Saturday, 25 July 2015

પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો

કાળજી કરનાર હૃદય માટે પ્રેમ અનપેક્ષિત દરવાજો બિલકુલ અનપેક્ષિત સમયે ખટખટાવે છે.
મેં એકવાર એક વાક્ય વાંચ્યું હતું, “મને પ્રેમ કરો અને હું તમારા માટે પર્વતો પણ હટાવી દઈશ. અને મને નુકશાન પહોંચાડો અને હું એ જ પર્વતો તમારા માથા ઉપર પટકી દઈશ.” મને લાગે છે કે આ વાક્ય આપણા જીવનનાં બન્ને દ્રષ્ટિકોણ/અવસ્થા બતાવે છે. પ્રથમ, પ્રેમ કે તેનો અભાવ આપણને બીજા માટે (કે આપણી જાત માટે) કેવું અનુભવડાવે છે અને બીજું, આપણે પ્રેમને કેવી રીતે સ્વાનંદ ગણી લેવાની ભૂલ કરીએ છીએ. શું પ્રેમનો એવો અર્થ છે કે તમને હંમેશાં એ સંબંધમાં સુખ અને ખુશીઓ જ મળશે? જયારે આપણા મનનું ધારેલું ન થાય કે સામે વાળી વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ વર્તન ન કરે ત્યારે આપણે કુદરતી રીતે જ ચિડાઈ જતાં હોઈએ છીએ.

મને પ્રેમમાં જે દુઃખી થયા હોય તેવા અનેક લોકોનાં ઈ-મેઈલ મળે છે અને હું એવા અનેક લોકોને પણ મળ્યો છું કે જેઓ ખુબ જ દુઃખી હોય કેમ કે તેમનો સંબધ બરાબર ચાલી નથી રહ્યો હોતો. અમુક લોકો ફરીયોદો કર્યે રાખે છે તેમ છતાં પણ સહજીવન જાળવી રાખે છે, અમુક બહુ જ ઓછા લોકો એવા પણ હોય છે કે જે બધું સરખું કરી જાણે છે, અને અનેક એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં જીવનમાં શાંતિની પુન:સ્થાપના માટે એકબીજાથી છુટા પડી જતાં હોય છે. “પુરુષો માટે અમને સમજવાનું આટલું કઠીન કેમ હોય છે?” એક સમુદાય વતી એક આગળ પડતી સ્ત્રીએ મને એકવાર પૂછેલું. “અમે કોઈને પ્રેમ કરીએ અને કોઈ અમને વળતો પ્રેમ કરે, બસ આટલું જ તો અમારે જોઈતું હોય છે.”

મારે હસવું નહોતું છતાં પણ મારાથી એક ધીમું હાસ્ય થઇ ગયું. આ – પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો – બહુ સરળ લાગ્યું. અને દરેકને આજ તો જોઈતું હોય છે. થોડું કે વધારે, પરંતુ, પ્રેમ બીજું કઈ પણ હોઈ શકે છે સિવાય કે સરળ. અને આનો શું અર્થ છે – પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો? જો તમે મને પૂછો તો હું કહીશ કે તમે જેને પ્રેમ કરતાં હોય તેની સાથે હંમેશાં બે સર્પનાં સંવનનની જેમ (મને ખબર છે તે કોઈ રમણીય દ્રશ્ય નથી હોતું) એક સાસ્વતપણે આલિંગનમાં ગૂંથાયેલાં નથી રહેવાનાં. એક ઢળતી સાંજે બે લોકો હાથમાં હાથ પરોવીને દરિયા કિનારે ચાલતાં જતાં હોય તે દ્રશ્ય ખરેખર પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો તેના જેવું લાગી શકે છે. પરંતુ, મને નથી લાગતું આવું તમે રોજ કરી શકો, સિવાયકે તમે જો કોઈ લાઈફ ગાર્ડની નોકરી કરી રહ્યાં હોય.

એક કેન્ડલ લાઈટ ડીનર, કદાચ એક વેકેશન, કે ઘણું બધું ધ્યાન આપવું, સહાનુભુતિ, સમજણ, માફી, સલામતી, સહવાસ, વફાદારી, કટિબદ્ધતા અને કદર – આપણામાંના મોટાભાગના લોકો પ્રેમને આ રીતે જોતાં હોય છે. આપણામાંના ઘણાં બધાં લોકો એવું પણ માનતાં હોય છે કે પ્રેમમાં તમે હંમેશાં સલામતી અનુભવો છો, તમારી જરૂર હોય એવું અનુભવો છો, ખુશી, હુંફ, અને સંપૂર્ણતા અનુભવો છો. કે સામેની વ્યક્તિ હંમેશાં તમારો પ્યાલો ભરેલો રાખવાં માટે તૈયાર હશે. (જાણે કે તે કોઈ ખાલી પ્યાલા ભરવાની નોકરી કરતો નોકર કેમ ન હોય). આ બધું શક્ય છે જેમ કે તમે જાણો જ છો, પરંતુ બધા સમય માટે નહિ.

તમે એવા લોકોને પૂછી જુઓ કે જેઓ દસકાઓ સુધી સાથે રહ્યાં હોય અને તેઓ તમને કહેશે કે તેઓ પ્રેમને આ રીતે નથી જોતાં. જે લોકોએ જીવનનાં રહસ્યને જાણી લીધા છે, જેઓ ખુશ છે તેમને જઈને પૂછો, અને તે તમને કહેશે કે પ્રેમ આ બધી વસ્તુ નથી. પ્રેમ આવો ક્યારેય નથી હોતો. કોઈએ પણ પ્રેમમાં “હંમેશાં” જેવો શબ્દ નથી જોયો. કારણકે, મોટાભાગે તમે પ્રેમને જેવી રીતે જોતાં હોય તેવું સામેની વ્યક્તિ પણ તેવું જ જોતી હોય તેવું નથી હોતું. તેમની પ્રેમ કરવાની વ્યાખ્યા તમારી વ્યાખ્યા કરતાં જુદી હોઈ શકે છે. અને, સાચા પ્રેમમાં વિવિધતાને સામંજસ્યતાપૂર્વક સમાવી લેવાની વાત હોય છે. પ્રેમમાં તફાવતોમાં સમાનતા શોધી કાઢવાની વાત આવે છે. પ્રેમમાં તમારા હૃદયના ધબકારાઓનો તાલમેળ બેસાડવાનો છે જેથી કરીને તમે બન્ને એકબીજાની અસમાનતાઓ સાથે આરામથી રહી શકો. આ પરસ્પરની સુસંગત સમજણ વગર, પ્રેમ કરવાની અને વળતો પ્રેમ મેળવવાની બાબત એ ફક્ત પ્રેમનો એક વિચાર અને અવાસ્તવિક વ્યાખ્યા બનીને જ રહી જાય છે.

પ્રેમ એ સામેની વ્યક્તિને બદલવાની વાત નથી પરંતુ તમારા જીવનમાં એ વ્યક્તિના આગમનથી આવતાં બદલાવને સ્વીકારવાની વાત છે. પ્રેમ એ ક્યારેય કોશિશ પણ નથી કરતો હોતો કે સામે વાળી વ્યક્તિને એવી બનાવે કે તે પણ તમે જે ઈચ્છો તે જ ઈચ્છતી થઇ જાય. આવી વાત માલિકીભાવ અને અહંકારમાં આવતી હોય છે, પ્રેમમાં નહિ.

પ્રેમ કરવો એટલે સામેવાળી વ્યક્તિને શું જોઈએ છે તે શોધી કાઢવું, તે જે બાબતનું સન્માન કરતી હોય તેનું સન્માન કરવું, તે જેની કાળજી કરતુ હોય તેની કાળજી કરવી, કારણકે તે એક સમજણ દર્શાવે છે, એક સન્માન બતાવે છે. આ પ્રેમ છે. તમારે જે રીતે બીજાને પ્રેમ કરવાની ઈચ્છા હોય તે રીતે પ્રેમ કરવો તે કઈ પ્રેમ નથી. સત્ય તો એ છે કે પ્રેમ તેને કહેવાય કે જેમાં સામેની વ્યક્તિને એ રીતે પ્રેમ કરવો જેવી રીતે તે ઇચ્છતી હોય કે તેની જોડે પ્રેમ થાય. તમને જેમ પ્રેમ કરાતો હોય તેવી રીતે જો તમે તેને પ્રેમ કરતાં રહો તો તમે કદાચ તેને પ્રેમ નથી કરી રહ્યાં. તમે ફક્ત તમારી પસંદગી અને તમારા દ્રષ્ટિકોણ મુજબ તેને પ્રેમ આપી રહ્યાં છો. જો તમને વળતો પ્રેમ મળે તેમ ઇચ્છતાં હોવ તો પ્રથમ તમે પ્રેમ કરતાં શીખો.

સાશ્વત ચાલતાં સબંધનો પાયો એક મૂળભૂત સવાલ ઉપર ટકેલો છે જે બન્ને લોકો એકબીજાને પૂછતાં હોય છે: “તારા માટે શું મહત્વનું છે?” એક વખત તમે એ શોધી કાઢો કે સામે વાળી વ્યક્તિ માટે શેનું મહત્વ છે અને તમે તેની કાળજી કરવાં માંડો, તો તમે તેને “પ્રેમ” કરી રહ્યાં છો. શાંતિ, સન્માન, સુસંગતતા આવા સંબંધમાંથી કુદરતી રીતે જ ઉગી ઉઠતાં હોય છે.

હું તને પ્રેમ કરું છું એમ કહેવાંનો કોઈ અર્થ નથી જો તમને એ ખબર જ ન હોય કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તે વ્યક્તિ માટે બીજી કઈ બાબતોનું મહત્વનું છે. જો તમે એ શોધી કાઢવાની પરવાહ ન કરી હોય કે પછી જે તેના માટે મહત્વનું હોય તે જો તમે તેને ન આપી શકતાં હોવ તો તમે આકર્ષણને પ્રેમ માની લેવાની ભૂલ કરી રહ્યાં છો. તેમાં તો પછી હું તમને પ્રેમ કરું છું એ વાત જ નથી આવતી. એના બદલે, મારે તું જોઈએ છે એ વાત આવે છે. મને તું જોઈએ છે કારણકે તું મારી અમુક જરૂરિયાતોને સંતોષે છે. આ કોઈ પ્રેમ નથી પરંતુ પ્રેમનો ભ્રમ છે. આવાં સંબંધો કે જેમાં કોઈ એક સાથી પોતાની મનમાની મુજબ વર્તતું હોય કેમ કે તે તેમ કરી શકે તેમ હોય છે, તે બહુ ખતરનાક રીતે અસ્થિર, ઝેરી, અને બોજ સમાન સાબિત થાય છે.

જયારે તમે સામે વાળી વ્યક્તિને તેની રીતે પ્રેમ કરો છો ત્યારે તમે તેને ખુશી, આનંદ અને એક સલામતીની ભાવનાથી ભરી દો છો. અને ત્યારબાદ કઈક અદ્દભુત ઘટના ઘટે છે. તમે જેને જેનાંથી ભરી દીધા હોય, તે જ વસ્તુ તેમનાં તરફથી વહીને પાછી તમને મળે છે. આ પ્રેમનો માર્ગ છે. જો તમે ખરેખર પ્રેમ કરતાં હશો, તો તમને વળતો પ્રેમ મળશે જ. શરત ફક્ત એટલી જ છે કે પ્રેમની શરત સંતોષવાની છે. અને તે છે, પ્રેમ કરવો એટલે સામે વાળી વ્યક્તિની એવી રીતે કાળજી કરવી જેવી રીતે તે ઇચ્છતી હોય. તેમને જો સ્પગેટી ભાવતી હોય અને તમે તેમને કોઈ એશિયન રેસ્ટોરન્ટમાં નુડલ્સ ખાવા માટે લઇ જાવ, તો તે પ્રેમ નથી.

તમારા પ્રેમનું ખાતું વૈશ્વિક છે, તે ફક્ત તમે જેને પ્રેમ કરી રહ્યાં હોય તેમની સાથે જ જોડાયેલું નથી, પરંતુ સર્જનમાં રહેલી દરેક વ્યક્તિની સાથે જોડાયેલું હોય છે. જયારે તમે પ્રેમમય જીવન માટે કટિબદ્ધ હોવ તો કુદરત તમને પ્રેમથી ભરી દેશે. તમને વળતો પ્રેમ પણ મળશે. બીજો કોઈ માર્ગ નથી. અને ત્યારબાદ, કોઈ વખત પ્રેમ તમને જેની અપેક્ષા પણ નહી હોય તેવી જગ્યાએથી પણ મળતો જશે. મને એક ટુચકો યાદ આવી ગયો કે જે મને કોઈએ થોડા વખત પહેલાં ઈ-મેઈલ કર્યો હતો. શબ્દશ: રજુ કરું છું:

“મારી દાદીએ મને કહ્યું કે તે કેવી રીતે મારા દાદાને પરણ્યા હતા. તે તેમનાં વીસમાં વર્ષમાં હતા, અને પોતે જે પુરુષની સાથે પ્રેમ કરતાં હતાં તે યુદ્ધ લડવા માટે ગયો હતો.
“અમે પ્રેમમાં હતા,” દાદીએ યાદ કરતાં કહ્યું, “અને, એકબીજાને દર અઠવાડિયે પત્ર લખતાં હતાં. આ એ સમય હતો કે જે દરમ્યાન મને કે ખબર પડી ગઈ હતી કે તારા દાદા કેટલાં અદ્દભુત હતા.”
“જયારે દાદા યુદ્ધમાંથી પાછા આવ્યા ત્યારે તમે તેમની સાથે લગન કર્યા?” મેં પૂછ્યું.
“ના, હું જેને પત્રો લખતી હતી તેની સાથે મેં લગન નહોતા કર્યા. તારા દાદા તો તે ટપાલી હતાં.”

આશા રાખું છું, કે તમારો પ્રેમ આવી રીતે ફંટાઈને ન આવે. પરંતુ ફરીવાર કહું કે પ્રેમ એ એક વિચિત્ર મુલાકાતી છે કે જે અણધાર્યા દરવાજાને બિલકુલ અણધાર્યા સમયે ખટખટાવે છે.

ચાલો હું તમને ફરીથી પૂછું: શું પ્રેમનો અર્થ એ છે કે તમે હંમેશાં સંબંધમાં ખુશ રહેશો? ના. પ્રેમનો અર્થ છે તમે તમારા આનંદ અને દુઃખોને એકબીજા સાથે વહેચો, અને તમે એકબીજા સાથે રહીને વિકાસ પામો અને પ્રેમની સાથે જે કઈ પણ નબળાઈઓ આવે છે તેનો સ્વીકાર કરો. તમને અમુક સમયે દર્દ પણ થશે, તમે દુઃખી પણ થશો કોઈ વખત. પરંતુ જ્યાં સુધી તમે સામે વાળી વ્યક્તિની કાળજી કરો છો ત્યાં સુધી તમે હજી પણ પ્રેમમાં છો.

જો તમે કોઈને પ્રેમ કરવા માટે અને વળતો પ્રેમ મેળવવા માટે ઝૂરતા હોવ તો પછી તમે જેને પ્રેમ કરતાં હોવ તેને એક સવાલ પૂછીને શરૂઆત કરો, “તારા માટે શું મહત્વનું છે?” ત્યારબાદ, સામેવાળી વ્યક્તિને સાંભળો અને તેની વાત પ્રત્યે બરાબર ધ્યાન આપો. અને તે પ્રમાણે તમારા વિચાર, વાણી અને વર્તનમાં એકસુત્રતા લાવો. અને પછી વળતો પ્રેમ મળે તેની રાહ જુઓ. તમને વળતો પ્રેમ મળશે. કારણકે, પ્રેમ ફક્ત એક જ વસ્તુને આકર્ષી શકતો હોય છે અને તે છે પ્રેમ. તમે સામેવાળી વ્યક્તિને એ રીતે પ્રેમ કરો જે રીતે તે ઇચ્છતી હોય તેને પોતાને કોઈ પ્રેમ કરે, અને તમને એ રીતે પ્રેમ કરવામાં આવશે જે રીતે તમને પ્રેમ મળે તેનું તમે સ્વપ્ન જોતાં હોવ. તમે જેમ પ્રેમ કરવાનું ચાલુ રાખો, તમારા પોતાનાં સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાઓ સમયની સાથે બદલાતાં જશે. આ નવો બદલાવ તમને વધારે સારી રીતે એવી જગ્યાએ ગોઠવશે કે જ્યાંથી તમારા ઉપર કૃપા અને પ્રેમ સતત વરસતા રહે. ધીરજ રાખજો જો કે.

પ્રેમ એ તમારી ચેતનાનાં અરીસામાં તમારું પોતાનું જ પ્રતિબિંબ છે. તમે તેના તરફ એક ડગલું ભરો અને તે બે ડગલાં તમારી તરફ ભરશે. તમે તેનાંથી એક ડગલું દુર જાવ અને અને તે બે ડગલાં દુર ચાલ્યું જશે તમારાથી. તમે સ્થિર ઉભા રહો અને તે પણ સ્થિર ઉભું રહેશે. કોઈ પણ કિંમતે, સોદો તમારા ઉપર જ આધાર રાખે છે.

એ રીતે પ્રેમ કરો કે તમે તમારી જાતને જ જાણે ખોઈ દીધી હોય. આ જ ખોટમાં તમે પ્રેમમાં જે  પણ મહત્વનું હશે તેનો લાભ મેળવશો. વધુમાં, ખોટમાં કે નફામાં, કોઈપણ રીતે, તમે એક વ્યક્તિ તરીકે વિકાસ પામશો – આધ્યાત્મિક દ્રષ્ટીએ અને લાગણીકીય દ્રષ્ટીએ પણ. આ કરવા જેવું છે.

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share