Saturday, 20 June 2015

નહિ જળ નહિ ચંદ્ર

અહી એક સુંદર બૌદ્ધ દંતકથા છે કે જે તમને શ્રદ્ધા, શરતીપણા, અને અહંમની પેલે પાર જોવામાં મદદરૂપ થશે.
એક દિવસે મને એક સ્ત્રી તરફથી એક ઈ-મેઈલ આવ્યો કે જેને મેં ગયા વર્ષે દીક્ષા આપી હતી. તે પોતે આધ્યાત્મિક ગુણોને પોતાનાં જીવનમાં ઉતારવામાં તેમજ તેને બીજા લોકો સુધી ફેલાવીને તેમને મદદ કરવા માટે અત્યંત સમર્પિત હતી. હમણાં-હમણાં જો કે તેની શ્રદ્ધા કોઈ બીજા ગુરુ તરફ જતી હતી કે જેઓ આ જગતમાં સદેહે ઉપસ્થિત નથી. તે કેટલાંક ભક્તો અને તેમના અનુભવોની વાતોથી તે ગુરુ સાથે જોડાઈ ગઈ હતી. વ્યાજબીપણે, આ બધાંથી તે આ ગુરુની શક્તિ વિશે વિચારણામાં પડી ગઈ હતી અને પછી તરત જ તે તેમની ઉપસ્થિતિને પોતાનાં જીવનમાં અનુભવવા લાગી હતી. અહી સુધીનું બધું બરાબર છે.

હાલમાં, તેને પોતાનો અનુભવ મને કહેવાની જરૂર લાગી અને તેને એ પણ કહેવું હતું કે તે હજુ પણ મારા ઉપર વિશ્વાસ રાખી રહી હતી. કે તે હજુ પણ મને પેલા ગુરુ જેટલાં જ સમાન ગણે છે અને પોતે પોતાનાં જીવનમાં બે ગુરુઓ હોવાથી ઘણી ખુશ છે. “હું હજુ પણ તમને સમર્પિત છું” તેને લખ્યું હતું. બીજા ગુરુ પાસે એક ઉત્સાહી ભક્તોનો એક સમુદાય હતો અને તેના શહેરમાં આ માટે મળવાનું એક સ્થળ પણ હતું કે જ્યાં તે જઈ શકે તેમ હતી. તે મને પૂછી રહી હતી કે શું મને આ બાબતે કોઈ વાંધો તો નથી ને.

તે કોઈ પ્રથમ વ્યક્તિ નહોતી કે જે આવાં કશામાંથી પસાર થઇ રહી હતી અને આ કોઈ આવો પ્રથમ ઈ-મેઈલ પણ નહોતો. હું એવા અનેક લોકોને મળ્યો છું કે જેઓ બીજા ગુરુ પાસેથી મારી પાસે આવ્યા હોય અને એવા પણ ઘણાં છે કે જે મને છોડીને બીજા ગુરુ પાસે જતા રહ્યાં હોય. અને કેટલાક એવાં પણ છે કે જેઓ પાસે એક થી વધુ ગુરુ છે. કોઇપણ રીતે જો એ તમારા માટે મહત્વનું હોય તો, મને તેનાં માટે કોઈ વાંધો નથી. તમારે મને કોઈ ચોક્કસ પ્રકારે જોવાની જરૂર નથી. મેં તેને શું જવાબ આપ્યો તે હું તમને કહું તે પહેલાં ચાલો હું તમને Zen Flesh, Zen Bones (1919)માંથી એક પ્રખ્યાત ઝેન દંતકથા કહું.

જયારે સાધ્વી ચિયોનો એક બૌદ્ધ મંદિરમાં રહીને બુદ્ધ ધર્મ ઉપર અભ્યાસ કરી રહી હતી ત્યારે તે ધ્યાનથી પ્રાપ્ત થતા ફળથી ઘણાં સમય સુધી વંચિત હતી.

છેલ્લે એક ચાંદનીભરી રાતે એક વાંસથી બાંધેલા વાસણમાં તે પાણી ભરીને લઇ જઈ રહી હતી. વાંસ તૂટી ગયું અને તે વાસણનું તળિયું પણ તે ક્ષણે જ તૂટી ગયું, અને એ જ ક્ષણે ચિયોનો મુક્ત થઇ ગઈ!
તેની સ્મૃતિમાં તેને એક કવિતા લખી:
એક કે બીજી રીતે મેં તે વાસણને સાચવવાની કોશિશ કરી જોઈ
પણ વાંસની પટ્ટી નબળી પડી ગઈ હતી અને તે તુટવાની અણી પર જ હતી.
અને અંતે જયારે તળિયું તૂટી પડ્યું.
હવે વાસણમાં કોઈ પાણી નહોતું!
અને હવે પાણીમાં કોઈ ચંદ્ર નહોતો!
મેં તેને લખ્યું કે સ્વામી ન તો ક્યારેય કોઈ પ્રસ્તાવ રાખે છે, ન તો કશું કોઈના પર થોપે છે કે ન તો કશાને વ્યર્થ ઠેરવે છે. મેં કહ્યું કે તે પોતે પોતાનાં હૃદયને અનુસરવા માટે પૂરી સ્વતંત્ર છે. મેં મારી જાતને ક્યારેય ગુરુ નથી કહી. હું મારી જાતને જે ચાર જણાને મેં સન્યાસના રસ્તે જવા માટે દીક્ષા આપી છે તેમના સિવાય ક્યારેય કોઈના માટે ‘ગુરુ’ તરીકે નથી ગણતો. બીજા બધાં માટે, જયારે હું તેમને દીક્ષા આપુ છું ત્યારે તે એક પ્રકારની લઘુ દીક્ષા હોય છે. એક સાચી દીક્ષા પહેલાંનું પગથિયું, હું તેમને કહું છું કે તેઓ સ્વતંત્ર છે મને તેઓ ગમે તે રીતે જોઈ શકે છે જે રીતે પણ તેમને પસંદ હોય. પરંતુ, અંતે તો તેમને પોતાનું સત્ય જાતે જ શોધવું રહ્યું. મારા રસ્તે આવતાં દીક્ષાનાં સાત સ્તરોમાં મોટાભાગનાં લોકો હજી સુધી ત્રીજા સ્તર સુધી જ પહોંચી શક્યા છે (જે સન્યાસનાં માર્ગે છે તેમના સહીત).

ત્યારબાદ, કાં તો તેઓ ઠંડા પડી જતાં હોય છે કાં તો નજીવી બાબતોમાં કે જે તેમની મુક્તિ માટે બિલકુલ અસંગત હોય છે પરંતુ તેમના અહંમ માટે ખુબ જ મહત્વની હોય છે - તેમાં પડીને ત્યાં જ ફસાઈ જતાં હોય છે. એકવાર એકજણ મારા બ્લોગ પરનાં મતથી નારાજ થઇ ગયાં, મેં કહ્યું, “મહેરબાની કરીને મને એક બ્લોગર તરીકે જ જુઓ. જે સારું લાગે તે ઉઠાવો અને જે ના સારું લાગે તેને પડતું મુકો.” જો તમે કોઈ મત બાંધી જ લીધો હશે કે પછી તમે મને તમારા કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પસંદગીની ગળણીથી ગાળવા માંગતા હોવ તો હું તમને કોઈ મદદ નહિ કરી શકું. જયારે શ્રદ્ધાની વાત આવે ત્યારે તમે તમારી વ્યક્તિગત પસંદગીઓ કરવાં માટે સ્વતંત્ર હોવાં જ જોઈએ અને કોઈ બીજા આવીને તમને એ પસંદગીઓ કઈ હોવી જોઈએ તે ન કહી જવા જોઈએ. જો તમારી માન્યતાઓ તમને વધુ જવાબદાર, વધુ દયાળુ, માયાળુ બનાવતી હોય તો એ માન્યતાઓ તમારા માટે કામ કરી રહી છે. તમારા અંતર્નાદને અનુસરો. શાંતિ અનુભવવા માટે તમારે કઈ ગ્લાની અનુભવવાની જરૂર નથી.

તમારી શ્રદ્ધા તમને જ્યાં લઇ જતી હોય ત્યાં જાવ. તમને જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જાવ. કારણકે જ્યાં ખજાનો છે ત્યાં જ તમારું હૃદય પણ હશે (Matthew 6:21).

અંતે, બધી વાત ત્યાં આવીને અટકી જાય છે – એક જુનું વાસણ. માનવ અહંમ. તમારા અહંમને તોડવો એ ખુબ જ કષ્ટદાયી હોય છે, પણ અસીમ સ્વતંત્રતાનો માર્ગ તે જ છે. એક ઈયળની જેમ તમે પણ તમારા કોશેટામાંથી પતંગિયું બનીને ઉડતાં-ઉડતાં બહાર આવી શકો છો. જો તમારા માટે પેલું વાસણ તેને ધારણ કરનાર કરતા વધારે મહત્વનું હોય તો તમારી ઉર્જાઓ ખોટા માર્ગે ખર્ચાવાની સંભાવના રહેવાની જ. આ મંદિર કે પેલું મંદિર, આ ગુરુ કે પેલાં ગુરુ, અંતિમ પૃથ્થકરણમાં તેનાંથી કોઈ ફરક પડવાનો નથી. અંતે તો તમારે કોઈપણ માર્ગ – આધ્યાત્મિક હોય કે ભૌતિક કે પછી બન્ને – ઉપર એક જવાબદારીભર્યું જીવન જીવવું જ રહ્યું.

કુદરતનાં નિયમ દરેક માટે સમાન છે. કોઇપણ ગુરુ, પછી તમે તેમને ગમે તે રીતે જોતાં હોવ, તે સફરજનનાં ઝાડ પરથી કેરી તોડીને નહિ લાવી શકે, જો તમે સમજતાં હોવ કે હું શું કહેવા માંગી રહ્યો છું. તમારુ પોતાનું જીવન એક સૌથી મોટો ચમત્કાર છે, તમે પોતે એક ચમત્કાર છો. જેવી રીતે એક મધમાખી એક સાચા ફૂલ પરથી જેમ પરાગરજ લઇને પોતાનાં પૂડામાં પાછી ફરતી હોય છે, તેમ તમે પણ તમને જ્યાંથી પણ જે જ્ઞાન મળે, પછી તે ધાર્મિક સ્રોત હોય કે સાંસ્કૃતિક સ્રોત હોય ત્યાંથી તે લઇને તમારા જ્ઞાનનાં ભંડોળમાં જમા કરતા જાવ. કોઈ પણ સ્રોતમાંથી શિક્ષણ લેવામાં કોઈ નુકશાન નથી.

એક વ્યક્તિગત અસ્તિત્વની સમજ જે તમે તમારા મગજમાં લઇને ચાલો છો તે એટલી જ અસ્થાયી છે જેટલું વાસણમાં રહેલા પાણીમાં દેખાતું ચંદ્રનું પ્રતિબિંબ. જીવનનું એક તરંગ, એક થોડું પણ હલશે કે આખું ચિત્ર વિખરાઈ જશે. જેવી રીતે અસલી ચંદ્ર કોઈ એવી વસ્તુ નથી કે જેને વાસણમાં ધારણ કરી શકાય, તેવી જ રીતે તમારી ખરી જાત કોઈ એવી ચીજ નથી કે જેને કોઈપણ ગુરુ કે કોઈપણ માન્યતા (વાંચો ધાર્મિક) દ્વારા બાંધી શકાય. એ તો જયારે તમે તમારા અનંત અસ્તિત્વને એક નાના વાસણ તરીકે મર્યાદિત બનાવી દો છો ત્યારે તમને તેમાં ઝીલતું પ્રતિબિંબ અસલી લાગવા માંડતું હોય છે.

તમે તે પાત્રને તોડી નાંખો અને અંદર રહેલું બધું પાણી બહાર ઢોળાઈ જવાનું. અને તે અવસ્થામાં તમે ખાલીપણાથી પણ પેલે પાર પહોંચી જશો. હવે કોઈ વાસણ પણ નથી કે નથી પાણી. તમે મુક્ત છો. ત્યારે આ એક વ્યક્તિગત જાગૃતતા કે જે અનંતતાની પણ પેલે પાર સુધી વિસ્તાર પામતી જાય છે અને દિવ્ય જાગૃતતાની અંદર ભળી જાય છે.

પાણી નહિ. ચંદ્ર પણ નહિ. કે પછી પાણી નહિ તો ચંદ્ર પણ નહિ. કોઈપણ રીતે, તમે સત્યની ખોજ કરી લો છો.

શાંતિ.
સ્વામીએક વિશેષ નોંધ: પ્રિય વાંચક મિત્રો, મેં થોડું ઓનલાઈન સંશોધન કરીને જોયું છે કે  હાલમાં ગુજરાતી બ્લોગ જગતમાં એવાં બ્લોગ્સ બહુ જ  ઓછાં કે નહિ જેવા છે કે જેમાં જીવન વિષયક જ્ઞાન આટલું સરળતાથી અને અસરકારક રીતે મળતું હોય, આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વામીજીનાં આ વિચારોને બને તેટલાં વધુ ને વધુ લોકો સુધી લઇ જવાની સેવા કરો. http://gujarati.omswami.com ઉપર ટ્રાફિક વધે તે માટે આપ સૌનો સહકાર જોઈએ છીએ. બનતી મદદ કરશો. - ભરતસિંહ ઝાલા.


No comments:

Post a Comment

Share