચારશો કે તો પછી એ શું હોઈ શકે છે? ચાલો પ્રથમ હું તમને એક વાર્તા કહું.

એક ગામડાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો તે હંમેશાં ચીડાયેલો અને ગુસ્સે ભરાયેલો રહેતો હતો. સમાજમાં કોઈપણ તેની સાથે કશું મગજમારી કરવા માંગતું નહોતું કારણકે તે હંમેશાં બસ ફરિયાદો જ કર્યા કરતો હતો. એવું કહેવાતું કે કોઈપણ વ્યક્તિ કે કોઇપણ વસ્તુ તેને ખુશ કરી શકે તેમ નહોતું. અને દુઃખ એક અનિચ્છનીય અત્તર જેવું છે – અરે સમૂહમાં જો કોઈ એક વ્યક્તિ પણ તેને લગાડે તો તમને પણ તેની વાસ આવવા માંડે. તેને ઘસી નાંખવાની કોશિશ કરો તો તમે પણ એ જ દુર્ગંધ મારતા થઇ જાવ. માટે, તે ઘરડો માણસ જાણે કે તેનો ત્યાગ ન કરી દેવાયો હોય તેવો હતો.

આ બધું એક દિવસે બદલાઈ ગયું જયારે ગ્રામજનોએ તેને એક સવારે એક ઉજળા સ્મિત સાથે ટહેલતો જોયો. આ એકદમ માન્યામાં ન આવે એવું હતું. તે બીજા લોકોનું અભિવાદન કરતો હતો, લોકો સાથે આનંદથી વાતો કરતો જતો હતો અને ઘઉંના ખેતરમાંથી પસાર થતા તે સોનેરી ઘઉંના ડુંડા ઉપર હાથ ફેરવતો ચાલતો જતો હતો. એના વિશેની તમામ બાબતો જુદી લાગતી હતી. થોડાક વધારે દિવસો પસાર થઇ ગયા અને તેની ખુશી ન તો વિલીન થઇ કે ન તો સહેજ પણ કરમાઈ.

“તમને શું થયું છે?” ગ્રામજનોએ એક દિવસે પૂછ્યું. “અમે તમને આટલા ખુશ પહેલા ક્યારેય નથી જોયા?
“હું એંસી વર્ષનો થયો છું,” તેને જવાબ આપ્યો. “હું મારા સમગ્ર જીવન દરમ્યાન સુખની પાછળ દોડતો રહ્યો. તેમ કરવાથી હું ક્યાય પહોંચી ન શક્યો. મેં મોટા મોટા ખેતરો ખરીદ્યા, પૈસા બચાવ્યા. હું સુખને સંપત્તિમાં, કુટુંબમાં, મિત્રોમાં, સત્તામાં શોધતો રહ્યો. પણ સુખ મને હંમેશાં છેતરતું જ રહ્યું.
“એક દિવસે મેં સુખને એક આકર્ષક મિત્ર તરીકે વિચાર્યું. અને મને ભાન થયું કે જો મારે મિત્રતામાં તેની પાછળ પાછળ દોડવું પડે તો તેની કશી કિંમત નથી. મારે મારી જાતની લાયકાત એટલી રાખવી જોઈએ કે કાં તો સુખ મને શોધતું મારી પાછળ આવે અને કાં તો હું તેના વગર જ જીવવાનું શીખી લઉં. માટે, મેં મારા મનમાં નક્કી કરી લીધું કે જીવન મારા માટે જે કઈ પણ લઈને આવે મારે બસ તેનાથી જ ખુશ રહેવું. જે ક્ષણે મેં એવું નક્કી કર્યું તે જ ક્ષણથી ખુશી મારી પાછળ લપાતી આવે છે. આ હવે એક એવી લાગણી છે કે જે મને હવે ક્યારેય છોડીને જતી નથી.”

વાર્તામાં કઈ બહુ મોટી પંડિતાઈ કદાચ ન લાગે, છતાં તેનો સંદેશ ગહન છે.

એક ભૂખ્યું કુતરું જેમ ખોરાકની ગંધ પાછળ દોડે તેમ આપણે સાશ્વતપણે સુખ પાછળ દોડતા રહીએ છીએ. આપણને એવું લાગે છે કે સુખ એ કોઈ હાંસિલ કરી લેવાની વસ્તુ છે કે જેના આપણે માલિક બની શકીએ અને આપણી જોડે તેને સલામત રીતે રાખી શકીએ. જો કે તે અર્થહીન કવાયત છે, જેમ કે દૂધમાં માખણ જોવાની કોશિશ કરવી. આ વાત મને આજના વિષય તરફ લઇ જાય છે. સૌથી મોટી શીખવા જેવી કોઈ કલા હોય તો તે છે આપણે આપણી જાતે ખુશ રહેતા શીખવું. જો બધા સમય માટે તે શક્ય ન હોય તો મોટાભાગના સમય માટે તો ખરું જ.

તમે કદાચ કહેશો કે અમુક વ્યક્તિ સાથે રહેવાથી મને સુખ અનુભવાય છે, કે પછી અમુકજણને પ્રેમ કરવાથી અને બદલામાં તેનો પ્રેમ મેળવવાંમાં મને સુખ અનુભવાય છે. તમે કદાચ એવું પણ કહી શકો કે સફળતાથી મને આનંદ મળે છે. પરંતુ, ક્યાં સુધી અને કઈ શરતો એ? હું જયારે સુખને એક કલા તરીકે જોવાની વાત કરી રહ્યો હોવ ત્યારે હું તેને દાખલા તરીકે એક વ્યાયામશાળા તરીકે જોઉં છું અને નહિ કે એક ફૂટબોલની રમત તરીકે. બીજા કોઈ તમારા તરફ દડો પસાર નહિ કરે કે તમને સ્કોર કરવાની તક નહિ આપે.

જીવનના મેદાનમાં તમે એક વ્યાયામવીર છો. ત્યાં કદાચ કોઈ નિર્ણાયકોની ટુંકડી બેઠી પણ હશે કે જે તમારી ચાલની ટીકા પણ કરશે, ત્યાં કદાચ પ્રેક્ષકો પણ બેઠાં હશે કે જે તમને પ્રોત્સાહિત કરતા હશે, પરંતુ, અંતે તો તમારી સફળતા તમારી ચાલની અદા અને સ્ફૂર્તિ ઉપર જ નિર્ભર કરે છે. તમે વ્યાયામની કલાનો કેટલી વાર અભ્યાસ કરીને તેનાં ઉપર પ્રભુત્વ મેળવેલુ છે તેનાં ઉપર નિર્ભર કરે છે. તમારા દેખાવની ગુણવત્તા માટે ફક્ત તમે એક જ જવાબદાર હોવ છો. એરીસ્ટોટલની Nicomachean Ethics નામનાં પુસ્તકમાં એક પ્રખ્યાત વાક્યને થોડા ફેરફાર સાથે કહેવું હોય તો:

આપણે જે કઈ પણ શીખીએ છીએ, તે ખરેખર આપણે તે કરીને શીખીએ છીએ; લોકો બાંધકામ કરીને ઈજનેર બન્યા છે, વાજા વગાડવા વાળાં વાજું વગાડીને તે શીખ્યાં છે. તે જ રીતે, ન્યાયોચિત કાર્યો કરીને આપણે ન્યાયી બન્યાં છીએ. સ્વયં-સંચાલિત કાર્યો કરીને આપણે સ્વયં-સંચાલન શીખ્યા છીએ; અને બહાદુર કાર્યો કરીને જ આપણે બહાદુર બન્યાં છીએ.

જો કોઈ એક કલા ઉપર તમારે પ્રભુત્વ મેળવવાનું હોય તો તે કલા તમારે પોતાની જાતને ખુશ કેમ રાખવી તે છે. પછી ભલેને તમારી આજુબાજુ ગમે તે કેમ ન ચાલતું હોય. સંતોષ એ સુખની જનની છે. પરંતુ, તમે જો ગમે તે કારણોસર સંતોષ ન અનુભવી શકતાં હોવ તો તમારી જાતને કોઈ હેતુ કે કારણ માટે સમર્પિત કરી દો કે જે તમને એક પરિપૂર્ણતાનો અહેસાસ આપે. જો તમારી પાસે કોઈ હેતુ ન હોય તો એકાદો શોધી કાઢો. તેનાં માટે ગમે તે પ્રયત્ન કરવો પડે તે પૂર્ણત: ઉચિત છે. મારો વિશ્વાસ રાખો. અંતે તો સુખ એ કોઈ આશીર્વાદ નથી, એક કલા છે. એવી કલા કે જે આપણે લઇને નથી જન્મ્યા, તે તો આપણે અહી શીખતાં હોઈએ છીએ.

ઓસ્કાર વાઈલ્ડે એક વખત કહ્યું હતું, “અમુક લોકો જ્યાં જાય ત્યાં ખુશીઓ ફેલાવે છે; અને અમુક જયારે જાય ત્યારે.” તમે એમાંના કયા છો? હું તમારી લોકો ઉપર શું અસર થાય છે તેની વાત નથી કરી રહ્યો. તમે કદાચ બીજા કોઈના જીવનમાં આનંદ લાવી શકતાં હોવ અને ન પણ લાવી શકતાં હોવ, કારણકે તેમનું સુખ અને ખુશી તમે શું અર્પણ કરી શકો છો તેના કરતા તેમની પોતાની પ્રાથમિકતાઓ ઉપર વધુ આધારિત હોય છે. હું અહી ખુશીને તમારા વ્યક્તિગત સંદર્ભમાં કહી રહ્યો છું. તમારી પોતાની તમારા પોતાના ઉપર શું અસર થઇ રહી છે તેનો સંકેત કરી રહ્યો છું. તમે તમારા પોતાના સંગાથમાં ખુશ છો?

આપણે આપણા વિચારોનાં દોરા લઇને જીવનની ગૂંથણી કરતા બેઠાં છીએ. આમ કરવામાં, આપણામાંના અમુકજણ, હકીકતમાં તો મોટાભાગનાં લોકો, તેને ખુબ જ જટિલ રીતે ગૂંચવી નાંખતા હોય છે. આપણી ભાત બિનજરૂરી રીતે પેચીદી બની જાય છે અને આપણું ગુંથણકામ આપણને જ થકવી નાખે છે. આપણે જેટલી સાદી ભાતની કદર કરતા થઈશું આપણું જીવન તેટલું જ સરળ બનતું જશે. ગહન સુખ સાદી આકૃતિઓમાં રહેલું હોય છે.

તમે શું ગુંથી રહ્યા છો? તમારી ઈચ્છા હોય તો તેનાં પ્રત્યે ધ્યાન આપજો.

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share