Saturday, 25 July 2015

પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો

કાળજી કરનાર હૃદય માટે પ્રેમ અનપેક્ષિત દરવાજો બિલકુલ અનપેક્ષિત સમયે ખટખટાવે છે.
મેં એકવાર એક વાક્ય વાંચ્યું હતું, “મને પ્રેમ કરો અને હું તમારા માટે પર્વતો પણ હટાવી દઈશ. અને મને નુકશાન પહોંચાડો અને હું એ જ પર્વતો તમારા માથા ઉપર પટકી દઈશ.” મને લાગે છે કે આ વાક્ય આપણા જીવનનાં બન્ને દ્રષ્ટિકોણ/અવસ્થા બતાવે છે. પ્રથમ, પ્રેમ કે તેનો અભાવ આપણને બીજા માટે (કે આપણી જાત માટે) કેવું અનુભવડાવે છે અને બીજું, આપણે પ્રેમને કેવી રીતે સ્વાનંદ ગણી લેવાની ભૂલ કરીએ છીએ. શું પ્રેમનો એવો અર્થ છે કે તમને હંમેશાં એ સંબંધમાં સુખ અને ખુશીઓ જ મળશે? જયારે આપણા મનનું ધારેલું ન થાય કે સામે વાળી વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ વર્તન ન કરે ત્યારે આપણે કુદરતી રીતે જ ચિડાઈ જતાં હોઈએ છીએ.

મને પ્રેમમાં જે દુઃખી થયા હોય તેવા અનેક લોકોનાં ઈ-મેઈલ મળે છે અને હું એવા અનેક લોકોને પણ મળ્યો છું કે જેઓ ખુબ જ દુઃખી હોય કેમ કે તેમનો સંબધ બરાબર ચાલી નથી રહ્યો હોતો. અમુક લોકો ફરીયોદો કર્યે રાખે છે તેમ છતાં પણ સહજીવન જાળવી રાખે છે, અમુક બહુ જ ઓછા લોકો એવા પણ હોય છે કે જે બધું સરખું કરી જાણે છે, અને અનેક એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં જીવનમાં શાંતિની પુન:સ્થાપના માટે એકબીજાથી છુટા પડી જતાં હોય છે. “પુરુષો માટે અમને સમજવાનું આટલું કઠીન કેમ હોય છે?” એક સમુદાય વતી એક આગળ પડતી સ્ત્રીએ મને એકવાર પૂછેલું. “અમે કોઈને પ્રેમ કરીએ અને કોઈ અમને વળતો પ્રેમ કરે, બસ આટલું જ તો અમારે જોઈતું હોય છે.”

મારે હસવું નહોતું છતાં પણ મારાથી એક ધીમું હાસ્ય થઇ ગયું. આ – પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો – બહુ સરળ લાગ્યું. અને દરેકને આજ તો જોઈતું હોય છે. થોડું કે વધારે, પરંતુ, પ્રેમ બીજું કઈ પણ હોઈ શકે છે સિવાય કે સરળ. અને આનો શું અર્થ છે – પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો? જો તમે મને પૂછો તો હું કહીશ કે તમે જેને પ્રેમ કરતાં હોય તેની સાથે હંમેશાં બે સર્પનાં સંવનનની જેમ (મને ખબર છે તે કોઈ રમણીય દ્રશ્ય નથી હોતું) એક સાસ્વતપણે આલિંગનમાં ગૂંથાયેલાં નથી રહેવાનાં. એક ઢળતી સાંજે બે લોકો હાથમાં હાથ પરોવીને દરિયા કિનારે ચાલતાં જતાં હોય તે દ્રશ્ય ખરેખર પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો તેના જેવું લાગી શકે છે. પરંતુ, મને નથી લાગતું આવું તમે રોજ કરી શકો, સિવાયકે તમે જો કોઈ લાઈફ ગાર્ડની નોકરી કરી રહ્યાં હોય.

એક કેન્ડલ લાઈટ ડીનર, કદાચ એક વેકેશન, કે ઘણું બધું ધ્યાન આપવું, સહાનુભુતિ, સમજણ, માફી, સલામતી, સહવાસ, વફાદારી, કટિબદ્ધતા અને કદર – આપણામાંના મોટાભાગના લોકો પ્રેમને આ રીતે જોતાં હોય છે. આપણામાંના ઘણાં બધાં લોકો એવું પણ માનતાં હોય છે કે પ્રેમમાં તમે હંમેશાં સલામતી અનુભવો છો, તમારી જરૂર હોય એવું અનુભવો છો, ખુશી, હુંફ, અને સંપૂર્ણતા અનુભવો છો. કે સામેની વ્યક્તિ હંમેશાં તમારો પ્યાલો ભરેલો રાખવાં માટે તૈયાર હશે. (જાણે કે તે કોઈ ખાલી પ્યાલા ભરવાની નોકરી કરતો નોકર કેમ ન હોય). આ બધું શક્ય છે જેમ કે તમે જાણો જ છો, પરંતુ બધા સમય માટે નહિ.

તમે એવા લોકોને પૂછી જુઓ કે જેઓ દસકાઓ સુધી સાથે રહ્યાં હોય અને તેઓ તમને કહેશે કે તેઓ પ્રેમને આ રીતે નથી જોતાં. જે લોકોએ જીવનનાં રહસ્યને જાણી લીધા છે, જેઓ ખુશ છે તેમને જઈને પૂછો, અને તે તમને કહેશે કે પ્રેમ આ બધી વસ્તુ નથી. પ્રેમ આવો ક્યારેય નથી હોતો. કોઈએ પણ પ્રેમમાં “હંમેશાં” જેવો શબ્દ નથી જોયો. કારણકે, મોટાભાગે તમે પ્રેમને જેવી રીતે જોતાં હોય તેવું સામેની વ્યક્તિ પણ તેવું જ જોતી હોય તેવું નથી હોતું. તેમની પ્રેમ કરવાની વ્યાખ્યા તમારી વ્યાખ્યા કરતાં જુદી હોઈ શકે છે. અને, સાચા પ્રેમમાં વિવિધતાને સામંજસ્યતાપૂર્વક સમાવી લેવાની વાત હોય છે. પ્રેમમાં તફાવતોમાં સમાનતા શોધી કાઢવાની વાત આવે છે. પ્રેમમાં તમારા હૃદયના ધબકારાઓનો તાલમેળ બેસાડવાનો છે જેથી કરીને તમે બન્ને એકબીજાની અસમાનતાઓ સાથે આરામથી રહી શકો. આ પરસ્પરની સુસંગત સમજણ વગર, પ્રેમ કરવાની અને વળતો પ્રેમ મેળવવાની બાબત એ ફક્ત પ્રેમનો એક વિચાર અને અવાસ્તવિક વ્યાખ્યા બનીને જ રહી જાય છે.

પ્રેમ એ સામેની વ્યક્તિને બદલવાની વાત નથી પરંતુ તમારા જીવનમાં એ વ્યક્તિના આગમનથી આવતાં બદલાવને સ્વીકારવાની વાત છે. પ્રેમ એ ક્યારેય કોશિશ પણ નથી કરતો હોતો કે સામે વાળી વ્યક્તિને એવી બનાવે કે તે પણ તમે જે ઈચ્છો તે જ ઈચ્છતી થઇ જાય. આવી વાત માલિકીભાવ અને અહંકારમાં આવતી હોય છે, પ્રેમમાં નહિ.

પ્રેમ કરવો એટલે સામેવાળી વ્યક્તિને શું જોઈએ છે તે શોધી કાઢવું, તે જે બાબતનું સન્માન કરતી હોય તેનું સન્માન કરવું, તે જેની કાળજી કરતુ હોય તેની કાળજી કરવી, કારણકે તે એક સમજણ દર્શાવે છે, એક સન્માન બતાવે છે. આ પ્રેમ છે. તમારે જે રીતે બીજાને પ્રેમ કરવાની ઈચ્છા હોય તે રીતે પ્રેમ કરવો તે કઈ પ્રેમ નથી. સત્ય તો એ છે કે પ્રેમ તેને કહેવાય કે જેમાં સામેની વ્યક્તિને એ રીતે પ્રેમ કરવો જેવી રીતે તે ઇચ્છતી હોય કે તેની જોડે પ્રેમ થાય. તમને જેમ પ્રેમ કરાતો હોય તેવી રીતે જો તમે તેને પ્રેમ કરતાં રહો તો તમે કદાચ તેને પ્રેમ નથી કરી રહ્યાં. તમે ફક્ત તમારી પસંદગી અને તમારા દ્રષ્ટિકોણ મુજબ તેને પ્રેમ આપી રહ્યાં છો. જો તમને વળતો પ્રેમ મળે તેમ ઇચ્છતાં હોવ તો પ્રથમ તમે પ્રેમ કરતાં શીખો.

સાશ્વત ચાલતાં સબંધનો પાયો એક મૂળભૂત સવાલ ઉપર ટકેલો છે જે બન્ને લોકો એકબીજાને પૂછતાં હોય છે: “તારા માટે શું મહત્વનું છે?” એક વખત તમે એ શોધી કાઢો કે સામે વાળી વ્યક્તિ માટે શેનું મહત્વ છે અને તમે તેની કાળજી કરવાં માંડો, તો તમે તેને “પ્રેમ” કરી રહ્યાં છો. શાંતિ, સન્માન, સુસંગતતા આવા સંબંધમાંથી કુદરતી રીતે જ ઉગી ઉઠતાં હોય છે.

હું તને પ્રેમ કરું છું એમ કહેવાંનો કોઈ અર્થ નથી જો તમને એ ખબર જ ન હોય કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તે વ્યક્તિ માટે બીજી કઈ બાબતોનું મહત્વનું છે. જો તમે એ શોધી કાઢવાની પરવાહ ન કરી હોય કે પછી જે તેના માટે મહત્વનું હોય તે જો તમે તેને ન આપી શકતાં હોવ તો તમે આકર્ષણને પ્રેમ માની લેવાની ભૂલ કરી રહ્યાં છો. તેમાં તો પછી હું તમને પ્રેમ કરું છું એ વાત જ નથી આવતી. એના બદલે, મારે તું જોઈએ છે એ વાત આવે છે. મને તું જોઈએ છે કારણકે તું મારી અમુક જરૂરિયાતોને સંતોષે છે. આ કોઈ પ્રેમ નથી પરંતુ પ્રેમનો ભ્રમ છે. આવાં સંબંધો કે જેમાં કોઈ એક સાથી પોતાની મનમાની મુજબ વર્તતું હોય કેમ કે તે તેમ કરી શકે તેમ હોય છે, તે બહુ ખતરનાક રીતે અસ્થિર, ઝેરી, અને બોજ સમાન સાબિત થાય છે.

જયારે તમે સામે વાળી વ્યક્તિને તેની રીતે પ્રેમ કરો છો ત્યારે તમે તેને ખુશી, આનંદ અને એક સલામતીની ભાવનાથી ભરી દો છો. અને ત્યારબાદ કઈક અદ્દભુત ઘટના ઘટે છે. તમે જેને જેનાંથી ભરી દીધા હોય, તે જ વસ્તુ તેમનાં તરફથી વહીને પાછી તમને મળે છે. આ પ્રેમનો માર્ગ છે. જો તમે ખરેખર પ્રેમ કરતાં હશો, તો તમને વળતો પ્રેમ મળશે જ. શરત ફક્ત એટલી જ છે કે પ્રેમની શરત સંતોષવાની છે. અને તે છે, પ્રેમ કરવો એટલે સામે વાળી વ્યક્તિની એવી રીતે કાળજી કરવી જેવી રીતે તે ઇચ્છતી હોય. તેમને જો સ્પગેટી ભાવતી હોય અને તમે તેમને કોઈ એશિયન રેસ્ટોરન્ટમાં નુડલ્સ ખાવા માટે લઇ જાવ, તો તે પ્રેમ નથી.

તમારા પ્રેમનું ખાતું વૈશ્વિક છે, તે ફક્ત તમે જેને પ્રેમ કરી રહ્યાં હોય તેમની સાથે જ જોડાયેલું નથી, પરંતુ સર્જનમાં રહેલી દરેક વ્યક્તિની સાથે જોડાયેલું હોય છે. જયારે તમે પ્રેમમય જીવન માટે કટિબદ્ધ હોવ તો કુદરત તમને પ્રેમથી ભરી દેશે. તમને વળતો પ્રેમ પણ મળશે. બીજો કોઈ માર્ગ નથી. અને ત્યારબાદ, કોઈ વખત પ્રેમ તમને જેની અપેક્ષા પણ નહી હોય તેવી જગ્યાએથી પણ મળતો જશે. મને એક ટુચકો યાદ આવી ગયો કે જે મને કોઈએ થોડા વખત પહેલાં ઈ-મેઈલ કર્યો હતો. શબ્દશ: રજુ કરું છું:

“મારી દાદીએ મને કહ્યું કે તે કેવી રીતે મારા દાદાને પરણ્યા હતા. તે તેમનાં વીસમાં વર્ષમાં હતા, અને પોતે જે પુરુષની સાથે પ્રેમ કરતાં હતાં તે યુદ્ધ લડવા માટે ગયો હતો.
“અમે પ્રેમમાં હતા,” દાદીએ યાદ કરતાં કહ્યું, “અને, એકબીજાને દર અઠવાડિયે પત્ર લખતાં હતાં. આ એ સમય હતો કે જે દરમ્યાન મને કે ખબર પડી ગઈ હતી કે તારા દાદા કેટલાં અદ્દભુત હતા.”
“જયારે દાદા યુદ્ધમાંથી પાછા આવ્યા ત્યારે તમે તેમની સાથે લગન કર્યા?” મેં પૂછ્યું.
“ના, હું જેને પત્રો લખતી હતી તેની સાથે મેં લગન નહોતા કર્યા. તારા દાદા તો તે ટપાલી હતાં.”

આશા રાખું છું, કે તમારો પ્રેમ આવી રીતે ફંટાઈને ન આવે. પરંતુ ફરીવાર કહું કે પ્રેમ એ એક વિચિત્ર મુલાકાતી છે કે જે અણધાર્યા દરવાજાને બિલકુલ અણધાર્યા સમયે ખટખટાવે છે.

ચાલો હું તમને ફરીથી પૂછું: શું પ્રેમનો અર્થ એ છે કે તમે હંમેશાં સંબંધમાં ખુશ રહેશો? ના. પ્રેમનો અર્થ છે તમે તમારા આનંદ અને દુઃખોને એકબીજા સાથે વહેચો, અને તમે એકબીજા સાથે રહીને વિકાસ પામો અને પ્રેમની સાથે જે કઈ પણ નબળાઈઓ આવે છે તેનો સ્વીકાર કરો. તમને અમુક સમયે દર્દ પણ થશે, તમે દુઃખી પણ થશો કોઈ વખત. પરંતુ જ્યાં સુધી તમે સામે વાળી વ્યક્તિની કાળજી કરો છો ત્યાં સુધી તમે હજી પણ પ્રેમમાં છો.

જો તમે કોઈને પ્રેમ કરવા માટે અને વળતો પ્રેમ મેળવવા માટે ઝૂરતા હોવ તો પછી તમે જેને પ્રેમ કરતાં હોવ તેને એક સવાલ પૂછીને શરૂઆત કરો, “તારા માટે શું મહત્વનું છે?” ત્યારબાદ, સામેવાળી વ્યક્તિને સાંભળો અને તેની વાત પ્રત્યે બરાબર ધ્યાન આપો. અને તે પ્રમાણે તમારા વિચાર, વાણી અને વર્તનમાં એકસુત્રતા લાવો. અને પછી વળતો પ્રેમ મળે તેની રાહ જુઓ. તમને વળતો પ્રેમ મળશે. કારણકે, પ્રેમ ફક્ત એક જ વસ્તુને આકર્ષી શકતો હોય છે અને તે છે પ્રેમ. તમે સામેવાળી વ્યક્તિને એ રીતે પ્રેમ કરો જે રીતે તે ઇચ્છતી હોય તેને પોતાને કોઈ પ્રેમ કરે, અને તમને એ રીતે પ્રેમ કરવામાં આવશે જે રીતે તમને પ્રેમ મળે તેનું તમે સ્વપ્ન જોતાં હોવ. તમે જેમ પ્રેમ કરવાનું ચાલુ રાખો, તમારા પોતાનાં સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાઓ સમયની સાથે બદલાતાં જશે. આ નવો બદલાવ તમને વધારે સારી રીતે એવી જગ્યાએ ગોઠવશે કે જ્યાંથી તમારા ઉપર કૃપા અને પ્રેમ સતત વરસતા રહે. ધીરજ રાખજો જો કે.

પ્રેમ એ તમારી ચેતનાનાં અરીસામાં તમારું પોતાનું જ પ્રતિબિંબ છે. તમે તેના તરફ એક ડગલું ભરો અને તે બે ડગલાં તમારી તરફ ભરશે. તમે તેનાંથી એક ડગલું દુર જાવ અને અને તે બે ડગલાં દુર ચાલ્યું જશે તમારાથી. તમે સ્થિર ઉભા રહો અને તે પણ સ્થિર ઉભું રહેશે. કોઈ પણ કિંમતે, સોદો તમારા ઉપર જ આધાર રાખે છે.

એ રીતે પ્રેમ કરો કે તમે તમારી જાતને જ જાણે ખોઈ દીધી હોય. આ જ ખોટમાં તમે પ્રેમમાં જે  પણ મહત્વનું હશે તેનો લાભ મેળવશો. વધુમાં, ખોટમાં કે નફામાં, કોઈપણ રીતે, તમે એક વ્યક્તિ તરીકે વિકાસ પામશો – આધ્યાત્મિક દ્રષ્ટીએ અને લાગણીકીય દ્રષ્ટીએ પણ. આ કરવા જેવું છે.

શાંતિ.
સ્વામી

Saturday, 18 July 2015

આખરે કેટલું પુરતું હોય છે?

અવિચારી તલાશની નિરર્થકતા ઉપરની અહિ એલેકઝાન્ડર ધ ગ્રેટનાં જીવનની એક સુંદર વાર્તા છે.
એવી દંતકથા છે કે ગ્રીસનો એલેકઝાન્ડર ત્રીજો, કે જે સામાન્ય રીતે એલેકઝાન્ડર ધ ગ્રેટ તરીકે પ્રખ્યાત છે તેને પોતાના એક સંદેશ વાહકને પોતાનો સંદેશ લઈને એક શાંત યોગી દંડીની પાસે ફિલસુફીના પ્રવચન અને ચર્ચા માટે આમંત્રણ આપવા મોકલ્યો. અસંખ્ય લોકોનાં જીવ લઈને દુનિયા આખીને જીતી લઇને તે પોતાની સત્તા વધારવામાં ખુબ જ ઝડપથી પ્રગતી કરી રહ્યો હતો. તેને આ યોગી વિશે ખુબ સાંભળ્યું હતું. દંડીનીએ તો જો કે તેનાં આમંત્રણનો અસ્વીકાર કર્યો અને તેઓ પોતાની જંગલમાં આવેલી ઝુપડીમાં જ રહેવાનું પસંદ કર્યું. એલેકઝાન્ડરે આ વાતને જો કે હળવાશથી ન લીધી, પરંતુ પોતે વિદ્વાન એરીસ્ટૉટલનો વિધાર્થી હોવાથી તે ખુબ સારી રીતે એ વાત જાણતો હતો કે યોગીઓ અને તત્વચિંતકો કશાથી પણ લલચાતાં કે ડરતાં હોતાં નથી.

તેને પોતાના એક કુશળ નાવિકને દંડીનીને બોલાવવા માટે ફરી એકવાર મોકલે છે અને તે ત્યાં જઈને યોગીનાં ખુબ વખાણ કરે છે અને તેમને ભેટ-સોગાદો આપે છે. તો પણ દંડીની પોતે તૈયાર થતાં નથી ત્યારે પેલો નાવિક તેમને ધમકી આપે છે કે એલેકઝાન્ડરે કહ્યું છે કે તેનો હુકમ ન માનનારનું માથું તેના ધડ ઉપરથી દુર કરી દેવું. દંડીનીએ તમામ ભેટસોગાદોનો અસ્વીકાર કર્યો અને પોતાની જગ્યાએ હલ્યા વગર બેસી રહ્યાં, અને કહ્યું કે પોતાને મૃત્યુનો કોઈ ભય નથી. પેલા નાવિકની આ યોગીને મારી નાંખવાની હિંમત ન ચાલી, તેના બદલે તે પોતે તે યોગીને નમસ્કાર કરીને પાછો ફર્યો અને જે કઈ પણ બન્યું તેની તેને એલેકઝાન્ડરને જાણ કરી.

એક જંગલમાં રહેનાર વ્યક્તિ તરફથી પોતાનો તિરસ્કાર થતો જોઈને, એલેકઝાન્ડરે નક્કી કર્યું કે પોતે આ દંડીનીને પાઠ ભણાવીને જ રહેશે.

જેવો એ પોતાનાં સૈન્યની એક ટુકડી લઈને જંગલમાંથી કુચ કરતો દંડીનીને મળવા જઈ રહ્યો હતો ત્યારે ઊંડા જંગલમાં ચાલતાં-ચાલતાં તેને એક શાંતિનો ભાવ સ્પર્શી ગયો. જયારે તેને દંડીનીની આરપાર વીંધી નાખતી નજરમાં આંખ નાખીને જોયું ત્યારે તેનો ક્રોધ બિલકુલ શમી ગયો. પરંતુ જયારે આ સાધુ તેને સત્કારવા માટે ઉભા પણ ન થયા ત્યારે તેને પાછો ક્રોધ ચડ્યો.

“મારી ભેટ-સોગાદોનો અસ્વીકાર કરવાની તમારી હિંમત કેમ થઇ?” એલેકઝાન્ડરે કઠોરતાથી પૂછ્યું.
“તે લોહીમાં રગદોળાયેલી હતી.”

દંડીનીનાં અવાજમાં કઈક હતું, એક ઠંડુ સત્ય, એક નિર્ભયતા કે જેણે એલેકઝાન્ડરને અંદરથી હલાવી દીધો. તેમ છતાં પોતે પોતાની અંદરની ભાવના પોતાનાં અવાજમાં પોતાનાંજ સૈનિકોની સામે છતી થઇ જાય તેના માટે તૈયાર નહોતો. એલેકઝાન્ડર પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો અને આ સાધુ કે જે શાંતિથી બેઠાં હતા તેમની સામે પહાડની જેમ ઉભો રહ્યો.

“તમને ખબર છે હું કોણ છું?” એલેકઝાન્ડરે પૂછ્યું.
“મને નથી લાગતું કે તને ખબર હોય કે તું કોણ છે.”

યોગીના આ રહસ્યમય જવાબથી એલેકઝાન્ડરનો ગુસ્સો ઓર વધી ગયો અને તેને તેમાં પોતાનું અપમાન લાગ્યું. પોતાની ચળકતી તલવાર બહાર કાઢી અને હવામાં વીંઝીને દંડીનીની ગરદન પર મૂકી.

“હું વિશ્વવિજેતા એલેકઝાન્ડર છું,” તેને ગર્જના કરતાં કહ્યું. “તું મારી જમીન ઉપર બેઠો છું. મારે તાબે થા નહિ તો હું તને મોતને ઘાટ-“
“તારી જમીન?” દંડીની તેની વાત અધવચ્ચેથી જ કાપી નાંખીને હસતાં હસતાં બોલ્યા. “જમીન કોઈની નથી હોતી, ઓ રાજવી!”
“તારી પહેલા પણ બીજા હતાં જે આ જમીનને પોતાની કહેતાં હતાં,” તેમને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું. “તારા પછી પણ બીજા હશે કે જે આ જમીનને પોતાની કહેશે. દરેક સર્જન ફક્ત સર્જનહારનું જ હોય છે, એલેકઝાન્ડર. અને કોઈપણને એ વિનાશ કરવાનો હક નથી હોતો કે જેનું તેને પોતે જાતે સર્જન ન કર્યું હોય. તારા હાથમાં લોહી છે, ઓ સમ્રાટ. તું કદાચ અસ્થાયી સમય માટે આ જમીન ઉપર તારો દાવો કરી શકે છે, પરંતુ તારી આત્મા પર તો કાયમી ઘાવ થઇને પડ્યા છે.”

એલેકઝાન્ડરે પોતાની તલવાર નીચી કરી પોતાનું વલણ હિચકિચાહટ સાથે સરખું કરતાં કહ્યું. પોતાનાં માણસોને દુર ઉભા રહેવાનું કહ્યું. પોતે પોતાનું ગળું ખોખરો ખાતા સાફ કર્યું.

“આખી દુનિયા મારી છે, દંડીની,” એલેકઝાન્ડર વિસ્મયતા પૂર્વક કહ્યું. “ઈતિહાસ મને એક શક્તિશાળી સમ્રાટ તરીકે યાદ કરશે! મારા માણસો મારા માટે મરવા પણ તૈયાર છે!”
“તારી મહત્વકાંક્ષા અને લોકોનાં યાદ કરવાની બાબતનું શું મહત્વ છે, ઓ રાજવી? તું તો રોજ સાંજે મદિરામાં ડૂબી જતો હોય છે, કે જેથી કરીને તું તારા કરેલા પાપો ભૂલી જાય. અને આ માણસો કે જે આજે તારી આસપાસ ફરી રહ્યાં છે, તેઓ ખરેખર તો તારાથી હવે થાકી ગયાં છે. તે બહુ જલ્દી તારો સાથ છોડી દેશે.”
“વધુમાં,” દંડીનીએ આગળ બોલતાં કહ્યું, “તું આ દુનિયાનું શું કરીશ? તારે તો ફક્ત બે વાર જમીનની જ જરૂર છે. બે વાર લાંબી અને બે વાર ઊંડી. અંતે તો એટલી જ જમીન તારા નામે થવાની છે.”

એલેકઝાન્ડર અંદરથી એકદમ હલી ગયો અને તેને પોતાની તલવાર પાછી મૂકી દીધી, પોતે દંડીનીની સામે ઝૂકતો હોય તેવી રીતે થોડું મસ્તક હલાવીને ત્યાંથી તરત ચાલતો થયો.

થોડાંક મહિનાઓ જ પસાર થયાં હશે અને તેના લશ્કરે વિદ્રોહ કર્યો અને તેના ભારત પરનાં અભિયાનનો અચાનક અંત આવી ગયો. ત્રણ વર્ષ પછી, એલેકઝાન્ડર બેબીલોનની અંદર ૩૩ વર્ષની ઉંમરે મૃત્યું પામ્યો.

જો કે એવું લાગશે, પણ મારું આજનું ધ્યેય એલેકઝાન્ડર અને તેનાં વિશ્વ અભિયાન ઉપર નથી. તેના બદલે મારું કેન્દ્રબિંદુ તો તમે અને હું અને આપણા વિજયો ઉપર છે. માનવજીવનનો કુલ સરવાળો શું હોય છે? શું આપણે બસ કાયમી છેતરામણા અને વિસ્તરતા જતા ધ્યેયો માટે બસ કામ જ કરતાં રહેવાનું છે? હું આ અલંકારયુક્ત ભાષામાં કહી રહ્યો છું. સાથે સાથે જો કે હું એ પણ માનું છું કે સતત કાર્યક્ષમ અને સતત પ્રગતિશીલ બની રહેવાનાં આપણા સતત ચાલતાં પ્રયત્નોમાં આપણે જીવનની એક સુંદર બાજુ તરફ દ્રષ્ટી કરવાનું જ ભૂલી જઈએ છીએ – અને તે છે તેની સાદગી.

સાદું અને સરળ જીવન એ સુદંર જીવન હોય છે. આ મારો મત છે. એક વારનું સારું જમણ, હાસ્યની બે ક્ષણો, પ્રેમનો એક ઈશારો, ભલાઈનું એક કામ, જીવન બસ આ જ છે, સરળતા પણ આ જ છે. કોઈપણ સંબંધમાં કે પછી તમે જયારે એકલાં હોય ત્યારે, તે આ નાનાં ઈશારાઓ હોય છે, આ સરળ ક્ષણો હોય છે કે જે તમને સંપૂર્ણ હોવાનો, તૃપ્ત હોવાનો અનુભવ કરાવે છે.

અને, સહજતામાં જરૂર પડતી હોય છે જાગૃતતાની અને કટિબદ્ધતાની કારણકે સાધનો અને બીજા યંત્રોથી બનેલાં આપણા જીવનમાં કચરો ભરવો બહુ સહેલો હોય છે. બહુ વધારે પડતાં સંકળાઈ ગયેલા વિશ્વમાં આપણા જીવનને વધારે જટિલ બનાવવું બહુ સરળ થઇ ગયું છે.  પોતપોતાનાં વિશ્વનાં એલેકઝાન્ડર, એવા આપણે ભૌતિક વસ્તુઓની માલિકી માટેની અનંત દોટમાં લાગી ગયેલાં છીએ. હું એવું બિલકુલ નથી કહી રહ્યો કે તમે તમારી જાતને તમારી સંપત્તિથી દુર કરી દો કે પછી તમે ભૌતિક વિકાસ માટે કોઈ કામના ન રાખો.

સાદગી દ્વારા હું તો એમ સૂચવવા માંગું છું કે તમે તમારા જીવનની જરૂરિયાતોની ગણતરીઓ સજાગપણે કરતાં રહો. તમે ક્યાં છો અને તમે ક્યાં જવા માંગો છો? તમારા માટે શેનું મહત્વ છે? તમે ખરેખર જીવી રહ્યાં છો કે પછી બસ ખેંચી રહ્યાં છો?

જયારે એક વખત તમે તમારું જીવન સાદું બનાવી નાંખશો ત્યારે તમારા જીવનનો દ્રષ્ટિકોણ અને તમારી સફળતાનાં માપદંડોમાં ખુબ જ મોટો મૂળભૂત ફરક આવી જશે. હકીકતમાં, જીવનની સાદગી એ કોઈ નિર્જન પ્રસંગ નથી, એ તો એની પોતાની રીતે જીતાયેલી દુનિયા છે. એક પ્યાલો ભરેલું જળ પુરતું છે કે નહિ તે જેટલું પાણીનાં જથ્થા ઉપર આધારિત છે તેટલું જ તરસ ઉપર પણ છે. જો તમે તરસ્યાં નહિ હોવ તો, થોડું પાણી પણ પુરતું છે અને જો તમારો આત્મા જ શુષ્ક હશે, તો આખો સમુદ્ર પણ પુરતો નથી.

કેટલું હોવું એ પુરતું છે, આખરે? એક સંતોષી હૃદય માટે, તે હંમેશાં પુરતું હોય છે. કુદરતનું પણ એવું જ છે – ભરપુર, પ્રચુર અને પુરતું. કાયમ.

શાંતિ.
સ્વામી

મહત્વની નોંધ: મને એ જણાવતાં અત્યંત ખુશી થાય છે કે મારું તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ઉપરનાં પુસ્તકની છપાયેલી પ્રત હવે ભારતમાં ઉપલબ્ધ છે. તમે Amazon ઉપર તેમજ Flipkart ઉપર તમારી પ્રત ખરીદી શકો છો. હું હાર્પર કોલીન્સનો આ માટે આભારી છું. બહુ જલ્દી, આ પુસ્તકની પ્રત હવે દુનિયાભરમાં પણ ઉપલબ્ધ થશે. તમે આ પુસ્તક વિશેનાં મત અહી વાંચી શકો છો.(ગુજરાતી બ્લોગની કાયાપલટ ટૂંક સમયમાં કરવામાં આવશે. વધુ માહિતી માટે અહી જોડાયેલાં રહેશો.)

Saturday, 11 July 2015

જીવનનો કોયડો

કોઈ વખત તમારે ફક્ત જીવનનો કોયડો ઉલટો કરીને જોવાનું છે અને તમને ત્યાં એક સુંદર ચિત્ર બનેલું દેખાશે.
એક દિવસે, ધ્યાનની શિબિરમાં, એક સ્ત્રીએ મને કહ્યું કે તેની પાસે જોઈતી લગભગ દરેક ચીજવસ્તુ છે, અને છતાં પણ તે ખુશ નથી. તે વર્ષોથી પોતાના જીવનમાં રહેલાં ખાલીપા સાથે લડતી આવી છે અને છતાં પણ હજી સુધી તેમાંથી બહાર આવી શકી નથી. તેણે કહ્યું કે પોતે ધ્યાન અને બીજું બધું પણ કરીને જોયું છે પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી.

“એક ખાલીપો સતત છે અને હું મારા જીવનમાં ખુશ નથી,” તેણે કહ્યું. “મારા કુટુંબમાં દરેકજણ સારા છે અને મારે કોઈ આર્થિક સમસ્યા પણ નથી, પણ બસ મને એવું લાગ્યા કરે છે કે હું અહી કોઈની સાથે સંબંધિત નથી. મને ખબર નથી પડતી કે હું મારા આ દુઃખમાંથી કેવી રીતે બહાર આવું. મને ખબર પણ નથી પડતી કે હું મારી જાતને કેવી રીતે વ્યક્ત કરું, હું ખુશ પણ છું અને નાખુશ પણ. જીવન એક અર્થહીન કવાયત જેવું ભાસે છે. મોટાભાગનાં દિવસોમાં હું નકારાત્મક અને ખુબ જ હતાશા અનુભવું છું.”

“જયારે આપણું પેટ ભરાયેલું હોય ત્યારે આપણને કુદરતીપણે જ મીઠું (ડીઝર્ટ) ખાવાનું મન થાય છે,” મેં કહ્યું. “માનવ મગજનું એક અંતર્ગત વલણ હોય છે નકારાત્મક વિચાર કર્યા કરવાનું. અને, જીવને તમને બધું જ આપી દઈને તમારી મુશ્કેલીઓને હરાવીને એક વિજયની લાગણી અનુભવવાથી વંચિત રાખી દીધાં છે.”

“મને માફ કરજો?” તેને વિસ્મય પામતાં કહ્યું. “તમે એમ કહો છો કે હું એટલાં માટે દુઃખી છું કેમ કે મારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી?”
“ચિંતા નહિ,” મેં જવાબ આપતાં કહ્યું. “કાળજી. તમારી પાસે કશાની કાળજી કરવાને માટે કશું જ નથી. કોઈ ધ્યેય શોધો, કોઈ કારણ કે જે તમારી જાત કરતાં પણ મોટું હોય અને જેથી કરીને તમારી પાસે કાળજી કરવા માટે કશુંક હોય, જીવવા અને વિકાસ કરવાં માટે કશું હોય.”

પછી મેં તેને એક વાર્તા કહી, આ રહી તે:

એક પિતા દરરોજ સાંજે કામ પરથી પાછો આવીને પોતાનાં પુત્ર સાથે રમતો. એક વખતે તેને કોઈ અગત્યનાં કામનો એક પત્ર આપવાનો હતો. તે પોતે જાણતો હતો કે તેને પોતાનાં પુત્રને કોઈ કામમાં મશગુલ રાખવો પડશે કે જેથી કરીને પોતે પોતાનાં કામમાં ધ્યાન આપી શકે. જયારે પોતે તેનાં માટેનાં કોઈ ઉપાયનો વિચાર કરતો હતો, ત્યારે તેની નજરે છાપાંમા આવેલી એટલાસ કંપનીની એક મોટી જાહેરાત કે જેમાં દુનિયાનો નકશો હતો તે ધ્યાનમાં આવ્યું.

તેને ખુબ જ કાળજીપૂર્વક તે નકશાને અનેક માપનાં ટુકડાઓમાં કાપીને પોતાનાં પુત્રને આપતાં કહ્યું.

“જો આ દુનિયાનાં નકશા વાળું ઝીગ્સો પઝલ છે,” તેને કહ્યું. “તું આ ટુકડાં ભેગા કરીને પાછો નકશો બનાવી દે તો તે પછી આપણે બન્ને સાથે રમીશું.”

તેને લાગ્યું કે આનાંથી તે નાનું બાળક ચોક્કસ અમુક કલાકો સુધી વ્યસ્ત રહેશે. જો કે પેલો છોકરો તો અડધા કલાકમાં જ પાછો આવીને બોલ્યો કે કોયડો સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે.

“કેવી રીતે?” પિતાએ કહ્યું. “માન્યામાં ન આવે એવી વાત છે આ તો!”
એ તો એકદમ સહેલું હતું, પપ્પા,” પુત્રે જવાબ આપતાં કહ્યું, “જયારે મેં દુનિયાનાં નકશા વાળા કોયડાને સુલઝાવવાની કોશીશ કરી જોઈ ત્યારે તે એકદમ કંટાળાજનક લાગતું હતું. પણ, પછી મેં જોયું કે તેની પાછળ એક ચિત્ર હતું. મેં તે ચિત્રને પૂરું કરવાની કોશીશ કરી અને દુનિયાનો નકશો આપોઆપ બની ગયો.”

કોઈ વખતે બસ એટલું જ કરવાનું હોય છે – ઉલટું કરીને જુઓ.

આપણે જીવનનો નકશો ભેગો કરવામાં લાગેલા છીએ. આપણે બસ બધું જાણી લેવું હોય છે, પરંતુ તે કોઈ બગીચામાં લટાર મારવા જેવું સરળ નથી હોતું. ખાસ એટલાં માટે કે એમાં (જીવનમાં) કઈ બહુ જાણી લેવા જેવું છે નહિ અને જીવનનો અર્થ પામવાનું કાર્ય એકદમ કંટાળાજનક છે. દુનિયાનાં નકશાને ભેગો કરવામાં કોઈ રમુજ નહિ મળે જો તમને ભૂગોળમાં કે કોયડા ઉકેલવામાં કોઈ રસ નહિ હોય તો. રસ જાળવી રાખવા માટે આપણી પાસે કઈક એવું હોવું જોઈએ કે જેની આપણે કાળજી કરતાં હોઈએ.

જે ક્ષણે તમને કઈક એવું મળી જશે કે જે તમને પ્રેરણા આપતું થશે ત્યારે જીવન આપોઆપ એક કંટાળાજનક નકશામાંથી એક સુંદર ચિત્રમાં પરિવર્તિત થઇ જશે. તે તુરંત તેની ઉત્સાહ પમાડે તેવી અને રસપ્રદ બાજુ પ્રદર્શિત કરશે. માર્ટીન લ્યુથર કિંગે આ વાત બહુ સુંદર રીતે કહી છે, “જયારે આપણે મહત્વની વસ્તુઓ માટે ચુપ થઇ જઈશું ત્યારે જીવન અસ્તિત્વનાં અંતની શરૂઆત થઇ જશે.”

તમે જીવનની સફરમાં ગમે ત્યાં કેમ ન હોવ, તમારી ઉત્તેજના માટે કઈક નવું શોધવાં જેવું કાયમ ત્યાં કશુક હોય છે જ. દુનિયાનાં નકશાને જોડવાની કોશિશ ન કરો. તેનાં બદલે, તમારા સુંદર જીવનનાં ચિત્રનાં ટુકડાને ભેગા કરવાની કોશિશ કરી જુઓ અને બાકીનું બધું એની જગ્યાએ આપોઆપ ગોઠવાઈ જશે. એવું કશુક શોધો કે જેની કાળજી તમે કરી શકો. અને, જો તમારી પાસે કોઈ હેતુ ન હોય કે જે તમને હલાવી શકે, એક એવું ચિત્ર કે જે તમને આકર્ષી શકે તો તેનો અર્થ છે તમે દ્રઢતાપૂર્વક ઈમાનદારીથી નથી શોધી રહ્યાં. કોઈપણ વ્યક્તિ હેતુ લઇને જન્મતી નથી હોતી, દરેકજણ તેમનો હેતુ શોધી કાઢતાં હોય છે. અર્થ વગરનું જીવન એ એક કંટાળાજનક અને દુઃખી જીવન હોય છે.

પેટનાં દુઃખાવાની ફરિયાદ લઇને એક સ્ત્રી એક દાકતર પાસે જાય છે. થોડી તપાસ કર્યા પછી દાક્તરે તેને કહ્યું કે તેને કોઈ જીવલેણ બીમારી લાગુ પડી છે અને તેની પાસે ફક્ત ત્રણ મહિના જીવવા માટે બચ્યાં છે.

“હું કશું કરી શકું તેમ નથી દાકતર?” તેને અત્યંત ચિંતા પૂર્વક પૂછ્યું. “મારે ખરેખર ત્રણ મહિનાથી વધુ જીવવું છે.”
“તારા લગ્ન થઇ ગયેલાં છે?”
“ના”
“તો પછી કોઈ ફિલસૂફ વ્યક્તિને પસંદ કરીને પરણી જા”
“ખરેખર?” તેને આશા સાથે પૂછ્યું. “તેનાંથી હું વધારે જીવી શકીશ?”
“ના એવું તો નહિ,” દાક્તરે જવાબ આપતાં કહ્યું, “પણ એનાંથી જીવન તને ઘણું લાંબુ લાગશે.”

જીવનની ઘડિયાળ દરેક માટે એક સરખી ઝડપથી જ ટીક-ટીક કરી રહી છે. તેમ છતાં, નવાઈ લાગે તેવી રીતે તે દરેકજણ માટે અલગ અલગ ગતિ પકડતી હોય તેવું લાગે છે. આપણામાંના અમુક લોકો કોઈ સનસનીખેજ ચલચિત્ર જોતાં હોય તેવું લાગે છે, પૂરી તલ્લીનતા સાથે તેઓ તેમાં ડૂબેલાં હોય તેવું લાગે છે, હર પળને તેઓ માણતાં હોય છે. અને બાકીના અમુક જણા હવામાન સમાચાર સાંભળતા હોય તેવું લાગે છે – નીરસ અને નિરાશાજનક, તેમાં કોઈ ઉત્તેજના જ નથી હોતી. તમારે કઈ ચેનલ જોવી તે બિલકુલ તમારા હાથની વાત છે. એ બધું ત્યાં છે ફક્ત તમારે એક સાચું બટન દબાવવાનું હોય છે.

જો તમે ધીરજતાથી રાહ જોઇને બેઠેલાં હોવ અને જીવને હજુ પણ તમને કોઈ તક આપી ન હોય તો જાવ ઉભા થઇને તેને ઝડપી લો. તક ખરેખર કોઈ દરવાજો ખટખટાવતી હોતી નથી, તકોને ઉભી કરવામાં આવતી હોય છે. બુદ્ધે એકવાર કહ્યું હતું, “તમારા જીવનનો હેતુ, તમારો હેતુ શોધી કાઢવાનો છે અને તમારી જાતને તેને પુરા હૃદયપૂર્વક સમર્પિત કરી દેવાનો છે.” કોયડાનાં ટુકડાઓ ત્યારબાદ આપોઆપ ત્યાં ગોઠવાઈ જશે. તમે તમારા જીવનની હરેક ક્ષણને તમારી સમક્ષ એકદમ સુંદરતાથી ખુલ્લી થતી જોઈ શકશો. પછી ઘડિયાળની દરેક ટીકટીક તમારા જીવનને વધુ ને વધુ ઉંચે ઊંચકતી જશે.

જેવા તમે તમારી જાતને એક હેતુમય જીવન અને ખુશીઓ માટે કટિબદ્ધ કરી લેશો ત્યારે, તમારા દરેક ડર ચાલ્યાં જશે કારણકે કુદરત ત્યારે તમને એક વિશાળ રમતનાં મેદાનમાં મૂકી દેશે. ત્યાં તમને જે કઈ પણ મળશે તે તમે કશું ગુમાવી શકો તેનાંથી લાખો ગણું વધારે હશે. જે કઈ પણ તમારા જીવનમાંથી અદ્રશ્ય થઇ શકે તેમ હોય તેની એટલી જ કીમત હોય છે જેટલી એક કરોડપતિ માટે તેનાં બટવામાં રહેલું થોડું પરચુરણ. આ જ વાત હેતુ છે તે તમારા જીવનમાં કરતુ હોય છે. કોયડો એક ચિત્ર બની જાય છે.

તમારા જીવનનાં ચિત્રને સુંદર રંગોથી ભરી દો. કેનવાસને બિલકુલ ખાલી ન રાખતાં. જેમ કે મેં પહેલાં પણ કહ્યું હતું, બધું જ છે અહી. તેને જુવો, તેનો રસ ઉઠાવો.

શાંતિ.
સ્વામી

Saturday, 4 July 2015

ખુશીનો ફુગ્ગો

આજના જમાનામાં અને સમયમાં ખુશ કેવી રીતે રહેવું તેના વિશેની આ વાત છે. ફિલસુફી ભરેલી છે છતાં પણ સત્યથી દુર નથી.
એક ગુરુનાં અનેક શિષ્યો મઠમાં એકત્રીત થયા હતા. તેઓ ત્યાં પોતાના ગુરુની એક ઝલક જોવા માટે આવ્યાં હતાં, તેમની જ્ઞાનભરી વાણી સાંભળવા આવ્યાં હતાં, ધ્યાન શીખવા માટે આવ્યાં હતાં. ટૂંકમાં, તેઓ આજનાં તણાવગ્રસ્ત વિશ્વમાં ખુશ જીવન કેમ જીવવું તે જાણવા માંગતા હતા, શું તેના માટેનો કોઈ માર્ગ છે કે કેમ?

ગુરુએ તેમના પ્રશ્નોને ખુબ જ ધીરજથી સાંભળ્યા અને શાંતિથી ખુશી પર પોતાનું પ્રવચન શરુ કર્યું. તેઓ પ્રવચનની વચ્ચે જ અટકી ગયાં અને એકઠા થયેલાં પાંચસો લોકોમાંના દરેકજણને એક-એક ફુગ્ગો આપ્યો.

“આ ખુશીનો ફુગ્ગો છે,” તેમને કહ્યું. “તેને ફુલાવો અને તેનાં ઉપર તમારું નામ લખી કાઢો.”

લખવા માટે થોડાં માર્કર આપ્યાં કે જેથી કરીને નામ લખવાનું કાર્ય પૂરું કરી શકાય.

“એક વખત પૂરું થઇ જાય,” ગુરુએ આગળ કહ્યું, “તે પછી બાજુના ખાલી ઓરડામાં જઈને તે ફુગ્ગો મૂકી આવો.”
“મને ખબર પડી ગઈ,” એક શિષ્ય બોલ્યો. “વહેલાં કે મોડા આ ફુગ્ગો ફૂટી જવાનો કે પછી તેની જાતે જ તેની હવા નીકળી જવાની અને ખુશીઓનું પણ આવું જ તો હોય છે. તે કાયમ નથી ચાલતી. જેટલી વધારે હવા ભરેલી હોય, તેટલો જલ્દી તે ફૂટી જશે. આપણે તેને ખુબ જ સાચવવો પડશે.”

ગુરુએ આ અધીરા શિષ્ય સામે સ્મિત કર્યું અને તેને સૂચનાનું પાલન કરવા માટે ઈશારો કર્યો. એક પછી એક દરેક જણાએ બાજુના ઓરડામાં જઈને ફુગ્ગો મૂકી દીધો અને પાછાં પોતાની જગ્યાએ આવીને બેસી ગયા.

“હવે,” બધાં બેસી ગયા પછી ગુરુએ બોલવાનું ચાલુ કર્યું, “જાવ અને તમારું નામ લખેલો ફુગ્ગો અહી પાછો લઇને આવો.”

દરેકજણ ઉભા થઇને પોતાનો ફુગ્ગો લેવા માટે દોડ્યાં. અંતે તો આ એક ખુશીનો ફુગ્ગો હતો. તરત જ, ફુગ્ગાઓ ફૂટવાના, દલીલોનાં, ધક્કામુક્કીનાં અવાજ આવવા લાગ્યાં, કેમ કે પ્રત્યેકજણ પોતાનું નામ લખેલો ફુગ્ગો શોધવા માટે ગાંડા થયા હતાં. પાંચ મિનીટ પછી, ફક્ત થોડાંક લોકો પોતાનો ફુગ્ગો શોધી શક્યાં. તે પણ નસીબજોગે, નહિ કે જાણી જોઈને.

ગુરુએ તેમને અટકી જવાનું કહ્યું અને કોઈ પણ એક ફુગ્ગો લઇ લેવાનું કહ્યું પછી ભલે તેનાં ઉપર ગમે તે નામ લખેલું હોય. ફક્ત થોડાક જ સમયમાં દરેકજણ પાછાં પોતાના સ્થાને આવી ગયા અને દરેકનાં હાથમાં ફુગ્ગો હતો.

“ફુગ્ગા ઉપર લખેલું નામ મોટેથી વાંચો,” ગુરુએ કહ્યું, “અને, તે ફુગ્ગો જેનો હોય તેને આપી દો.”

થોડી વારમાં જ દરેકનાં હાથમાં પોતાનો ફુગ્ગો હતો સિવાયકે જેઓએ ગાંડપણમાં આવીને પોતાનાં નામનાં ફુગ્ગા ફોડી નાંખ્યા હતા.

“દુનિયામાં કે જ્યાં આપણામાંના દરેકજણ ખુશીને શોધતાં હોય છે,” ગુરુએ કહ્યું, “સરળમાં સરળ માર્ગ છે બીજાને તેની ખુશી આપી દો અને કોઈ બીજું તમને તમારી ખુશી આપી દેશે.”
“પણ, મારો ફુગ્ગો કોઈનાંથી ફૂટી ગયો હોય તો શું?” કોઈકે પૂછ્યું. “મારી પાસે તો કોઈ ફુગ્ગો નથી.”
“બીજો ફુલાવી લો.” ગુરુએ બીજો ફુગ્ગો આપતાં કહ્યું.

ખુશીના સારને આટલી સારી રીતે આવરી લેતી બીજી કોઈ દંતકથા મેં નથી સાંભળી. આપણે ગમે તેટલું એવું માનીને કેમ ન ચાલીએ કે બીજાના ભોગે આપણે સુખી કે ખુશ થઇ જઈ શકીએ છીએ, સત્ય તો એ છે કે બીજાને દુઃખ આપીને આપણે ક્યારેય સુખી નથી થઇ શકતાં. કદાચ, તમે એવું સાબિત કરી શકો કે તમે સાચા છો, કદાચ તમે બીજી વ્યક્તિને દબાઈ દઈ શકો છો, પણ એવું કરીને કઈ તમે સુખી થઇ શકો છો? મને તો નથી લાગતું.

તમે તેમને તેમનો ખુશીનો ફુગ્ગો આપી દો અને કોઈક બીજું તમને તમારો ફુગ્ગો પાછો આપશે. બીજી વ્યક્તિ કદાચ તેનો કોઈ પ્રત્યુત્તર ન આપે એવું બને, પણ કુદરત તો જરૂરથી આપશે. એ જ વ્યક્તિ કદાચ તમને તમારો ફુગ્ગો ન આપી શકે એવું બને, કોઈ બીજું આપશે. અને, જો તમને એવો સવાલ થાય કે, કોઈ તમારો ફુગ્ગો ન આપી શકે તો શું? તમે તેમને તેમનો ફુગ્ગો આપો તેમ છતાં પણ, કોઈ તમને તમારો ફુગ્ગો આપવાની દરકાર ન કરે તો શું?

એ કિસ્સામાં, તમે તમારું સત્કર્મ કરી લીધા બાદ રાહ જોતાં રહો અને ખુબ ધીરજથી રાહ જોતાં રહો. એવી ક્ષણ ચોક્કસ આવશે જયારે દરેક પાસે તેમનો પોતાનો ફુગ્ગો હશે અને જે બાકી રહી ગયો હશે તે તમારો હશે. જો તમે કોઈ સ્પર્ધામાં જ નહિ હોવ તો તેને જીતવાનો કોઈ તણાવ જ નહિ હોય. જો તમે એ વાતનો સ્વીકાર કરી લો કે અમુક લોકોને બીજા લોકોની પહેલાં પોતાનો ફુગ્ગો મળી જાય એવું બની શકે, તો પછી તમને તમારો ફુગ્ગો વહેલો મળે છે કે થોડો મોડો એનાંથી તમે પરેશાન નહિ થાવ.

આ દંતકથા ઉપર બીજું પણ કઈક વિચારવા જેવું છે: શિષ્યો પોતાનો ફુગ્ગો મેળવવાની આશા તો જ રાખી શકે જો તેમને તેમનો પોતાનો ફુગ્ગો પ્રથમથી ફુલાવીને રાખ્યો હોય. આપણી જવાબદારી પણ આપણો ફુગ્ગો ફૂલાવાવીને રાખવાની છે. આપણી ખુશીનું સર્જન કોઈ બીજા ન કરી શકે. તમારે જાતે તમારી ખુશીનું સર્જન કરવું પડશે. બીજા બહુબહુ તો તમને તમારી ખુશીનો ફુગ્ગો આપી શકે જો તેમને તે મળે તો. પણ જો તમે ત્યાં તમારો ફુગ્ગો જ નહિ રાખેલો હોય કે જેનાંથી તમને ખુશી મળતી હોય, તો પછી કોઈ કેવી રીતે તે તમને આપી પણ શકવાનું હતું? અન્ય વ્યક્તિ તમને ફક્ત તે જ ખુશી પાછી આપી શકે છે જેને તમે તમારી ખુશી તરીકે ઓળખતાં હોવ. મહેરબાની કરીને આ સંદેશને ઊંડે સુધી ઉતરવા દો: કોઈ બીજું તમારા માટે ખુશીનું સર્જન નથી કરી રહ્યું પરંતુ ફક્ત તમને તમારી ખુશી પાછી આપી રહ્યું છે.

અને જો કોઈ બીજાએ તમારો ફુગ્ગો ફોડી નાંખ્યો હોય તો શું? તો જાવ, બીજો ફુલાવી લો. સરળ વાત છે. બીજા ઉપર ગુસ્સે થઇને બરાડા પાડવાનો કે કોઈ બીજા માટે રોષ ભરી રાખવાનો કોઈ જ અર્થ નથી. અરે જો તેઓ ઈચ્છે તો પણ હવે તમારો ફુગ્ગો પાછો સરખો કરી શકે તેમ તો હોતું જ નથી, એ હતો તેવો ને તેવો પાછો થઇ જ ન શકે. તમારે તમારી જાતને પણ તણાવગ્રસ્ત કે નારાજ થઇ જઈને બેસી રહેવાની સજા નથી કરવાની. ફૂટી ગયેલા ફુગ્ગા માટે આપણે પણ ફૂટી જવાની જરૂર નથી. ઉલટાનું ધમાકાની મજા લો. એક ડગલું બહાર ભરીને દુનિયાને જુઓ. પસંદ કરવા માટે બીજા અસંખ્ય ફુગ્ગાઓ છે.

ખુશીની અન્ય તકો, માર્ગો કે સ્રોતોની બિલકુલ કમી નથી. આ દુનિયામાં અને તમારા જીવનમાં કરી શકાય એવું ઘણું બધું છે. તમારે ફક્ત ક્યાંકથી, ગમે ત્યાંથી, અહી, અત્યારે  ફક્ત એક શરૂઆત જ કરવાની છે.

આ જીવન ખુબ જ ઝડપથી ભાગી રહ્યું છે. એક દિવસ તમે ઉઠો અને તમને ભાન થાય કે તમે તો તમારા જીવનનાં ઘણાં બધા દસકા જીવી ગયાં. શા માટે કોઈ બીજાનાં ફુગ્ગા ફોડવા માટે કે આપણો ફુગ્ગો ફોડી નાંખવા માટે કોઈની સાથે ઝઘડવામાં સમય વેડફવો જોઈએ? ચાલો આ બધાંથી ચલાવતાં શીખી જઈએ અને સત્કર્મનાં માર્ગ ઉપર ચાલતાં રહીએ. અને દરેક કદમ પર તમને ખુશીનો એક ફુગ્ગો મળતો જશે.

બીજા લોકોને તેમનાં ફુગ્ગાઓ આપતાં રહો અને તમારી પાસે તમારો ફુગ્ગો આપોઆપ રહી જશે અને બીજા ફુગ્ગા પણ કે જેનાં ઉપર હજી કોઈએ પોતાનો દાવો નથી કર્યો. કોઈ પણ કિંમતે, જીવનનો ફુગ્ગો ફૂટી જાય તે પહેલાં ખુશીનો ફુગ્ગો ફુલાવી લેવો સારો. અંતે તો જીવનનો ફુગ્ગો ફૂટી જ જવાનો છે.

શાંતિ.
સ્વામી

Share