Saturday, 12 September 2015

ખાલી નાવ

જયારે બીજી વ્યક્તિ આપણી અંદર ક્રોધ ઉશ્કેરવા માટે જવાબદાર હોય ત્યારે શું કરવું? કે પછી ખરેખર તેઓ તેમ કરી શકતાં હોય છે?
જયારે તમારો કોઈ વાંક ન હોય પરંતુ સામે વાળી વ્યક્તિ તમારી અંદર ગુસ્સો જગાડે તો શું કરવું? હકીકતમાં આ સવાલ વારંવાર પૂછાતો હોય છે. ચાલો હું ચોંગ ત્ઝુંની શિક્ષા પર આધારિત એક પ્રખ્યાત ઝેન વાર્તા પરથી શરૂઆત કરું.

જેમ કે અમુક લોકો પોતાની ગાડી અને બીજા ઉપકારણો માટે ગાંડા હોય છે (હા, ગાંડા), તેમ એક વ્યક્તિ હોય છે કે જે પોતાની નાવ માટે ગાંડો હોય છે. દર રવિવારે, તે તેને સાફ કરતો, તળાવે લઇ જતો, અને પછી પાછો લાવતો અને ફરીથી તેને સાફ કરતો. તે પોતાની પત્ની કે બાળકોને તે નાવ અડવા દેતો નહિ, તેને સાફ કરવા માટે પણ નહિ. એક વખત, શિયાળાની શરૂઆતમાં, તેને ચાર શનિ-રવિવારનો સમય લઇને ખુબ જ મહેનતપૂર્વક તે નાવને રંગી અને હવે આ નાવ પહેલાંની જેમ જ નવી નક્કોર લાગતી હતી.

તે ત્યાં પોતાની કિંમતી નાવનાં વખાણ કરતો ઉભો રહ્યો અને જલ્દી પૂરી થઇ રહેલી ઉનાળાની ઋતુમાં ફરી એક છેલ્લી વખત નાવ લઈને સહેલ કરવાની ઈચ્છાને ખાળી શક્યો નહિ. શિયાળો આવી રહ્યો હતો અને તે દિવસે વાતાવરણ ધુમ્મસ વાળું હતું, તેમ છતાં તે આગળ વધ્યો અને નાવનું લંગર છોડ્યું. ધુમ્મસની ભીની સુંગધ શ્વાસમાં ભરતો અને તાજગીભરી ઠંડી પોતાના ચહેરા ઉપર અનુભવતો, શાંત પાણીમાં તે પોતાની નાવ ચલાવતો આગળ વધી રહ્યો હતો, ઝાકળથી નવાયેલા વૃક્ષોને જોતો જોતો, તે ધ્યાનપૂર્વક ધુમ્મસમાં આગળ વધી રહ્યો હતો. સવારનાં સૂર્યનો હળવો પ્રકાશ ગાઢ ધુમ્મસમાં શોષાઈ જઈ રહ્યો હતો અને પંખીઓ આજુબાજુ અને દુરદુરની જગ્યાએથી કલરવ કરી રહ્યાં હતાં.

તે પોતાની પ્યારી નાવમાં, ગાંડા ટોળાથી દુર, એક એક ક્ષણને માણી રહ્યો હતો. કોઈ પોતાને પરેશાન કરે તેવું નહોતું. શાંત સવારમાં ભૂરા તળાવમાં બસ ફક્ત તે અને પોતાની ચમકતી નાવ, નવી જ રંગેલી.

એક ધબ દઈને અવાજ આવ્યો અને તેની નાવ સાથે કશુંક અથડાયું. તેને જોયું કે એક બીજી નાવ હતી કે જે તેની નાવ સાથે જોરથી અથડાઈ અને ઉભી રહ્યાં વગર જ તેની નાવને ઘસરકા પાડતી ચાલતી રહી. એક તીવ્ર લાગણીઓનું મોજું તેની અંદર ઉઠી ગયું. પોતાને માન્યામાં ન આવ્યું કે તેની સાથે શું થઇ ગયું અને તરત જ તેનાં શરીરમાં એક ક્રોધની જ્વાળા ઉઠી ગયી. પેલો બીજો માણસ કેમનો આટલો ડફોળ હોઈ શકે? તેને મારી એક દોષરહિત સવારને શાં માટે બગાડી? બધાં નક્કામાં લોકો મને જ કેમ ભટકાય છે?

ગુસ્સાથી અકળાઈ ઉઠ્યો, અને તે ચિલ્લાયો, “કઈ બાજુ જોઈને ચલાવી રહ્યો છે, ડફોળ?”

બીજી નાવમાંથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો. તેનાંથી તે વધુ અકળાયો. બધો ગુસ્સો તેની ચીખમાં નહોતો નીકળ્યો, માટે તે વધુ એક વાર ચિલ્લાયો. તો પણ, કશો વળતો જવાબ ન આવ્યો. તેને ધ્યાનથી જોયું અને તેને સમજાયું કે પેલી નાવમાં તો કોઈ હતું જ નહિ. તે તો એક જૂની અને ત્યાગી દેવાયેલી નાવ હતી જે ફક્ત તણાતી તણાતી તેની બાજુ આવી ગઈ હતી.

તેને તરત ભાન થયું. અત્યાર સુધી તેને લાગી રહ્યું હતું કે બીજી નાવમાં રહેલ વ્યક્તિ તેનાં ગુસ્સા માટે જવાબદાર છે. જયારે તેમાં તો કોઈ વ્યક્તિ હતું જ નહિ. એક ખાલી નાવે જ તેની અંદર ગુસ્સો પેદા કરી દીધો હતો. આ ગુસ્સો તેની અંદર કાયમથી જ હતો, બહારથી તો ફક્ત તે કશાકથી સળગી જ ઉઠ્યો હતો.

ચુંગ ત્ઝુંની બોધકથા The Empty Boat માંથી મેં નીચેનો ભાગ લીધો છે:

If a man is crossing a river
And an empty boat collides with his own skiff,
Even though he be a bad-tempered man
He will not become very angry.
But if he sees a man in the boat,
He will shout at him to steer clear.
If the shout is not heard, he will shout again,
And yet again, and begin cursing.
And all because there is somebody in the boat.
Yet if the boat were empty.
He would not be shouting, and not angry.
If you can empty your own boat
Crossing the river of the world,
No one will oppose you,
No one will seek to harm you.

“ જો તમે તમારી નાવ ખાલી કરી દો તો...કોઈ તમને નુકશાન નહિ પહોંચાડે.” હા, હા મને ખબર છે કરવા કરતા કહેવું સહેલું છે. તો પણ તે અશક્ય તો નથી જ.

મેં ક્યાંક લખ્યું છે કે ગુસ્સો ત્યારે તમારામાંથી બહાર આવે છે જયારે તમે અંદરથી ઘવાયેલાં હોવ છો. અલગ-અલગ લોકો પોતાનું દુઃખ અલગ-અલગ રીતે વ્યક્ત કરે છે. કોઈ ચિલ્લાય, કોઈ પોતાની જાતને તે પરિસ્થિતિમાંથી ખેંચી લે. કોઈ માફ કરી દે, કોઈ ત્યાગ કરી દે, કોઈને ખીજ ચડી જાય, કોઈ ભૂલી જાય. આ બધી વ્યક્તિગત પસંદગીઓ છે, અંગત બાબતો. તમારી પસંદગી ફક્ત તમારા જ હાથમાં છે. એક વાત મગજમાં સમજી લેજો જો કે, જો તમે ગુસ્સામાં ચિલ્લાયે રાખશો કે પછી તેને અંદર ધરબાયેલો રાખી મુકશો તો તે તમારા સારાપણાને ખતમ કરી નાખશે જેવી રીતે લોખંડને કાટ લાગવાથી તે નાશ પામે છે તેમ. અને, જયારે અંદર રહેલી સારાઈ ચાલી જાય, તો તમારી શાંતિ માટે કોઈ આશા રાખી શકાતી નથી.

એક ક્રોધી વ્યક્તિને પોતાને માટે ગમે તે મત હોય, અંદર ઊંડે તો તેઓ જોકે આત્મ-ગૌરવનાં અભાવથી પીડાતા હોય છે. અને તમે માનો કે ન માનો, તમારું આત્મગૌરવ તમારી નિ:સ્વાર્થતા સાથે સીધું જોડાયેલું હોય છે. તમે જેટલાં વધુ નિ:સ્વાર્થી, તેટલા જ વધુ તમે મજબુત હશો. અને જેટલાં વધુ મજબુત તેટલું જ મોટું તમારું આત્મગૌરવ. કોઈ ઉચ્ચ આત્મગૌરવ ધરાવતી વ્યક્તિ જ શાંત રહી શકે છે. આવી વ્યક્તિ ખોટી ચીસો પાડીને ગુસ્સે થવા કરતાં પોતાની ઉર્જાને સકારાત્મક માર્ગે બહુ સહેલાઇથી વાળી શકે છે.

માટે, ક્રોધથી ઉપર ઉઠવા માટેનો એક સારો માર્ગ એ છે તે તમારું આત્મગૌરવ વધારો. અને, તમે તેવું તમે કોઈની સેવા કરીને કે કોઈ મોટા કારણ માટે સમર્પિત થઇને નિ:સ્વાર્થભાવે તેની સેવા કરીને કરી શકો છો. અરે એક નાનકડું અમથું ભલાઈનું કાર્ય પણ તમારા આત્મગૌરવનાં ખાતામાં બહુ મોટી થાપણ તરીકે જમા થતું હોય છે. આ તમારી પોતાની જાતને જીતવાની એક આંતરિક મુસાફરી છે. તમે બીજાને મદદ કરીને તમારી જાતને જ મદદ કરી રહ્યાં હોવ છો.

તમે તમારી લાગણીઓનાં જવાબો જેટલાં તમારી અંદર શોધશો તેટલા ઓછા તમે અન્ય લોકોને તમારી લાગણીઓ માટે જવાબદાર ગણશો. તો પણ લોકો તો આવશે અને તમારી સાથે ભટકાશે જ, પણ હવે તમે તેમને એક ખાલી નાવ જેવા જોવાનું શીખી લીધું હશે. તેઓ ફક્ત તણાતા રહેલાં હોય છે. નિ:શંક, તમને હજુ પણ ખોટું લાગતું રહેશે જયારે પણ તેઓ તમારું રંગરોગાન બગાડી નાંખતા હશે કે પછી જયારે તેઓ તમારી ખુબ જ સાચવેલી વસ્તુને નુકશાન પહોંચાડતા હશે. તેમ છતાં, તેનો અર્થ એ નથી કે તેઓ તમારી અંદર ગુસ્સો પણ જન્માવી જશે. અને અહી જરૂર છે મારે એક સુક્ષ્મ તફાવતને દર્શાવવાની.

જુઓ, ગુસ્સે નહિ થવાનો અર્થ એ નથી કે તમને ખોટું પણ નથી લાગતું. આપણી આ દુનિયામાં રહેવું અને આપણી પ્રિય વ્યક્તિઓ તરફથી આપણને ખોટું ન લાગવું તે તદ્દન અશક્ય વાત છે. તેવું તો બનવાનું જ. તે તમારા હાથની વાત જ નથી. જો કોઈ તમને લાકડી લઇને મારે, તો તમને દુ:ખવાનું તો ખરું જ. તમે કેવી રીતે તેનો પ્રત્યુત્તર વાળો છો તે સારા લોકો અને મહાન લોકો વચ્ચેનો તફાવત નક્કી કરે છે. તમે તેમની લાકડી લઇ લેવાનું પસંદ કરી શકો છો, તમે એમનાંથી દુર થઇ જવાનું પસંદ કરી શકો છો, તમે તેમનાં પ્રત્યે ચીલ્લાવાનું પસંદ કરી શકો છો, પાછું તેમને ફટકારી શકો છો કે પછી તેમને વળતો પ્રેમ પણ આપી શકો છો.

દુઃખી થવા સિવાયનું, જો કે, એક બીજું પણ કારણ છે ગુસ્સાનું. કોઈને તે સાંભળવું ગમતું નથી પણ દુનિયાનું નજીકથી નિદાન કરતા તમને તે સ્પષ્ટપણે છતું થશે. અને તે છે સ્વ-ઘેલછા. તમને તમારી જાતની જેટલી વધુ ઘેલછા હશે, તેટલાં વધુ તમે ગુસ્સે થઇ જશો, એક નાના અમથા ઘર્ષણથી પણ. આત્મ-ઘેલછાથી યુક્ત લોકો પોતાની જાતને બહુ ગંભીરતાથી લે છે. પછી તે તેમનું જીવન હોય, ધર્મ હોય કે તેમનાં મત હોય, દરેક વસ્તુ તેમનાં માટે ગંભીર હોય છે. આ લોકો એવાં હોય છે કે જેઓ ખાલી નાવને જોયા પછી પણ ચિલ્લાતા રહે છે અને જેણે તે નાવ ખુલ્લી છોડી દીધી હોય તેને ગાળો ભાંડતા રહે છે. એક આત્મ-ઘેલછા વાળી વ્યક્તિને પોતાનાં ક્રોધ સાથે શું કરવું તેની ખબર નથી હોતી. ફરી એક વાર, તેનું મારણ તમારા અસ્તિત્વની પેલે પાર જવામાં અને એક એવી મુસાફરીએ નીકળવામાં રહેલું છે કે જે તમારી પોતાની સ્વાર્થી ઇચ્છાઓનાં કુલ સરવાળા કરતાં પણ મોટી હોય.

મુલ્લા નસરુદ્દીન એક નવા શહેરમાં રહેવા ગયા હતાં અને તેમને એક આર્થિક મદદની જરૂર હતી. તેમને કોઈ પૈસા નહોતું આપતું જોકે. નિરાશ થઇને તેઓ મસ્જીદની બહાર બેઠા હતાં અને ત્યાં તે એક અજાણી વ્યક્તિ સાથે વાતે વળગી ગયા.

થોડી મિનીટો પસાર થઇ ગઈ અને મુલ્લાએ પૂછ્યું, “તો કેવો ચાલે છે ધંધો?”
“ખુબ સરસ!” પેલા માણસે કહ્યું.
“તો મને ૫૦ રૂપિયા ઉછીનાં આપશો?”
“૫૦ રૂપિયા?” તેને નવાઈ સાથે પૂછ્યું. “ના રે! હું તો તમને ઓળખતો પણ નથી.”
“આ ખરું કહેવાય,” મુલ્લાએ જવાબ આપતા કહ્યું. “પેલાં ગામમાં મને કોઈ ઉછીના નહોતું આપતું કેમ કે તેઓ મને ઓળખતાં હતાં. અને અહી, કોઈ મને ઉછીના નથી આપતું કેમ કે તેઓ મને ઓળખતાં નથી.”

ગુસ્સાનું પણ એવું જ છે. કોઈ તમારી અવગણના કરવાની, તમને ચિલ્લાવાની, તમારા ઉપર ગુસ્સે થવાની સ્વતંત્રતા લેશે કેમ કે તેઓ તમને જાણે છે. તેમને ખબર છે કે તમે તેમનું આવું વર્તન ચલાવી લેશો. અને કોઈ તમારા ઉપર એટલાં માટે પણ ગુસ્સે થશે કેમ કે તેઓ તમને નથી જાણતા. તેઓ તમને તેમની પોતાની ગળણી વડે જ ગાળીને જુવે છે. કોઈ પણ કિંમતે, આ બાબતથી તમે એક વ્યાજબી મર્યાદાથી વધારે પરેશાન ન થશો, આમાં તમારા વિશેની નહિ પણ તે લોકો વિશેની જ વાત છે. જ્યાં સુધી તમે તેમનાં જેવા નથી ત્યાં સુધી તમે બરાબર છો.

મેં એક વખત એક સુવાક્ય વાંચ્યું હતું, “તમારું મોઢું ત્યારે જ ખોલો જયારે તમારું કહેવાનું તમારા મૌનથી વધારે સુંદર હોય.” આની અંદર તમારા અણગમાને વ્યક્ત કરવાની વાતનો ખુબ સારો સાર આવી જાય છે. દરેક નાની વાત જે આપણે કરીએ, કહીએ કે વિચારીએ, એ દરેક વિચાર કે જેની ઉપર આપણે ચિંતા કર્યે રાખીએ, એ દરેક લાગણી કે જેણે આપણે પકડીને બેસી જઈએ તે આપણો જ બોજ વધારે છે. તમે તમારી નાવ સંપૂર્ણપણે કદાચ ખાલી ન પણ કરી શકો, પણ તેને વધારે પડતી ભરેલી પણ ન રાખો. ભારે વસ્તુ જલ્દી ડૂબી જતી હોય છે. ખરેખર, આટલું સરળ છે આ. હળવા બનો. મુક્ત બનો.

શાંતિ.
સ્વામી

No comments:

Post a Comment

Share