Saturday, 13 June 2015

સૌથી મહત્વનું કાર્ય

જો તમે જીવનની ઝેન (બૌદ્ધ રીતિ)ને સમજી લેશો તો તમે જીવનમાર્ગે એક હનુમાન કુદકો લગાવી શકશો.
જો તમે મને પૂછો કે જીવનમાં તમારી સૌથી અગત્યની પ્રાથમિકતા શું હોવી જોઈએ, હું ચોક્કસ એવું નહિ કહું કે જ્ઞાનપ્રાપ્તિ કે પ્રભુ પ્રાર્થના હોવી જોઈએ. હું એમ પણ નહિ કહું કે બીજા લોકોની સેવા કરવી તે તમારી મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ. હું કહીશ કે સૌથી પહેલાં તમારી શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવું એ તમારી સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. જો કે આ મારો ફક્ત એક મત છે. “હોવી જોઈએ” શબ્દથી હું એવું નથી કહી રહ્યો કે એ તમારા માટે “હોવી જોઈએ”.

સારું ખાવું, કસરત કરવી અને શરીરનો ઉત્તમ આકાર જાળવી રાખવો એ સુખ અને ખુશીઓનો પાયો છે. જો તમારી તંદુરસ્તી સારી હશે, તો તમે બીજાની સેવા કરી શકશો, ધ્યાન કરી શકશો, પ્રાર્થના કરી શકશો અને જેની તમે કલ્પના કરી રહ્યાં હોય એવું બીજું ઘણું બધું કરી શકશો. પરંતુ હા, એવા પણ અનેક લોકો છે કે જેઓનાં શરીરનો આકાર ખુબ સરસ જળવાઈ રહ્યો હોય, પણ તેમ છતાં તેઓ પોતાનાં જીવનમાં ખુશ ન હોય. અને આ મને આજના વિષયવસ્તુ તરફ લઇ જાય છે – સૌથી મહત્વનું કાર્ય.

પુનઃ કહી દઉં કે, આજે મારી પાસે તમારા માટે કોઈ ફિલસુફી ભરેલો દ્રષ્ટિકોણ નથી. કે હું એમ પણ ભલામણ નથી કરી રહ્યો કે તમે માનવતાને બચાવવાનાં એક વૈશ્વિક ધ્યેય માટે કામે લાગી જાવ (જો તમે એમ કરવા ઇચ્છતાં હોવ તો જુદી વાત છે). મારી પાસે આજે તમારા માટે એક વિચારવા જેવી વ્યવહારિક વાત છે. મારે ઘણાં સમયથી આ વિષય ઉપર લખવું હતું. ચાલો પ્રથમ હું તમને એક રમુજી ટુંચકો કહું.

પોલીસ માફિયાઓ પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી. માટે ડોને એક નવાં માણસ, એબર્ટોની નિમણુંક કરી, કે જે બહેરો અને મૂંગો હતો. જો એબર્ટો ક્યારેક પકડાઈ જાય, તો પોલીસને કશું કહી શકશે નહિ, એવું તેને વિચાર્યું.

એબર્ટો એ તો દર અઠવાડિયે ઉઘરાણી કરવાનું ચાલુ કર્યું. થોડા અઠવાડિયા સુધી પૂરી પ્રમાણિકતાથી કામ કર્યા બાદ, તેને પોતે ઉઘરાણીમાંથી કટકી કરવાનું ચાલુ કરી દીધું. જોતજોતાંમાં તો એબર્ટો પાસે એક લાખ ડોલર ભેગા થઇ ગયા. ડોનને ખબર પડી ગઈ કે એબર્ટો આ રકમ ક્યાંક છુપાવીને રાખતો હતો.

મુશ્કેલી એ હતી કે માફિયાઓ એબર્ટોને ના તો સમજી શકતાં હતાં કે ના તો તેને કશું બોલી શકે તેમ હતાં. માટે તેઓ એક દુભાષિયો લઇ આવ્યાં. એક ગુંડાએ એબર્ટોને પકડી લાવીને ડોન સમક્ષ હાજર કર્યો.

“પૈસા ક્યાં છે?” ડોન ચિલ્લાયો.
દુભાષિયો એબર્ટો તરફ ફર્યો અને સવાલને ઈશારાની ભાષામાં કહ્યો.
“મને નથી ખબર,” એબર્ટોએ ઈશારો કર્યો.
ડોને બંદુક કાઢી અને એબર્ટોનાં લમણે તાકી અને દુભાષિયાને કહ્યું કે તે સવાલ એબર્ટોને ફરી પૂછે.
મોતની બીક લાગતા એબર્ટોએ સાચું કહી દીધું કે પૈસા સેન્ટ્રલ પાર્કમાં એક ચોક્કસ ઝાડની નીચે દાટેલાં છે.
“શું કહ્યું એબર્ટોએ? ડોને દુભાષિયાને પૂછ્યું.
“તે કહે છે કે તેને નથી ખબર પૈસા ક્યાં છે, અને, તારી કોઈ તાકાત નથી બંદુકનો ઘોડો દબાવવાની,” દુભાષિયાએ જવાબ આપ્યો.

ત્યારબાદ શું થયું? હું તમારી કલ્પના ઉપર છોડું છું.

જે કોઈપણ વ્યક્તિ કોઈ પણ રીતે દેવામાં હોય તેની હાલત એબર્ટો જેવી હોય છે. એક માનસિક બંદુક તમારા લમણે તકાયેલી જ રહે છે. તમે કદાચ દેવા સાથે જીવન જીવવાનું સમાધાન શોધી લીધું હોઈ શકે છે, પરંતુ તે શાંતિમય માર્ગ હશે કે કેમ તેની મને શંકા છે. આપણા વર્તમાન ઉપભોક્તાવાદી વિશ્વમાં, આપણામાંના મોટાભાગનાં લોકો સતત ચીજવસ્તુઓની ખરીદી કર્યે રાખે છે કે જેનો આપણા જીવનમાં ભાગ્યે જ કોઈ ઉપયોગ હોય કે મહત્વ હોય. જવા દો, મારે કઈ ઉપદેશ આપવો નથી, માટે હું સૌથી મહત્વનાં કાર્ય વિશે જ વાત કરું.

મારી દ્રષ્ટીએ, દેવામાંથી મુક્ત થવું એ કોઈપણને માટે સૌથી મહત્વનું અને સૌથી અત્યાવશ્યક કાર્ય છે, પછી ભલેને તે બીજા તમારી પાસે ફક્ત એક નવો પૈસો કેમ ન માંગતા હોય. દેવામુક્ત જીવન એ રાજવી જીવન છે. આવું જીવન કદાચ તમને દેખાડો કરવાં માટે કશું નહિ આપી શકે પરંતુ તમારા ચહેરા ઉપર એક સ્મિત અને હૃદયમાં એક આનંદ હંમેશાં રહી શકશે. દેવામુક્ત ઇન્સાન શાંતિથી ઊંઘી શકશે અને સુખેથી ઉઠી શકશે. હું ના નથી કહી રહ્યો કે ઘર ખરીદવું એ લલચામણી બાબત નથી, અને માટે, લોન એ જરૂરિયાત બની જાય છે. કઈ વાંધો નહિ. તેમ છતાં જો કે સફેદ ગાય લેવી કે સફેદ હાથી એ બે વચ્ચે તફાવત તો છે જ. તમે જાતે નક્કી કરો.

જો તમે આસપાસ નજર કરશો તો તમને જણાશે કે આપણી મોટાભાગની ખરીદી આવેગશીલતાથી નહિ તો લાગણીકીય નિર્ણયો ને લીધે જ થયેલી છે. બસ આપણે ચીજો ખરીદતાં જ જઈએ છીએ અને ઘરને અસ્તવ્યસ્ત રાખતાં જ જઈએ છીએ. ભંડારોમાં આપણે તે હોશિયારીપૂર્વક છુપાવતાં તો થઇ ગયાં છીએ, પરંતુ તે સતત જમાં થતું જતું હોય છે, વધતું જતું હોય છે. આપણે જે કઈ પણ ખરીદીએ પછી ભલે તે નાનું કે મોટું હોય, આપણે તેનાં માટે પૈસા ચુકવવા પડતાં હોય છે. અને જે કઈ પણ વસ્તુઓ તમે ઉછીનાં પૈસે ખરીદો તે અંતે તમને અનેકગણું વધારે મોંઘુ પડતું હોય છે.

દેવું મહત્વકાંક્ષા અને ઈચ્છામાંથી ઉગે છે. તમારું જે દેવું છે તે તમે વધારે દેવું કરીને ન ચૂકવી શકો. આ તો પછી એક ઝેરી ચક્ર સમાન બની જાય છે. તમારા દેવાંમાંથી બહાર આવવાનો ફક્ત એકમાત્ર માર્ગ છે. અને તે એ છે કે તમારા ઘરમાં જે કઈ વેરવિખેર કે અસ્તવ્યસ્ત ચીજો છે તેને હટાવો. તમને જેની જરૂર ન હોય તે તમામ વસ્તુઓને તમારા જીવનમાંથી હટાવી દો. તમારી પાસે જે કઈ પણ હોય, તેના તરફ એક નજર કરો નાનામાં નાની વસ્તુથી લઇને સૌથી મોંઘી વસ્તુ સુધી, અને તમારી જાતને સવાલ કરો, “મને શું ખરેખર આની જરૂર છે?” તમને જેની જરૂર ન હોય તે તમામ વસ્તુને વેચી દો. અને બધું એક સાથે જ જવા દો.

તમે ધીમે ધીમે અસ્તવ્યસ્તતાંને સરખી ન કરી શકો. કાં તો તમે દૂધને ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરી નાંખો કાં તો બિલકુલ ગરમ જ ન કરો. તમે એવું ન કહેશો કે હું રોજે રોજ થોડું થોડું કરીશ. કાં તો બધું જ કાં તો પછી બિલકુલ નહિ. તમારા જીવનને સરળ બનાવી નાંખો અને તમારું જીવન એની મેળે જ સહજ બની જશે. જયારે તમને સાદા જીવનમાંથી આનંદ લેવાનો અનુભવ કરી લેશો ત્યારે તમને ભાન થઇ જશે કે ખરેખર એક ભર્યુંભર્યું જીવન જીવવા માટે તો કેટલી ઓછી વસ્તુઓની જરૂર પડતી હોય છે. અને ઘટતી જતી જરૂરિયાતોથી, તમને વધુને વધુ સ્વતંત્રતા મળતી જતી હોય છે – વ્યક્તિગત અને આર્થિક બન્ને.આમેય, આપણી પાસે અનેકગણું નૈતિક, સામાજિક અને લાગણીકીય દેવું હોય જ છે. એની ઉપર પાછું નાણાંકીય દેવું કરીને શું કામ છે? શું તમને ખરેખર તે મોંઘા મોબાઈલની, તે મોટી ગાડીની, મોટા ઘરની, તે બધા ઈલેક્ટ્રોનિક સાધનોની, આટલાં બધાં કપડાંની કે પછી તે ક્લબની મેમ્બરશીપની જરૂર છે ખરી? ખરેખર જરૂર છે?

તમારી ભૌતિક દુનિયામાં જેટલી વધારે અસ્તવ્યસ્તતાં હશે એટલો જ ભંગાર તમારા આંતરિક વિશ્વમાં ભરેલો રહેશે. આજુબાજુ નજર કરો અને મને એકપણ અપવાદ હોય તો બતાવો. જો તમારે ધ્યાનની ચિંતા કર્યા વગર શાંતિનો અનુભવ કરવો હોય, જો તમારે એક જ્ઞાની થઇ ગયા બાદ જે વસ્તુનો અનુભવ થતો હોય તેનો અનુભવ અત્યારે જ કરવો હોય તો મારું સુચન છે તમે શરૂઆત તમારા જીવનમાંથી આ અસ્તવ્યસ્તતાને દુર કરીને કરો.

જો નિર્વાણ જેવું કશું હોય, તો તે છે એક સરળ જીવન જીવવું જે મોટા ભપકાભર્યા દેખાડાથી મુક્ત હોય. જો કોઈ આર્થિક નિર્વાણ હોય તો તે છે દેવામુક્ત જીવન. આ છે ઝેન તેના સાર સ્વરૂપે – મારા તરફથી બે કોડીની કીમતમાં અને તે પણ વ્યાજમુકત.

શાંતિ.
સ્વામી


એક વિશેષ નોંધ: પ્રિય વાંચક મિત્રો, મેં થોડું ઓનલાઈન સંશોધન કરીને જોયું છે કે  હાલમાં ગુજરાતી બ્લોગ જગતમાં એવાં બ્લોગ્સ બહુ જ  ઓછાં કે નહિ જેવા છે કે જેમાં જીવન વિષયક જ્ઞાન આટલું સરળતાથી અને અસરકારક રીતે મળતું હોય, આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વામીજીનાં આ વિચારોને બને તેટલાં વધુ ને વધુ લોકો સુધી લઇ જવાની સેવા કરો. http://gujarati.omswami.com ઉપર ટ્રાફિક વધે તે માટે આપ સૌનો સહકાર જોઈએ છીએ. બનતી મદદ કરશો. - ભરતસિંહ ઝાલા.

No comments:

Post a Comment

Share